શબ્દ સાધકો

તાન્કા

તાન્કા એક જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. તેનું બંધારણ નીચે પ્રમાણે છે. 

૧. પાંચ અક્ષર 
૨. સાત અક્ષર 
૩. પાંચ અક્ષર
૪. સાત અક્ષર 
૫. સાત અક્ષર 

પ્રથમ કડીમાં પાંચ અક્ષરો થી શરૂ થયેલ વાત, વિચાર, ઘટના કે કલ્પન પાંચમી કડીમાં 
સાત અક્ષરો થી એક ચોટ સાથે પૂર્ણ થાય છે.  વચ્ચેની કડીઓ માં અક્ષર મર્યાદા સાથે 
વિસ્તરણ પામે છે.  આ કાવ્ય પ્રકાર માં છંદ બંધારણની અથવા પ્રાસ મેળની જરૂર નથી. 
---------------------------------------------------------------------------------------------------------------------

સાગર કાંઠે,
       લખેલું તારું નામ,
ભીની માટીએ,
ફરી છુપાવી દીધું !
ને માટી જીતી ગઈ !!

મને લખેલો,
     તારો પત્ર વાયરો,
ઉડાવી ગયો ;
મીઠી યાદો ચોરીને !
વાયરો જીતી ગયો !!

અમુલા સ્વપ્નો,
       તારા સાથની વાતો,
આંખ ખુલતા,
નિંદર લઇ ગઈ !
સમય જીતી ગયો !!

છુપાવી તને,
     દિલમાં મારા તને,
શ્વાસ બનાવી,
તને પામી લીધો !!
અને હું જીતી ગઈ !!
---------------------------

– 'હિનલ' મેહતા
------------------------------------------
જોતજોતામાં
શ્વાસ ગયો નીકળી
આંખની સામે
ખુલ્લી પાંપણોને
મીંચાઈ જવું પડયું.
---------------------------
કુમાશ લઈ
પર્ણ થયાં ડાળીએ;
પાનખરમાં
તો ખરતાં જ કેવા
ખખડી ગ્યા આપણે.
-----------------------------------
મલમલયું
હોય જો આવરણ
તો દેખી શકું
આપ તણું વદન 
ચૈત્રની ચાંદનીમાં 
--------------------------------
પતંગિયા છે
ફૂલોના વાઈપર 
ફરફરતી
પાંખથી લૂછ્યા કરે
ઝાકળનાં સપનાં.
------------------------------------
તરલ હતાં
વાદળ કીકીઓમાં
ઘેરયેલાને
સમય થંભી ગયો 
ઉભયની સામે જ .
--------------------------
ભળી જાય છે 
સરિતા સાગરમાં 
અહં વગર
એમ, કેમ ન મળું!
તને સહજતાથી
----------------------------
મારું કંઇક
એવું, કશુંક દેવું
થોડુંક લેવું
ઝાકળ ઝરણાંની
અટકળમાં વ્હેવું.
---------------------------
- ઉમેશ જોશી 
--------------------------------------------------

આ દિલ પર 
થયો જખમ જુઓ
ટપકી રહી 
છે લોહીને બદલે 
કુમળી લાગણીઓ
---------------------
- બ્રિજેશ દવે - વિભવ 
--------------------------------------------------
બસ માનવ
ન કોઈ સંગી-સાથી
કોઈ બૈસાખી
ડગર અનજાણી
બસ ફના થવાની

----------------------
- શરદ શાહ
-------------------------------------------------

No comments:

Post a Comment