અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
– અમૃત ઘાયલ
-----------------------------------------------------------------------------------------
કેમ ભૂલી ગયા? દટાયો છું
કેમ ભૂલી ગયા? દટાયો છું
આ ઈમારતનો હુંય પાયો છું
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું
અડધોપડધો જ ઓળખાયો છું
વિસ્તર્યા વિણ બધેય છાયો છું
હું અજબ રીતથી ઘવાયો છું
આમ તો એક બિન્દુ છું કિન્તુ
સપ્તસિન્ધુથી સંકળાયો છું
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો
ચન્દ્રની જેમ ચોડવાયો છું
વઢ નથી વિપ્ર, આ જનોઈનો
આમ હું આડેધડ કપાયો છું
રામ જાણે શું કામ હું જ મને
સર્પની જેમ વીંટળાયો છું
એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે
હું ય મારો નથી, પરાયો છું
સાચું પૂછો તો સત્યના પંથે
ખોટી વાતોથી દોરવાયો છું
ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને
આપ મેળે જ ઊંચકાયો છું
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’
શૂન્ય કરતાં તો હું સવાયો છું
– અમૃત ‘ઘાયલ’
વાહ! શું સુંદર ગઝલ છે.
ReplyDeleteThanks for comment
Deleteઘાયલ ની ગત ન્યારી
ReplyDelete