શબ્દ સાધકો

Friday, March 11, 2016

Khalil Dhantejvi's Gazal(ખલીલ ધનતેજવી - ગઝલ)

ગઝલ

કેમ ખોવાયું છે મન તલવારમાં,
જાવ વેચી દો હવે ભંગારમાં !

છોડ વાતો સ્વર્ગની કે નર્કની,
એ બધું છે આપણા સંસારમાં.

આજ આવ્યો છું તમારી રૂબરૂ,
કાલ ફોટો આવશે અખબારમાં.

તું હવે વરસાદમાં ના’વા પડ્યો,
હું તો ભીંજાયો છું પ્હેલી ધારમાં.

ના કહે તો સમજી લેવું હા કહ્યું,
સો ટકા છે સંમતિ ઈનકારમાં.

છટપટાહટ વાંસળીના સૂરમાં,
ને તડપ છે તંબૂરાના તારમાં.

એ ખલીલ અંતે તો અંધારું જ છે,
આગિયા પીંખી જશે પલવારમાં.



--- ખલીલ ધનતેજવી

--- ‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર

--------------------------------------------------------------------------------------

બીજું શું ?

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

માફ કરો, અંગૂઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું ?

વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?

પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?

આજે અમને દાદ ન આપો કાંઈ નહિ

આજે અમને સાંખી લેજો બીજું શું ?

--- ખલીલ ધનતેજવી

No comments:

Post a Comment