ભાષાની ધા
મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે
છતાંય એ નજરાઈ ગયા કૈં એવું સૂકુંલીલું રે
દાદા ઉમાશંકર દોડો, હણહણતાં જળ લાવો રે
શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભીંજાવો રે
કહો, નિરંજનકાકા, આ તે કપટ થયાં છે કેવાં રે
તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે
રઘુવીર, તમ જેવા મૂછડ ભાઈ છતાં આ થાતું રે
શબ્દો સાથે છનકછિનાળાં કરે સકળ ભાયાતું રે
સુરેશ નામે જોષી, જુઓ જોષ કુંડલી દોરી રે
શા માટે આ શબ્દોમાંથી વાસ આવતી ખોરી રે
કરો વૈદ્યશ્રી ઉર્ફે લાભશંકર ઠાકર ચિકિત્સા રે
શબ્દોને શા વ્યાધિ છે કે થાતા ચપટાલિસ્સા રે
મણિલાલ, પ્રિયકાંત, રાવજી, જગદીશે જે માંજ્યા રે
છતાં શબ્દનાં કાળાંભઠ્ઠ પોલાણ હજી ના ભાંજ્યાં રે
રસ્તે ક્યાં હે મનહર, ચિનુ, સરૂપ, કિસન સોસા રે
શબ્દો મારા ટ્રાફિકમાં અડવાઈ ગયેલા ડોસા રે
રમેશ જેવો રાબડબૂસો કરતો કૈં કૈં ખેલો રે
અને/એટલે/અથવા મારો પાલવ થાતો મેલો રે
નયન, નિરંકુશ, પ્રફુલ્લ, પન્ના, વિપિન, શેખડીવાળા રે
શબ્દોના અંધારગર્ભમાં કરશોને અજવાળાં રે ?
– રમેશ પારેખ
No comments:
Post a Comment