શબ્દ સાધકો

Saturday, August 20, 2016

Vinod Manek 'Chatak' 's Gazals(વિનોદ માણેક 'ચાતક' ની ગઝલ રચનાઓ)

હોય શ્રધ્ધા ને સબુરી સાથમાં
સાંઈને પામી શકો પળવારમાં.

એમ એ તલવાર જેલની નમી
એકતારાના અહો રણકારમાં.

જે નમે છે તે પ્રભુને પણ ગમે
જે અહમ્ આ છૂટશે સંસારમાં.

ના અમારું ન તમારું કૈં અહીં
રામની છે આ રમત દરબારમાં.

ચાલ 'ચાતક' પામવા હો રામને
નામ સ્મરણ થાય જો ધબકારમાં.
-------------------------------------

તું ભાર લૈ શાને ફરે, ઠાકર કરે ઇ ઠીક છે,
સંસાર છે ચાલ્યા કરે, ઠાકર કરે ઇ ઠીક છે.

અટકળ બધી છે ગાંઠ વાળી રાખજે ના તું કદી,
ને સત્ય બીજું પણ ઠરે, ઠાકર કરે ઇ ઠીક છે.

લૈ કૈંક ક્ષણે મેં તને હે જિંદગી ચાહી હશે,
છે, આયખું તો એ સરે, ઠાકર કરે ઇ ઠીક છે.

તડકાં અને છાયાં બધું આવ્યા કરે આ માર્ગમાં,
શાને બધી ચિંતા કરે, ઠાકર કરે ઇ ઠીક છે.

ખાધી હશે કૈં ઠોકરો, રસ્તો મુસાફરને કહે,
રસ્તો પછી મંઝીલ ધરે, ઠાકર કરે ઇ ઠીક છે.

જો હોય પ્રગટાવ્યો તમે દીપક કદી શ્રધ્ધા તણો,
એ જ્યોતમાં દિવેલ ભરે, ઠાકોર કરે ઇ ઠીક છે.

શબરી સમી પ્રતિક્ષા હશે તો રામ દ્વારે આવશે,
તો મોક્ષને જીવ આ વરે, ઠાકર કરે ઇ ઠીક છે.
-----------------------------------------------

રંગમાં હું ગુલાલ થૈ આવું
સ્વર, લય સંગ તાલ થૈ આવું.

શબ્દ છું એમ કેદના થાઉં
નાદ આ બ્રહ્મ ખ્યાલ થૈ આવું.

તેજ એવું મળે, તિમિરના હો
જ્યોત એવી કમાલ થૈ આવું.

રાહ સાજન તણી સદા જોઈ
સર્વ વ્યાપી સવાલ થૈ આવું.

ગોપી -ગોપી ફરી ચાહે તો
 વ્રજનો હું લાલ થૈ આવું.
-------------------------------

બધાંને સતત આ નગરમાં ઉતાવળ.
દિવસ - રાત સરખી સફરમાં ઉતાવળ.

વિરહમાં ઉતાવળ, મિલનમાં ઉતાવળ,
મળી ના મળી ત્યાં નજરમાં ઉતાવળ.

ઉતાવળ હવામાં, ઉતાવળ ઘટામાં,
ચમનની ગુલાબી અસરમાં ઉતાવળ.

છપાતી રહે છે, ભૂલાતી રહે છે,
ખુશી - ગમ ભરેલી ખબરમાં ઉતાવળ.

ઘડીનાં ટકોરે મહોબ્બત રચાશે,
જિગરમાં, નજરમાં,અધરમાં ઉતાવળ.

ઉતાવળ ભરી છે, જગતની પળો આ,
જનમ - મોત, ઘર ને કબરમાં ઉતાવળ.
------------------------------------------

અફવામાં શું છે સચ્ચાઈ, ના હું જાણું ના તું જાણે
દરિયાની શી છે ગહેરાઇ, ના હું જાણું ના તું જાણે.

આમે પામી શક્યુ છે શું તારી માયા હે હરિ !
કેવી છે આ અખિલાઇ, ના હું જાણું ના તું જાણે.

ચાદર વણતાં વણતાં નામ તમારું વણી લીધું'તું
કેવી છે આ કબીરાઇ, ના હું જાણું ના તું જાણે.

રાધા ગોતે વ્રજમાં, મીરા જોગન થૈને ફરતી
તારી લીલા કન્હાઇ,ના હું જાણું ના તું જાણે.

આમે 'ચાતક' નજરે નિરખી, અનારાધારી વરસ્યો'તો
તરસી કેવી તન્હાઇ, ના હું જાણું ના તું જાણે.

વિનોદ માણેક 'ચાતક'
-----------------------------------------------







3 comments:

  1. વિનોદ માણેક "ચાતક" ની રચનાઓ અફાટ સમુદ્ર માં નિજાનંદ માટે ફરતી માછલી સમાન તરલ અને લાવણ્યમયી છે.

    ReplyDelete