સ્થળ તો છે સ્થૂળ, બદલાયા કરે,
મોહ એનો રાખવો મિથ્યા ઠરે;
શું ખબર કે કેટલું ફરવું પડે !
જ્યાં રહો ત્યાં માનવું કે છો ઘરે.
વાત આખી છે ફકત બસ લાગણી,
બુધ્ધિ આડે એજ આવે આખરે.
એ જ સમજાતું નથી સંસારમાં,
કોણ આ દુનિયાનું સંચાલન કરે !
આપણે તો 'મન' મનાવી બેસવું,
જે થવાનું હોય તે થાતું ભલે.
-------------------------------------
ખબર પડતી નથી કે ક્યાં બધી મીઠાશ ચાલી ગઈ
થયા કડવા અનુભવ એટલા, કડવાશ વ્યાપિ ગઈ;
હશે મારી ખતા કે થઈ ગયા શત્રુ બધા મિત્રો,
સફળતા છેક આવી હાથતાળી કેમ આપી ગઈ ?
અલગ એ વાત છે કે સાથ ના લાંબો સમય ચાલ્યો,
મને અફસોસ તો એ છે કે મારી વાત ખાલી ગઈ,
હજી પણ છે સમય તોસાચવીને ચાલજો નહિતર
પછી કહેશો કે સાલી જીંદગી આખી નકામી ગઈ
હકીકતમાં તમે સમજી ગયા મોઘમ ઈશારો પણ,
તમારી એ અદા 'મન' ને બરાબર હલબલાવી ગઈ.
--------------------------------------------------------
આશ બીજાની કરી બેસી રહે તો શું વળે !
સહાય ખુદ જાતે જ પોતાની ય તો કરવી ઘટે!
રાહ જોઈ કોઇ દી' બેસી સમય રહેતો નથી,
પહોંચવા મંઝીલ સુધી ચાલતા રહેવું પડે,
દુઃખને પંપાળતાં વધતું રહે છેવટ સુધી,
જેમ હો દુષ્કાળ ને એમાં અધિક મહીનો વધે,
આફતોથી અાપણે તો કાયમી પાલો પડ્યો,
ચાલશે કેવી રીતે જો આફતોથી ડરે.
છે સમય પ્રતિકૂળ એવું 'મન' મનાવી બેસતાં,
ના કદી પણ આપણી ગમતી અનુકૂળતા મળે.
--------------------------------------------------
પડકારની પિસ્તોલથી યે ભાગતો નથી,**
નજરો ડરીને કોઇથી ઝૂકાવતો નથી,
ચારે તરફ રચતા ભલે ષડયંંત્ર દુશ્મનો ,
કપટી જનોથી હું કદી ભય પામતો નથી.
એવું બને કે મિત્રને મિત્રો જ મારતા,
એ કારણે મિત્રો ઘણા હું રાખતો નથી.
જાતે જ મારી જાતને હું સાચવી શકું,
આખા જગતનો ભાર હું ઊપાડતો નથી.
મારા વગર તો આ જગત સૂનું પડી જશે,
'મન'માં કદી એવું હજી વિચારતો નથી.
** તરહી ગઝલ
--------------------------------------------
"વાતો"
તમે સામે જ હો છો તો કશી સુઝતી નથી વાતો,
નથી હોતા તમે ત્યારે કદી
ખૂટતી નથી વાતો.
ગમે ત્યાં જાવ પણ પીછો તમારો છોડશે ના એ,
છૂટી જાશે જગત તો પણ
કદી છૂટતી નથી વાતો
તમે ચાહે તમારી વાત ધરબી દો અતળતળમાં
ગમે ત્યાંથી ફૂટી જાશે ફરી,
છૂપતી નથી વાતો
ધુમાડો હોય છે ત્યાં આગ પણ લાગી હશે નક્કી
અમસ્તી એમ કંઈ જાહેરમાં
ઉડતી નથી વાતો
ગમે છે તો જ રસ લઈને તમે પણ સાંભળો તો છો,
પછી 'મન' મારીને શાને કહો,
રુચતી નથી વાતો.
--------------------------------------------------------------
મનહર મોદી -'મન' પાલનપુરી
No comments:
Post a Comment