શબ્દ સાધકો

Friday, August 12, 2016

Sandip Vsava 'Shahadat Mirza' 's Gazals(સંદિપ વસાવા 'શહાદત મિર્ઝા' ની ગઝલ રચનાઓ)

તારી યાદ 

પ્રણયની  ખુશ્બુ  તારી આ  ચમનમાં  રોજ આવે છે,
હશે  તારી  જ  આત્મા જે  સુમનમાં  રોજ આવે છે.

લઈ   ને   આસમાને     પ્રેમનો   પૈગામ   ઉડતું   એ,
નથી  પંખી  છતાં   મારા   ગગનમાં  રોજ આવે છે.**

જરા   સમજાવ   તારી   યાદને  એ  પ્રેમના  બ્હાને,
ઘડીએ   ને  ઘડી પ્યારા   દમનમાં   રોજ   આવે  છે.

નથી   વિશ્વાસ    લોકોને   હજી   તારા મરણનો પણ,
તને    જોવા   એ    દીવાના   વતનમાં  રોજ આવે છે.

કહેતી   તું   હતી    કે  પ્રેમ   કોઈ  'દિ  હતો   જ  નૈ,
મજારે  આ  'શહાદત' જો   નમનમાં  રોજ  આવે છે.

**તરહી મિસરો 
---------------------------------------------------

નશામાં લખીએ

શબદને  વહેતી  હવામાં   લખીએ,
ગઝલ એક આજે નશામાં લખીએ.

દરદ  જો  કશાનું  રણકતું  હશે તો,
શરાબીપણાની   દશામાં   લખીએ.

ખુદા સાંભળે  શબ્દની સાધના  તો,
ગઝલ એક આજે દુઆમાં લખીએ.

કસક  આપનારા  જરા  માપમાં  રો',
દરદ પણ અમે તો મજામાં   લખીએ.

ગઝલકારની  તો  દવા   છે  દરદની,
ગઝલ  એ  દરદની  દવામાં  લખીએ.
-----------------------------------------

શબ્દ તો છે ધર્મ

કલ્પનો દોડે  પછી   દોડ્યા   કરો,**
સત હકીકતને પછી  શોધ્યા   કરો .

પથ્થરો  પાછળ   તમે  દોડો  નહીં,
ઈશ  કેવલ  તન મહીં  ખોળ્યા કરો.

દિલ  અમારું  કાચ   જેવું;  ને  તમે-
કાં   ઘડીએ   ને  ઘડી  તોડ્યા  કરો !

છે ઘણી અઘરી ગઝલ ઓ કાફિયા
સાથ ક્યાં  કપરી ક્ષણે છોડ્યા કરો ?

શબ્દ તો છે  ધર્મ  આ  કવિલોક નો
આ કલમ  શ્યાહી મહીં બોળ્યાં કરો 

**તરહી મિસરો 
--------------------------------------------

જાતને સત્યમાં બાળી જુઓ

વીરડો શ્રદ્ઘા થકી  આ  રેત  માં ગાળી જુઓ,**
રેત આ તન પર ઘસીને દેહ અજવાળી જુઓ.

પ્રેયસીના   રૂપને   શબ્દો  મહીં  ઢાળી  જુઓ,
એ પછી ઘાયલ થયેલાં શબ્દ સંભાળી  જુઓ.

તે  પરી  સંગાથની  એ  રાત  રઢિયાળી જુઓ,
ને  વિના  એ  રાત એના સંગની  કાળી  જુઓ.

આ મહેફિલમાં પહેલાં જે હતી  રોનક  જુઓ ,
એ ગઈ  ત્યારે   પડી  કૈં  કેટલી  તાળી જુઓ !

કાગળો ને આ ગઝલ પળમાં તમે સૌ  બાળશો,
આ વિચારો જો બળે તો શોખથી બાળી જુઓ!

ફૂલ  ખીલવતો   અને  પોતે જ એ  તોડી  જતો,
આ નિયમ એ કાળનો  સંભાળતો  માળી જુઓ!

માનશે  'સંદિપ'  કરેલા   સૌ  ગુનાઓ   પ્રેમથી,
પણ તમે પણ જાત ખુદની સત્યમાં બાળી જુઓ.

**તરહી મિસરો
--------------------------------------------------

હવે એ વાત પર તારી, બધો આધાર રાખે છે,**
કતલ  માટે  હવે   મારા, તું કેવી ધાર રાખે છે.

છે નક્કી હાર મારી પણ, રહી છે ઔપચારિકતા,
અજિત એવા નયનમાં તું સદા હથિયાર રાખે છે.

તું શું રુપ સુંદરી છે કે પછી છે યુદ્ધની સૈનિક ?
કટારી આંખમાં ને દિલ મહી શણગાર રાખે છે

તબીબો પણ હવે હારી ગયા મારો મરજ જોઈ
બચી તું એક  ચારાસાજ*  જે  ઉપચાર રાખે છે

ગઝલમાં મેં લખી કાયમ 'તને' જ પ્રેમથી 'સંશમિ',
ગઝલમાં  શબ્દનો સુંદર, તું છાંદસ ભાર રાખે છે.

**તરહી મિસરો
*चारासाज
वि० [फा० चारः साज] [भाव० चारासाजी] विपत्ति के समय सहायता देकर दूसरे का काम बनानेवाला
----------------------------------------------------

સંદિપ વસાવા 'શહાદત મિર્ઝા'


1 comment: