શબ્દ સાધકો

Showing posts with label શબ્દ્સંહિતા. Show all posts
Showing posts with label શબ્દ્સંહિતા. Show all posts

Friday, August 12, 2016

Sandip Vsava 'Shahadat Mirza' 's Gazals(સંદિપ વસાવા 'શહાદત મિર્ઝા' ની ગઝલ રચનાઓ)

તારી યાદ 

પ્રણયની  ખુશ્બુ  તારી આ  ચમનમાં  રોજ આવે છે,
હશે  તારી  જ  આત્મા જે  સુમનમાં  રોજ આવે છે.

લઈ   ને   આસમાને     પ્રેમનો   પૈગામ   ઉડતું   એ,
નથી  પંખી  છતાં   મારા   ગગનમાં  રોજ આવે છે.**

જરા   સમજાવ   તારી   યાદને  એ  પ્રેમના  બ્હાને,
ઘડીએ   ને  ઘડી પ્યારા   દમનમાં   રોજ   આવે  છે.

નથી   વિશ્વાસ    લોકોને   હજી   તારા મરણનો પણ,
તને    જોવા   એ    દીવાના   વતનમાં  રોજ આવે છે.

કહેતી   તું   હતી    કે  પ્રેમ   કોઈ  'દિ  હતો   જ  નૈ,
મજારે  આ  'શહાદત' જો   નમનમાં  રોજ  આવે છે.

**તરહી મિસરો 
---------------------------------------------------

નશામાં લખીએ

શબદને  વહેતી  હવામાં   લખીએ,
ગઝલ એક આજે નશામાં લખીએ.

દરદ  જો  કશાનું  રણકતું  હશે તો,
શરાબીપણાની   દશામાં   લખીએ.

ખુદા સાંભળે  શબ્દની સાધના  તો,
ગઝલ એક આજે દુઆમાં લખીએ.

કસક  આપનારા  જરા  માપમાં  રો',
દરદ પણ અમે તો મજામાં   લખીએ.

ગઝલકારની  તો  દવા   છે  દરદની,
ગઝલ  એ  દરદની  દવામાં  લખીએ.
-----------------------------------------

શબ્દ તો છે ધર્મ

કલ્પનો દોડે  પછી   દોડ્યા   કરો,**
સત હકીકતને પછી  શોધ્યા   કરો .

પથ્થરો  પાછળ   તમે  દોડો  નહીં,
ઈશ  કેવલ  તન મહીં  ખોળ્યા કરો.

દિલ  અમારું  કાચ   જેવું;  ને  તમે-
કાં   ઘડીએ   ને  ઘડી  તોડ્યા  કરો !

છે ઘણી અઘરી ગઝલ ઓ કાફિયા
સાથ ક્યાં  કપરી ક્ષણે છોડ્યા કરો ?

શબ્દ તો છે  ધર્મ  આ  કવિલોક નો
આ કલમ  શ્યાહી મહીં બોળ્યાં કરો 

**તરહી મિસરો 
--------------------------------------------

જાતને સત્યમાં બાળી જુઓ

વીરડો શ્રદ્ઘા થકી  આ  રેત  માં ગાળી જુઓ,**
રેત આ તન પર ઘસીને દેહ અજવાળી જુઓ.

પ્રેયસીના   રૂપને   શબ્દો  મહીં  ઢાળી  જુઓ,
એ પછી ઘાયલ થયેલાં શબ્દ સંભાળી  જુઓ.

તે  પરી  સંગાથની  એ  રાત  રઢિયાળી જુઓ,
ને  વિના  એ  રાત એના સંગની  કાળી  જુઓ.

આ મહેફિલમાં પહેલાં જે હતી  રોનક  જુઓ ,
એ ગઈ  ત્યારે   પડી  કૈં  કેટલી  તાળી જુઓ !

કાગળો ને આ ગઝલ પળમાં તમે સૌ  બાળશો,
આ વિચારો જો બળે તો શોખથી બાળી જુઓ!

ફૂલ  ખીલવતો   અને  પોતે જ એ  તોડી  જતો,
આ નિયમ એ કાળનો  સંભાળતો  માળી જુઓ!

માનશે  'સંદિપ'  કરેલા   સૌ  ગુનાઓ   પ્રેમથી,
પણ તમે પણ જાત ખુદની સત્યમાં બાળી જુઓ.

**તરહી મિસરો
--------------------------------------------------

હવે એ વાત પર તારી, બધો આધાર રાખે છે,**
કતલ  માટે  હવે   મારા, તું કેવી ધાર રાખે છે.

છે નક્કી હાર મારી પણ, રહી છે ઔપચારિકતા,
અજિત એવા નયનમાં તું સદા હથિયાર રાખે છે.

તું શું રુપ સુંદરી છે કે પછી છે યુદ્ધની સૈનિક ?
કટારી આંખમાં ને દિલ મહી શણગાર રાખે છે

તબીબો પણ હવે હારી ગયા મારો મરજ જોઈ
બચી તું એક  ચારાસાજ*  જે  ઉપચાર રાખે છે

ગઝલમાં મેં લખી કાયમ 'તને' જ પ્રેમથી 'સંશમિ',
ગઝલમાં  શબ્દનો સુંદર, તું છાંદસ ભાર રાખે છે.

**તરહી મિસરો
*चारासाज
वि० [फा० चारः साज] [भाव० चारासाजी] विपत्ति के समय सहायता देकर दूसरे का काम बनानेवाला
----------------------------------------------------

સંદિપ વસાવા 'શહાદત મિર્ઝા'


Tuesday, August 9, 2016

Ramesh Chhanga's Gazals(રમેશ છાંગા ની ગઝલ રચનાઓ)

વાત કરવાની તડપ લાગી મને,
ને  થપડ  તારી કડક લાગી મને.
   
આમ તો તેં ભાવ-તાલો બહું કર્યા,
પણ મફતમાં એ ચંપલ લાગી મને.

નાકમાં  તારે  વરસતી  વાદળી,
જોઇ  આગાહી  ખરી  લાગી  મને.

દસ  અમાસો  એકઠી આજે મળી,
વાહ,  તારા   રુપની  લાગી  મને.

નામ  તો  મોઢે નથી એનો 'રમેશ',
ગામઠી વઢકણ છોરી લાગી મને.
-----------------------------------

વેલણ અને વચનથી કેમ વાર કરો છો,
કાયમ તમે અમોને એમ ઠાર કરો છો.

ટાયર ફરે છે જેમ એમ ફેર ફરો છો,
ધાંધલ જરા મચાવી જીદ્દ પાર કરો છો.

પ્હેલા હતા હવે નથી તમે પણ એવા,
આખો વરસ કાં માંગણીનો માર કરો છો ?

ચોખ્ખા કરું કે ભાત રાંધું રોજ નો છે પ્રશ્ન,
ખીસ્સે તો લાખ ના હજાર બાર કરો છો.

નાજુક નમણાં નૈનમાં 'રમેશ' તો ફિદા,
જોયા પછી તો એજ કોડા ચાર કરો છો.
----------------------------------------

ખેલ અઘરા ખેલતો વેરીને વસમો વાર છું,
રંક જનના રોટલે ધધકેલ ઘી ની ધાર છું.

નંદ ઘેરે ઝુલતો નાનકડો નટ-ખટ બાળ છું,
કંસનો હું કાળ, પાંચાળીના ચિર હજાર છું

એ શહીદો સરહદે લીલુડા માથા વાવતાં,
હું સતીઓની કુખેથી ઉગતો આકાર છું.

કલ્પનાઓ કલ્પતા કવિઓ કેવા ઉંડાણથી,
છું હકીકત એ બધા કર્તાનો કર્તાકાર છું.

આભ ઓઢીને સુતેલા બાળકોમાં હું જ છું,
રામ હું, રહેમાન હું, ને ઈસુનો અવતાર છું.
---------------------------------------------

પથ્થરો ફેંકતા લોક ક્યાં શોરથી ?
ઉડતી જાય અફવા છતાં જોરથી.

ચાંતરે એક ડગલું ચડી ટોંચથી,
તો  પડે  હેઠ  પટકાઇને  જોરથી.

કાપસે  એ  તને જો ચડે તું નભે,
પંખ  તારે  નથી  ઉડતો  દોરથી.

પેસતા દુષણો ચાલ ધીમી ચલી,
છેવટે  છોડતા  છાલ  નૈ  છોરથી.

આ હવા પણ સુંઘે કોણ છે જાતનો ?
છે 'રમેશ' લાલ લોહી અહિં મો'રથી.
--------------------------------------

એક દિ' તું રાજ કર, મતદાન કર,
પંચ વર્ષી પાસ પર, મતદાન કર.

ભ્રમણાંનું  ભોય પર  વિનાસ કર,
સત્ય સાથે બાથ ભર, મતદાન કર.

લોભ, લાલચ, જૂઠથી આઝાદ છો,
વાહ-વાહી ને ના વર, મતદાન કર.

નાગરીક  નથી  કદીયે  પાંગળો,
છે બટન તૈયાર કર, મતદાન કર.

આંગળીને   આજ લે   અજમાવ તું,
રામ જેવું  રાજ ધર, મતદાન કર.
------------------------------------

શું વધારે લોડમાં હાલી ગયો ?
આ ખટારો ખોટમાં ખાલી થયો..

 રોડ રસ્તે બમ્પ મોટા ઠેકતો,
ઝાડવાને જાનથી મારી ગયો..

આંકતો એ લાલ લીટી લોનમાં,
કેસ ભરવા ખેસ પણ ખાલી થયો..

આર ટી ઓ એમ થોડો છોડસે !
ધીમે પગલે દંડવા દોડી ગયો..

છે ખટારું 'રામ' નું નહી ભુલતો,
ચાર કંધે ચોકડી મારી ગયો..
---------------------------------

ભીંતે બેસી કરતી ચકલી ચાળું,
મારે  મ્હેલે  આજે  કાં  છે  તાળું ?

બોલી ચીં-ચીં લાવો મારું  લાગું,
પાણી  કુંડું,   દાણાંનું    સરવાળું.

બાજર  ડુંડે   ખાતી  દાણું   દાણું,
ભાતો બાંધી કરતી ના ભોપાળું.

ટોળું  આખું  કરતું'તું   મનમાની,
ગોફણ પાંણા  ભાળી ઉડે ધાળું.

આવો  રામ  રહોને  મારા રદયે,
નગર અયોધ્યા જુઓ લટકે તાળું.
------------------------------------

ચાડી ખાતો ચાડીયો ચોપાની,
ને આ માણસ જાતે છે ખોપાની.

પાળો બાંધી રોકે વ્હેતા પાણી,
પણ પોતાની વાણી ના રોકાણી.

ડોલાવી ડુંગર ને આપે વાચા,
ચાલી જાતી ચારઆની ભોપાની.

ખીલે બાંધે વાછરડાને કાયમ,
બંધાતી ના પોતાની  તુફાની.

રામ' કહોને કોણ હવે ઉકેલે ?
નગર અયોધ્યા આંટી છે ઘુંટાણી.
-----------------------------------

સુતા ચાદર તાંણી ઇચ્છાઓની,
ખાણ ખરી ખોદાણી ઈચ્છાઓની.

દોડી દોડી થાકે થોડું આ મન ?
થકવે એને લ્હાણી ઇચ્છાઓની.

પાણી ભરતી પનીહારીને પુંછો,
મીઠુ  મલકે  રાણી ઇચ્છાઓની.

ચાળા કરતી, ચટકાં ભરતી કીડી,
મોર  ટહુંકે  વાણી  ઇચ્છાઓની.

રામ' રમાડે બાજી સઘળી આજે,
કાલે  થાસે  ઘાણી  ઇચ્છાઓની.
------------------------------------

આંગણે આવી ટહુંકે મોરલો,
દિલ બહેલાવી ટહુંકે મોરલો.

જાગતો આઠે પહોરે આજ પણ,
શ્વાસ થંભાવી ટહુંકે મોરલો.

દુર સુંધી પ્હોચતો લ્હેકો મધૂર,
શાન શોભાવી ટહુંકે મોરલો.

મોરલાને નાચવાના કોડ જો,
ઢેલ મલકાવી ટહુંકે મોરલો.

સીત્ સંગે રામ' પણ ભીંજાય જો,
નેહ  વરસાવી  ટહુંકે  મોરલો.
------------------------------------

ગગનને માપવાનું તું હવેથી છોડને પાગલ,
કરી લે માપ ગાગરનું, સાગર ને છોડને પાગલ.

દયાળું આપતો ના માપથી પાણી, પવન, ચેતન,
ગણીને જાપ એ મણકા તણાં તું છોડને પાગલ.

બનાવ્યો છે તને એણે, બનાવે કેમ તું એને ?
ભવાડા એ બધા ખોટા હવે તું છોડને પાગલ.

પહોંચે ઠેંસ ત્યારે યાદ આવે એક પ્યારી મા',
નમન તો ફકત છે એને બધુએ છોડને પાગલ.

જગતમાં લાવનારી છે જનેતા પ્રાણ પૂરનારી,
ભણાવે પાઠ જીવનના સવાલો છોડને પાગલ.
------------------------------------------------

ચાર આંખે મૌનનું મિલન થયું,
ચાર દિવાલો મળીને ઘર થયું.

વાયરાના વેગથી ખળ-ભળ થયું,
બારી સામે બારણું વઢકણ થયું.

યાદ એની આવતી'તી સોણલે,
આંખમાંથી એકલું ઝર-મર થયું.

છે છલો-છલ આ સરોવર આમતો,
પણ પનીહારી વગર નિર્જન થયું.

ગોપ-ગોપી, ક્હાન ને પુંછો 'રમેશ',
ગામડું તો ગાયથી ગોકુળ થયું.
---------------------------------------
  -રમેશ છાંગા
          -મમુઆરા (કચ્છ)

Tuesday, July 19, 2016

Bharat Prjapati 'Adish''s Gazals(ભરત પ્રજાપતિ 'અદિશ' ની ગઝલ રચનાઓ)

કાયમી અહીંયાં પ્રયાસો થાય છે.
આંખમાં એના નિવાસો થાય છે.

હોય તારો સાથ તો ચિંતા નથી,
રણ વચાળે રાતવાસો થાય છે

દે વચન ને તું નીભાવી જાણજે,
રોજ તારો કાં તમાશો થાય છે.

એ સવાલો ના જવાબો કેટલા!
રોજ તારો કૈં ખુલાસો થાય છે.

જાતના દીવા કર્યા મારગ ઉપર,
આયખે મારા ઉજાશો થાય છે.

આંખના તોરણ કર્યા છે જ્યારથી,
બારણે કાયમ પ્રકાશો થાય છે.

ભિતરે દીવો શબદનો ઝળહળે,
ને 'અદિશ' સો ના સવાસો થાય છે.
-------------------------------------

ઘણી વાતો હ્રદયમાં દબાવી જાય છે રસ્તો
સીધીસટ છે છતાં ઘરમાં જ અટવાય છે રસ્તો

નજીવી હોય છે બાબત છતાં રીસાય છે રસ્તો
વિચારો ને વિચારોમાં પછી ખોવાય છે રસ્તો

ધરમધક્કા જગતમાં કેટલાયે ખાય છે રસ્તો
તમે બારીએ આવો તો ઘણું હરખાય છે રસ્તો

જગતતો બે ખબર છે , વાંક મારો છે છતાં કાયમ
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.*

હતો રસ્તો તમારા ઘર સુધીનો આ 'અદિશ'નો પણ-
અદિશની આંખમાંથી ઉતરી હ્રદયમાં જાય છે રસ્તો

*તરહી પંક્તિ
---------------------------------------------------------

આજ લાગે છે હવામાં ભેજ છે
એટલે તો તું નયન સામે જ છે

વાત કરતાં વાત વધવા લાગશે
ઓ જરા થોભો, હવા પણ તેજ છે

વારતા લખવી તું રહેવા દે જગત,
જીંદગી પોતે જ દસ્તાવેજ છે.

આંખનું કાજળ ફરી ગાલે ઘસ્યું?
જીંદગી તું એજ, એની એજ છે!

સ્વપ્ન જોયેલાં હવે પુરાં થશે
આટલામાં ક્યાંક ફૂલોની સેજ છે
------------------------------------------

આંખે શમણું થઈને ફર્યાં, તે યાદ કર.
અશ્રુઓ થઈને ખર્યાં , તે યાદ કર.

પાનખરની બીકમાં લીલાં થવા,
પાનપીળાં થઈ ખર્યાં , તે યાદ કર.

આભ જેવું આંગણું રમવા મળ્યું,
ને બની ઝાકળ ઠર્યાં ,તે યાદ કર

જીંદગીમાં હું ને તું ભેગાં થવા,
આપણે મનમાં વર્યાં, તે યાદ કર
-------------------------------------------

એ વિરહના રણ સુધી જાવું નથી.
પ્રેમના પ્રકરણ સુધી જાવું નથી.

તું રહે હરદમ નજર સામે સદા,
મારે તો સગપણ સુધી જાવું નથી.

રુબરું મળ, તો ખુલાસો પણ થશે
હાલથી તારણ સુધી જાવું નથી

બેવફા અહિયાં કફન પણ નીકળે,
એટલે એ ક્ષણ સુધી જાવું નથી.
---------------------------------------------
અશ્રુઓ ઉલેચવા તું એક ક્ષણ તો દે મને
ને પછી એ લૂછવા તું એક ક્ષણ તો દે મને

ભેદ સઘળા હું ઉકેલું પણ શરત છે આટલી,
 આંખ તારી વાંચવા તું એક ક્ષણ તો દે મને

આમ પડખાં ક્યાં સુધી મારે  ઘસ્યા કરવા કહે ?
ચાંદ સાથે જાગવા તું એક ક્ષણ તો દે મને

હાથ તાળી આપીને સપનાં હવે  ચાલ્યાં ગયાં
એને  પાછાં લાવવા તું એક ક્ષણ તો દે મને

સાંજ પડતાં સૂર્ય ક્યાં આરામ કરવા જાય છે ,
એ જગાને શોધવા તું એક ક્ષણ તો દે મને

જીંદગીનું વસ્ત્ર ફાટી જાય એ પહેલાં 'અદિશ'
આ સમયને સાંધવા તું એક ક્ષણ તો દે મને*

*તરહી પંક્તિ
-----------------------------------

ભરત પ્રજાપતિ "અદિશ"


Friday, July 8, 2016

Diven Dhimar 'Rah''s poetry(દિવેન ઢીંમર 'રાહ' ની રચનાઓ)

રાહ તારી દિલને દુભાવશે,
ચાહ મારી આંખને રુલાવશે...

અંતરેથી આતમા સુધી જશે,
પ્યાર તારો કેમ ક્યારે પામશે...

આ સકળ સ્વાર્થી તણાં ગામો મહીં
કોણ થૈ નિસ્વાર્થ મંદિર બાંધશે?...

હાર માની જાઉ હું એવો નથી
અંત કાળે વેદનાઓ ચાલશે ...

આમ મારી યાદને આધાર કૈં
એક તારી આંગળી દોડાવશે..

પ્રાણ ઘાતક તું બનીને જાય છે
નામ તારે પ્રાણવાયું આવશે...

"રાહ", રાહી ને હવે રોગો ભલે
પ્રેમ નામે એ દવા ચીંધાવશે...
--------------------------------

હતો એક પંછી , એ ઊડ્યો દિવાનો ,
નથી કોઈ સાથે , દિશા સાધવાનો...

મળ્યા વંતળો ગાજવીજના તુફાનો ,
મળી વેદના પાર લાગ્યા વહાણો...

થયું એવું એકેક કાંપી રે પાંખો !!!
ખબર ના હતી એને પાપી જમાનો...

ન હાર્યો , ન તૂટ્યો , ન ઘાયલ થયેલો ,
હજી પણ એ ઈસુને રાહે જવાનો...

વિચાર્યું હતું એણે લડવાને કાજે , 
ને પાછો કુરુંક્ષેત્રનો 'સીન' થવાનો...

વગર યોગ વેરી લડ્યો આ જગતમાં , 
ખરેખર નથી સારથી આવવાનો...

મળી મંઝિલો પાંખ લાગી છે 'દિવેન' , 
ફરી એ જ પંછી ફરી ઊડવાનો...
----------------------------------------

સદાકાળ સાકાર લાગે જગતમાં,
નિરાકાર વિકાર જાગે જગતમાં...

અહં ઓગળાવી ને આગળ થયો છું,
મળે પ્રેમની આગ એવી શરતમાં...

વળી આદતોએ સજાવી જ રાખ્યો,
હતો સુર એનો જે મારી રમતમાં...

રહ્યા "રામ" કેરા સદા એ દિવાના,
મળી એમ શ્રદ્ધા મને એ ભરતમાં...

વિવાહો ભલે ને થતા હો અકાળે,
મિલાવો હ્રદય જો એ થાયે મૂરતમાં...

સનાતન થવું એમ "દિવેન"
પછી કો'ક કાન્હો મળે આ વખતમાં...
------------------------------------

રામ રાખે તે ભલાને કોણ ચાખે , કોણ કે'છે!
કે પછી એ ચાખનારા રામ રાખે, કોણ કે'છે?

હો ભલે ને વાદળા , હો આભ પણ ડિંબાગ જેવા , 
નીરખી નક્ષત્ર એ ભાવી જે ભાખે , કોણ કે'છે?

એમ તો આખું જગત વર્ષા પંથે ચાતક બને છે , 
મેં ય જોયા આઁસુઓ તારી જ આંખે , કોણ કે'છે?

ને મને મંજુર છે એ શત્રુઓના તીર-ભાલા , 
આપણા જે આપને આગે"ય નાખે , કોણ કે'છે?

એમ થાયે આજ કે આ જાતને ભરખી લે "દિવેન" , 
બાળકી સંભાળની છે કો'ક શાખે , કોણ કે'છે?
---------------------------------------------------

થંભવું મુશ્કેલ રહ્યું, 
આ હૈયાની લાગણી અંતરનાદ બની,
આંખોની એ तव् કાજળતા મુજ પર ચઢી,
જોણે કે પાંપણ...
ગુંટાવવું અસહ્ય બન્યું,
સ્પર્શ વગર પણ અનુભૂતિ પ્યારી રહી,
ઝલક એ તારા વદનની, તરસ છીપી,
જાણે કે જળસ્ત્રોત...
અટકાવવું અશક્ય રહ્યું,
પ્રીતની ડોરને આહ્લાદક ગાંઠ મળી,
ભર ઠૂંઠવાતી પ્રહરે હું પલળતો રહ્યો,
જાણે કે વરસાદ...
વર્તાવવું વિખેરાય ગયું,
અપ્રત્યક્ષે કૂંપળોની પોષકતા બની,
યાદોની પ્યાલી ફુંટી દ્રવ્યતા વિસ્તરી,
જાણે કે બ્રહ્ભ્માંડ...
જોડાવવું અજોડ થયું,
ઘટ-ઘટમાં ચૈતન્ય જાગ્યું હવે,
નામ તારો આલાપ એ મારૂતિતણા અંતરે,
જાણે કે રામ...     

દિવેન ઢીંમર 'રાહ'

Tuesday, July 5, 2016

Dr.Mukesh Joshi's Gazals(ડો. મુકેશ જોષી ની ગઝલ)

ઈચ્છા...

આમ તો દુનિયા આ ફાની હોય છે,
તે છતાં ઈચ્છાઓ છાની હોય છે.

રાખવી ઈચ્છા એ કંઇ ખોટું નથી,
એક બે એમાં તોફાની હોય છે.

પારકી ઈચ્છાઓ પણ ઉછરી શકે,
એ જ બસ ઈચ્છા કરવાની હોય છે.

રોજ ઇચ્છાઓના એ દરબારમાં,
આસમાની કાં સુલતાની હોય છે.

અર્થ તો ઈચ્છા પડે તો આવશે,
શબ્દ પર એની જ નિશાની હોય છે.

તરબતર સહુને કરવાની હોય છે,
સ્હેજ ઈચ્છા અત્તર થવાની હોય છે.
----------------------------------------------------
લાગણીને એટલે ખણતો નથી,
છું મજામાં હું અને રડતો નથી.

એક આખી જીંદગીની વાત છે,
એક ક્ષણને હું કદી નડતો નથી.

જેમ ભાગ્યમાં લખ્યું તે થાય છે,
હું હવે હીસાબ પણ કરતો નથી.

દોસ્ત ને દુશ્મન બધાં તાજ્જુબ છે,
હું પડું છું, પણ છતાં પડતો નથી.

શબ્દ બે વચ્ચેની છું ખાલી જગા,
હું લખાઈ જાઉં છું, લખતો નથી.
--------------------------------

ખાટલો ઘરમાં રહી કણસ્યા કરે,
ને સમય આ કાળ થૈ ખાંસ્યા કરે.

ભલભલાની એ દશા થઇ જાય જો,
જિંદગી બે દ્વાર થૈ વાસ્યા કરે.

એક બોખું હાસ્ય એમ હસ્યા કરે,
હોય એ તો, સ્થિતિ છે, વણસ્યા કરે.

રોજ પાછી એ જ જૂની મોતની,
બીક પેલી એમનેમ ભસ્યા કરે.

કાં ઉભો એ થાય ને કાં ખાટલો,
એ જ અવઢવમાં ગઝલ શ્વસ્યા કરે.
----------------------------------------

જાગરણ છે જિંદગી ને જાગતું કોઇ નથી,
આ સમજ છે આપણી, તે આપતું કોઇ નથી.

દૂર રણમાં એક એવી વીરડી મળે મને,
ઝાંઝવા છે આશ આ, સમજાવતું કોઇ નથી.

બાળપણની એક ક્ષણ આજે અગર પાછી મળે,
સૌ વિચારે છે છતાં એ માણતું કોઈ નથી.

જિંદગીથી માણસો શું એટલા ડરતાં હશે?
મોત છે ડરપોક પણ પડકારતું કોઇ નથી.

શબ્દ પૂછે અર્થને આ કેમ એવું છે અહીં?
આવરણ છે આખરી ને રાખતું કોઈ નથી.
----------------------------------------------

ઉદય થૈ જવાને નથી વાર ઝાઝી,
મને આથમ્યાને થઇ વાર ઝાઝી.

કહાણી અમારી હજુ પણ નવી છે,
થઇ સાંભળ્યાને ઘણી વાર ઝાઝી.

દરિયો કહું ને તમે ઓળખો છો,
હતી એ નદી, પણ થઇ વાર ઝાઝી.

અરે, લાગણી પણ હશે શું પરાઇ?
ઉછરતાં જુઓને થઇ વાર ઝાઝી.

અરથના ય વમળો શમી તો ગયા છે,
હશે શબ્દો ડૂબ્યા, થઇ વાર ઝાઝી.

લઇ કંકુ ચોખા, હવે તો વધાવો,
ગઝલ અવતર્યાને થઇ વાર ઝાઝી.
-----------------------------------------

આ સમયને સાંધવા તું એક ક્ષણ તો દે મને,
મોતને પડકારવા તું એક ક્ષણ તો દે મને.

આ અમે બેઠાં લગાવી આજ બાજી જાનની,
જીતવા કે હારવા તું એક ક્ષણ તો દે મને.

જિંદગી આખી અમે તો પ્રાપ્ત બસ કરતાં રહ્યાં,
એજ સઘળું ત્યાગવા તું એક ક્ષણ તો દે મને.

આપની ડેલી અગાડી હાથ મારો આમ તો,
લે, ટકોરો મારવા તું એક ક્ષણ તો દે મને.

આ ગઝલમાં કેટલું ઠાંસી શકું હું પણ ભલા?
વાતને વિસ્તારવા તું એક ક્ષણ તો દે મને.

વાત સઘળે આ બધી ફેલાઇ જાશે તો પછી?
એટલું સમજાવવા તું એક ક્ષણ તો દે મને.

ડૉ. મુકેશ જોષી


Friday, June 17, 2016

Mehul Gadhvi "Megh"'s Gazals(મેહુલ ગઢવી 'મેઘ' ની ગઝલ)

કલમની કલ્પના પાણી ઉપર પાણી લખાવે છે,
ઉદાસીઓ  ની  ભીંતો  એટલે રંગીન લાગે છે.

સિતારો ખ્વાબનો ચમક્યાં કરે છે રાતભર નભમાં,
સવારે જિંદગીનો એ અસલ ચહેરો બતાવે છે.

મરણ સરખા જ છે બેઉના, હિન્દૂ હોય કે મુસ્લિમ,
તને માટી માં દાટે છે, મને એ આગ આપે છે.

હજી પાસા અહીં મિત્રો ય ફેંકે છે શકુનિ જેવા,
અમો થી જીતવા એને બધા યે દાવ ફાવે છે.

જુઓ રાધા અને ગોપીઓ ઘેલી થઈ ને નાચે છે,
જ્યારે જ્યારે આ કાનો વાંસળી રૂડી વગાડે છે.

પ્રથમ ન્હાયા છે પરસેવે પછી થોડા લખાયા છે,
ને તેથી 'મેઘ'નાં શબ્દો બધા દિલથી વખાણે છે.
---------------------------------------------------------------------------
કાલની  જેમ  આજ  ઉભો છું,
થઈ ને હું ચીથરે હાલ ઉભો છું.

આગલું  પાછલું  થશે  સરભર,
લઇ  ને  પૂરો  હિસાબ  ઉભો છું.

મોજથી  મારી  લે  તમાચા  તું,
લે  ધરી  આજ  ગાલ  ઉભો  છું.

ઘા શું  તલવારનાં  બગાડી લે,
શબ્દની લઇ ને ઢાલ  ઉભો છું.

હાથ  ખાલી  છે  મારા  જોઇલે,
ભાગ્યની ખાઈ ગાળ ઉભો છું.

શોધ  નાં  તું  મને  હવે ક્યાંયે,
થઈ  ને  તારા  હું શ્વાસ ઉભો છું.

કો'ક તો  આવશે  જ  દરિયેથી,
લઇ  કિનારે  હું  નાવ  ઉભો  છું
---------------------------------------------------
કયામત   સુધી વાટ  જોયા  કરીશું,
કહીને  ગયા  છે  કે  પાછા મળીશું.

દયા  ખાઈને  છેવટે  અશ્રુ બોલ્યા,
હવે  બસ  ખુશીનાં  પ્રસંગે વહીશું,

અહમ  ઓગળી  જાશે  અંતે બધોયે,
ગઝલને ભજન જેમ લખતા રહીશું.

અદાલત ભરી બેઠી છે લાગણીઓ,
હૃદય, બોલ  કેવી  દલીલો  કરીશું ?

ગઝલને  તમારે  હવાલે  કરી છે,
થશે  વાહ તો 'મેઘ' બીજી લખીશું
-----------------------------------------------------------------
દુઃખતી રગ હાથમાં છે,
એટલે  એ  દાબમાં  છે.

દાદથી  બહેકી ગયા જે,
એ સિતારા ધ્યાનમાં છે.

દ્રૌપદી  લૂંટાય ગઈ  છે,
શ્યામ બીજા કામમાં છે.

આઠમો દરિયો  જુઓને,
ખારવણની આંખમાં છે.

તૂટશે પણ  સત્ય કહેશે,
એટલું  સત  કાંચમાં  છે

ભીતરેથી  હોય  છાવળ,
ને  પૂછાતો  પાંચમા  છે.

આપ  ગાળો  મોજથી તું,
'મેઘ' પણ ક્યાં ભાનમાં છે
-------------------------------------------------
દર્દ કાગળ ઉપર લખ્યા કાયમ,
શેર  મારા ગઝલ  થયા  કાયમ.

દુખતી  રગ નાં  હાથમાં  આવી,
આ તબીબો ઘણું મથ્યા કાયમ,

ડાળખીને   થયો   હશે  કમળો,
એટલે   પાંદડા   ખર્યા   કાયમ.

જાત  પાવન   થશે  ન  ગંગામાં,
મેલ  મનમાં  ઘણા ભર્યા કાયમ.

જિંદગી  છે અસલ  ગઝલ  જેવી,
શ્વાસ મેં  છંદ સમ  લખ્યા કાયમ

ઓગળી  જાય  'મેઘ'  તો  સારું,
આ  અહમમાં  ઘણા મર્યા કાયમ.

મેહુલ ગઢવી "મેઘ"

Thursday, June 16, 2016

Purnima Bhatt "Trusha"'s Gazals(પૂર્ણિમા ભટ્ટ "તૃષા" ની ગઝલ)

વેદનાની આગમાં અંતર જલે દિનરાત પણ,
આગને સંકોરવા કોનો સહારો શોધવો ?

વેંઢરું હું વેદનાને એકલી પણ ક્યાં સુધી ?
દર્દ ચાલ્યું જાય એવો માર્ગ સારો શોધવો ?

લ્યો નથી કઈ કારણે, કોઈ નથી મારું રહ્યું,
શીદને મારે નવો પડકાર મારો શોધવો !

વ્હેણ જીવનમાં હંમેશાથી મને સામા મળ્યા,
આવડ્યું ના તરવુ મઝધારે કિનારો શોધવો ?

ના ઝુકયું નભ પણ કદી મારી ક્ષિતીજે  ઉમ્રભર,
જીવવાને, આશનો ખરતો સિતારો શોધવો ?

આગઝરતા સૂર્યથી ફેલાતુ રણનું મૃગજળ,
ઝાંઝવા મહીં લીલુડો કુંજલ નજારો શોધવો ?

સાવ નિર્જન વન સમી ભેંકાર વીતી જિંદગી,
પાનખરની બીક ,કોયલનો ઇશારો શોધવો ?

રાખ ઊડી તોય " તૃષા " કાં ન છીપી લાશની ?
છે ભરેલો અગ્નિ, તો જલતો અંગારો શોધવો  ?
-------------------------------------------------------------------
છંદ :ગાગાલ  ગાલગાલ લગાગાલ ગાલગા

હું પૂર્ણ પ્રિય, ચંદ્રમુખી શીદ ને કહો  ?
છું પૂર્ણિમા હુ, ચંદ્રમુખી શીદ ને કહો  ?

લાંછન શશીનુ એવુ, ગળે રાહુ ચંદ્રને,
છું મોક્ષિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો  ?

પાક્ષિક પૂર્ણતા જ રહે ચંદ્રની જુઓ,
છું પૂર્ણતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?

ખીલેલ પૂર્ણ ચંદ્ર સમો પ્રેમ આપણો,
છું ચંદ્રિકા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?

" તૃષા " નિહાળુ, ચંદ્ર કળા સંગ ખીલતી,
છું ઊર્જિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
-------------------------------------------------------------------------
છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ઝાંકળે આકાશ ડૂબ્યાની ગઝલ લખવી હતી,
આંખમાંથી આંસુ ખૂટ્યાની ગઝલ લખવી હતી,,

નોખુ કંપન, ને હતું નૉખું પ્રથમ રાતે મિલન,
એ તમારો હાથ સ્પર્શ્યા ની ગઝલ લખવી હતી,,

શૂન્યવત બેઠાં હતા સામે,,ઉઠાવીને ઘુંઘટ,
એ ! અચાનક હોંઠ ચૂમ્યાની ગઝલ લખવી હતી,,

જો હતું નિશ્ચિત ગમન પણ આપનું,, અંતિમ પળે,
અંતરે થી ઉર્મિ ઉભર્યાની ગઝલ લખવી હતી,,

આંસુ પણ એ મોંઘુ, આંખે ખાળ્યું જાતી વેળનું,
વ્હેતું ગાલે એ, ન રોકયાની ગઝલ લખવી હતી,

તૃપ્ત ના થઇ જાણુ "તૃષા", ને હતી આંખો સજળ,
હાથથી એ હાથ છૂટયાની ગઝલ લખવી હતી..
--------------------------------------------------------------------------------
છંદ...ગાલગાગા ગાલગાગા ગાલગા

એક તક બસ એક તક આપો મને,
છો તમે ક્યાં ?એક શક આપો મને,

છે ખુદા, એ કેમ શ્રદ્ધા રાખવી  ?
હોઉ "હું",એવી ઝલક આપો મને,

ના મળ્યો, કોઈ પુરાવો, આપનો,
પ્રેમ હોવાની કસક ,આપો મને,,

જો વસો ચોપાસ, દેખાતા નથી !
હાજરી હો, એક સબક આપો મને,

નભ ઝુકે, છીપાય "તૃષા", ક્ષીતિજે,
લાલ રંગેલી, ફલક આપો મને..
----------------------------------------------------------
છંદ : ગાગાલગા *4 આવર્તન

તરહી રચના........

કણ કણ કરી ભેગું કરો તો તેતરો લૂંટી જશે,,
ચીં ચીં કરી ચકલી બધી,પરથી પ્રણય લૂંટી જશે....

ભગવાનની આ છે,બધી રચના નિસર્ગી, નિર્ભયી..
શાને કરે ઘોંઘાટ, કઇ છે તારુ ? જે ખૂંટી જશે !!

સંભાળ તારા કાર્યક્ષેત્રે તું, એ માનવ ! ભાગ ના,,
બ્હાનું કરી લે  તું સમયનું,,, કાર્ય જો છૂટી જશે,..

સંઘરવુ સઘળું કેટલું ? તું બાંટ જરુરતમંદને,
જો આવશે, ધસમસતુ પાણી, પાળ પણ તૂટી જશે...

મમતા, લગન, સંપત્તિની,, "તૃષા" ઘણી છે નામની,,
ઇશ ને ભજી લે, કોઇ તારો શ્વાસ જો ઘુંટી જશે....
-------------------------------------------------
પૂર્ણિમા ભટ્ટ "તૃષા" 

Friday, June 3, 2016

Mehbub Sonaliya's Gazal(મેહબૂબ સોનાલીયા ની ગઝલ)

ગમ્યું નથી જે કદી તે ગમાડવા લાગ્યાં
અમે બસ એમ હ્રદયને રમાડવા લાગ્યાં.

એલાર્મો હારી ગયા એક ધારા વાગીને
અને તમે શું જગત ને જગાડવા લાગ્યાં

જગત ની દોડ મહીં થાય છે વિજય કોની?
વધુ જે દોડે બધા એને પાડવા લાગ્યાં.

અહીં તો હાસ્ય બધા સાવ ભૂલી બેઠા છે 
ફકત જનાજા દુઃખો ના ઉપાડવા લાગ્યાં.

જગત ને ટેવ છે મહેબૂબ નખ થી ખણવા ની.
તમે જખમ શું બધા ને બતાડવા લાગ્યાં.

------------------------------------------------------------

સફર જીવન ની એમ જ આદરું છું.
તને 'હોવાપણું' મારું, ધરું છું.

અંગરખો દંભ નો મોટો છે કદ થી
બધા થી એટલે નોખો તરું છું.

અરીસો કોણ કે' સાચું જ બોલે?
મને જોઉં છું, જોયા કરું છું.

તને ખોવાય જાવાનો જ ડર છે.
મને હું જો મળું છું તો ડરું છું.

ઉપાધિઓ બધી મહેબૂબ જી હું

નિમંત્રણ દઈ અને ક્યાં નોતરું છું.
-------------------------------------------------

મહેબુબ સોનાલિયા

-------------------------------------
सोच की बैसाखियों को बस बदल लेता हूँ मैं
है तो सौ दुशवारियाँ पर हस के चल लेता हूँ मैं।

तीरगी मुझसे उलजने की न जिद करना कभी
खुश्क हो जाये दिये तो खुद ही जल लेता हूँ मैं

जीते रहेने की तलब ने मार डाला है ज़मीर
जैसे भी हालात हों वैसे ही ढल लेता हूँ मैं।

देखले कोई न बहती आंसूओं की धार को
इस तरह बरसात में थोड़ा टहेल लेता हूँ मैं।

आँख पर पट्टी लगाकर दौड़ना शमशीर पर
जिंदगी के रास्ते पे फिर भी चल लेता हूँ मैं।

सत्यावादी हूँ अगर अवसर नहीं मिलता मुझे
सच तो ये है सोच का पैकर बदल लेता हूँ मैं।

जिंदगी 'महेबुब' को तुजसे कोई शिकवा नहीं
जितना तू छलती है मुजको उतना फल लेता हूँ मैं।


महेबुब सोनालिया

Lata Bhatt's Poetry(લતા ભટ્ટ ની રચનાઓ)

મનહર છંદમાં બે  રચના
=================

ફરી દાળ બળી ગઇ,ફરી દાળ થઇ કાળી,
મુસીબતની જડ છે,મારી પત્ની રુપાળી.

પાપડ શેકવા ફાવે, બનાવી શકે છે મેગી.
 એ જ એનો અન્નકોટ એ જ પીરસે થાળી.

પેટ પણ હવે મારું ,જવાબ દઇ રહ્યું છે,
પીત્ઝા બર્ગર ખાઇને,હોજરી થઇ આળી.

પિયરે ન સિધાવીને,મને દુઃખ એમ આપે,
ધામા નાખે અહીં સહુ,સાસુ સસરા સાળી.

ફૂલ ધાર્યુંતુ મે એને ,કે એ ખુશ્બૂ ફેલાવશે,
નીકળી એ તો અરે રે,કાંટાળી એક ડાળી.

લાલી લિપસ્ટિક એની,  મારો પગાર ખાય છે,
કરવી પડે છે મારે ,દિવસ રાતપાળી.

દિવસે લાગે અપ્સરા, સ્વર્ગથી ઉતરી આવી,
રાતે મેકઅપ કાઢે,  હબકી જાઉં ભાળી.

અકાળે  મળી ગઇ છે,  મને તો આ વૃધ્ધાવસ્થા
કેશ સાથે  રંગુ  કેમ, દાઢી મારી શ્વેતાળી.

પરણીને પસ્તાણો છુ, કુંવારો જ સારો હતો,
ચોટલી ઝાલીને ઊભી,,એક ચોટલાવાળી.

-------------------------------------------------

શબ્દ ગોઠવાઇ ગયા,આપોઆપ કવિતામાં,
  જખ્મની દશા આ નક્કી, હરી હોવી જોઇએ.

મોહરા ઉખડી રહ્યા,ચહેરા ઉપરથી આ
જાત આયનાની સામે,ધરી હોવી જોઇએ.

માસૂમિયત એમ જ ,જળવાઇ રહે તેથી,
 સ્વપ્નમાં સહુના એક , પરિ હોવી જોઇએ.

સેકડૉ  દિવાના આમ, મરી ફીટવા તૈયાર,
વાત કોઇ વતનની, કરી હોવી જોઇએ.

મહેંકી રહી માટી ને,ઝળહળે પણ આ તો,
રજ કોના પગલાની, ખરી હોવી જોઇએ.

લતા ભટ્ટ