શબ્દ સાધકો

Friday, June 17, 2016

Mehul Gadhvi "Megh"'s Gazals(મેહુલ ગઢવી 'મેઘ' ની ગઝલ)

કલમની કલ્પના પાણી ઉપર પાણી લખાવે છે,
ઉદાસીઓ  ની  ભીંતો  એટલે રંગીન લાગે છે.

સિતારો ખ્વાબનો ચમક્યાં કરે છે રાતભર નભમાં,
સવારે જિંદગીનો એ અસલ ચહેરો બતાવે છે.

મરણ સરખા જ છે બેઉના, હિન્દૂ હોય કે મુસ્લિમ,
તને માટી માં દાટે છે, મને એ આગ આપે છે.

હજી પાસા અહીં મિત્રો ય ફેંકે છે શકુનિ જેવા,
અમો થી જીતવા એને બધા યે દાવ ફાવે છે.

જુઓ રાધા અને ગોપીઓ ઘેલી થઈ ને નાચે છે,
જ્યારે જ્યારે આ કાનો વાંસળી રૂડી વગાડે છે.

પ્રથમ ન્હાયા છે પરસેવે પછી થોડા લખાયા છે,
ને તેથી 'મેઘ'નાં શબ્દો બધા દિલથી વખાણે છે.
---------------------------------------------------------------------------
કાલની  જેમ  આજ  ઉભો છું,
થઈ ને હું ચીથરે હાલ ઉભો છું.

આગલું  પાછલું  થશે  સરભર,
લઇ  ને  પૂરો  હિસાબ  ઉભો છું.

મોજથી  મારી  લે  તમાચા  તું,
લે  ધરી  આજ  ગાલ  ઉભો  છું.

ઘા શું  તલવારનાં  બગાડી લે,
શબ્દની લઇ ને ઢાલ  ઉભો છું.

હાથ  ખાલી  છે  મારા  જોઇલે,
ભાગ્યની ખાઈ ગાળ ઉભો છું.

શોધ  નાં  તું  મને  હવે ક્યાંયે,
થઈ  ને  તારા  હું શ્વાસ ઉભો છું.

કો'ક તો  આવશે  જ  દરિયેથી,
લઇ  કિનારે  હું  નાવ  ઉભો  છું
---------------------------------------------------
કયામત   સુધી વાટ  જોયા  કરીશું,
કહીને  ગયા  છે  કે  પાછા મળીશું.

દયા  ખાઈને  છેવટે  અશ્રુ બોલ્યા,
હવે  બસ  ખુશીનાં  પ્રસંગે વહીશું,

અહમ  ઓગળી  જાશે  અંતે બધોયે,
ગઝલને ભજન જેમ લખતા રહીશું.

અદાલત ભરી બેઠી છે લાગણીઓ,
હૃદય, બોલ  કેવી  દલીલો  કરીશું ?

ગઝલને  તમારે  હવાલે  કરી છે,
થશે  વાહ તો 'મેઘ' બીજી લખીશું
-----------------------------------------------------------------
દુઃખતી રગ હાથમાં છે,
એટલે  એ  દાબમાં  છે.

દાદથી  બહેકી ગયા જે,
એ સિતારા ધ્યાનમાં છે.

દ્રૌપદી  લૂંટાય ગઈ  છે,
શ્યામ બીજા કામમાં છે.

આઠમો દરિયો  જુઓને,
ખારવણની આંખમાં છે.

તૂટશે પણ  સત્ય કહેશે,
એટલું  સત  કાંચમાં  છે

ભીતરેથી  હોય  છાવળ,
ને  પૂછાતો  પાંચમા  છે.

આપ  ગાળો  મોજથી તું,
'મેઘ' પણ ક્યાં ભાનમાં છે
-------------------------------------------------
દર્દ કાગળ ઉપર લખ્યા કાયમ,
શેર  મારા ગઝલ  થયા  કાયમ.

દુખતી  રગ નાં  હાથમાં  આવી,
આ તબીબો ઘણું મથ્યા કાયમ,

ડાળખીને   થયો   હશે  કમળો,
એટલે   પાંદડા   ખર્યા   કાયમ.

જાત  પાવન   થશે  ન  ગંગામાં,
મેલ  મનમાં  ઘણા ભર્યા કાયમ.

જિંદગી  છે અસલ  ગઝલ  જેવી,
શ્વાસ મેં  છંદ સમ  લખ્યા કાયમ

ઓગળી  જાય  'મેઘ'  તો  સારું,
આ  અહમમાં  ઘણા મર્યા કાયમ.

મેહુલ ગઢવી "મેઘ"

No comments:

Post a Comment