શબ્દ સાધકો

Thursday, June 16, 2016

Purnima Bhatt "Trusha"'s Gazals(પૂર્ણિમા ભટ્ટ "તૃષા" ની ગઝલ)

વેદનાની આગમાં અંતર જલે દિનરાત પણ,
આગને સંકોરવા કોનો સહારો શોધવો ?

વેંઢરું હું વેદનાને એકલી પણ ક્યાં સુધી ?
દર્દ ચાલ્યું જાય એવો માર્ગ સારો શોધવો ?

લ્યો નથી કઈ કારણે, કોઈ નથી મારું રહ્યું,
શીદને મારે નવો પડકાર મારો શોધવો !

વ્હેણ જીવનમાં હંમેશાથી મને સામા મળ્યા,
આવડ્યું ના તરવુ મઝધારે કિનારો શોધવો ?

ના ઝુકયું નભ પણ કદી મારી ક્ષિતીજે  ઉમ્રભર,
જીવવાને, આશનો ખરતો સિતારો શોધવો ?

આગઝરતા સૂર્યથી ફેલાતુ રણનું મૃગજળ,
ઝાંઝવા મહીં લીલુડો કુંજલ નજારો શોધવો ?

સાવ નિર્જન વન સમી ભેંકાર વીતી જિંદગી,
પાનખરની બીક ,કોયલનો ઇશારો શોધવો ?

રાખ ઊડી તોય " તૃષા " કાં ન છીપી લાશની ?
છે ભરેલો અગ્નિ, તો જલતો અંગારો શોધવો  ?
-------------------------------------------------------------------
છંદ :ગાગાલ  ગાલગાલ લગાગાલ ગાલગા

હું પૂર્ણ પ્રિય, ચંદ્રમુખી શીદ ને કહો  ?
છું પૂર્ણિમા હુ, ચંદ્રમુખી શીદ ને કહો  ?

લાંછન શશીનુ એવુ, ગળે રાહુ ચંદ્રને,
છું મોક્ષિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો  ?

પાક્ષિક પૂર્ણતા જ રહે ચંદ્રની જુઓ,
છું પૂર્ણતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?

ખીલેલ પૂર્ણ ચંદ્ર સમો પ્રેમ આપણો,
છું ચંદ્રિકા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?

" તૃષા " નિહાળુ, ચંદ્ર કળા સંગ ખીલતી,
છું ઊર્જિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
-------------------------------------------------------------------------
છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ઝાંકળે આકાશ ડૂબ્યાની ગઝલ લખવી હતી,
આંખમાંથી આંસુ ખૂટ્યાની ગઝલ લખવી હતી,,

નોખુ કંપન, ને હતું નૉખું પ્રથમ રાતે મિલન,
એ તમારો હાથ સ્પર્શ્યા ની ગઝલ લખવી હતી,,

શૂન્યવત બેઠાં હતા સામે,,ઉઠાવીને ઘુંઘટ,
એ ! અચાનક હોંઠ ચૂમ્યાની ગઝલ લખવી હતી,,

જો હતું નિશ્ચિત ગમન પણ આપનું,, અંતિમ પળે,
અંતરે થી ઉર્મિ ઉભર્યાની ગઝલ લખવી હતી,,

આંસુ પણ એ મોંઘુ, આંખે ખાળ્યું જાતી વેળનું,
વ્હેતું ગાલે એ, ન રોકયાની ગઝલ લખવી હતી,

તૃપ્ત ના થઇ જાણુ "તૃષા", ને હતી આંખો સજળ,
હાથથી એ હાથ છૂટયાની ગઝલ લખવી હતી..
--------------------------------------------------------------------------------
છંદ...ગાલગાગા ગાલગાગા ગાલગા

એક તક બસ એક તક આપો મને,
છો તમે ક્યાં ?એક શક આપો મને,

છે ખુદા, એ કેમ શ્રદ્ધા રાખવી  ?
હોઉ "હું",એવી ઝલક આપો મને,

ના મળ્યો, કોઈ પુરાવો, આપનો,
પ્રેમ હોવાની કસક ,આપો મને,,

જો વસો ચોપાસ, દેખાતા નથી !
હાજરી હો, એક સબક આપો મને,

નભ ઝુકે, છીપાય "તૃષા", ક્ષીતિજે,
લાલ રંગેલી, ફલક આપો મને..
----------------------------------------------------------
છંદ : ગાગાલગા *4 આવર્તન

તરહી રચના........

કણ કણ કરી ભેગું કરો તો તેતરો લૂંટી જશે,,
ચીં ચીં કરી ચકલી બધી,પરથી પ્રણય લૂંટી જશે....

ભગવાનની આ છે,બધી રચના નિસર્ગી, નિર્ભયી..
શાને કરે ઘોંઘાટ, કઇ છે તારુ ? જે ખૂંટી જશે !!

સંભાળ તારા કાર્યક્ષેત્રે તું, એ માનવ ! ભાગ ના,,
બ્હાનું કરી લે  તું સમયનું,,, કાર્ય જો છૂટી જશે,..

સંઘરવુ સઘળું કેટલું ? તું બાંટ જરુરતમંદને,
જો આવશે, ધસમસતુ પાણી, પાળ પણ તૂટી જશે...

મમતા, લગન, સંપત્તિની,, "તૃષા" ઘણી છે નામની,,
ઇશ ને ભજી લે, કોઇ તારો શ્વાસ જો ઘુંટી જશે....
-------------------------------------------------
પૂર્ણિમા ભટ્ટ "તૃષા" 

No comments:

Post a Comment