તારો જ ચ્હેરો ખાસ હતો અંધકારમાં;
તેથી જ તો પ્રવાસ હતો અંધકારમાં.
થોડો ઘણો પ્રકાશ હતો અંધકારમાં;
તારો જ તો ઉજાસ હતો અંધકારમાં !
મારું જ આ અજ્ઞાન નડ્યું છે હવે મને;
મારી જ હું તપાસ હતો અંધકારમાં.
મારું કફન સફેદ ભલે હો કબર બહાર;
કાળો થયો લિબાસ હતો અંધકારમાં.
આ જિન્દગી હવે મેં વિતાવી મઝારમાં;
'પ્રત્યક્ષ' નો નિવાસ હતો અંધકારમાં.
-----------------------------------------
હવે દુનિયા મને આ પ્રેમમાં તો ત્રસ્ત લાગે છે;
તમે હો છો જો સાથે તો બધુયે મસ્ત લાગે છે.
ઘણાં દિવસો થયા મુજને મળ્યા ના એટલે લાગ્યું,
કદાચિત્ મારી યાદોમાં ઘણાં એ વ્યસ્ત લાગે છે.
નથી એ બોલતા કાંઈ, નથી કહેતો હું કાંઈ પણ;
અમારા બેયના આજે હ્યદય પણ સુસ્ત લાગે છે.
નથી પીવા મળ્યાં તારા નયનના જામ આજે તો;
છતાં જૂનો મળેલા કૈફથી મદમસ્ત લાગે છે.
નથી એ પ્રાણ એમાં કે હવે સાબિત થઈ જાશે,
તમે અડકો અહીં 'પ્રત્યક્ષ' ઠંડો હસ્ત લાગે છે.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment