શબ્દ સાધકો

Tuesday, July 5, 2016

Dr.Mukesh Joshi's Gazals(ડો. મુકેશ જોષી ની ગઝલ)

ઈચ્છા...

આમ તો દુનિયા આ ફાની હોય છે,
તે છતાં ઈચ્છાઓ છાની હોય છે.

રાખવી ઈચ્છા એ કંઇ ખોટું નથી,
એક બે એમાં તોફાની હોય છે.

પારકી ઈચ્છાઓ પણ ઉછરી શકે,
એ જ બસ ઈચ્છા કરવાની હોય છે.

રોજ ઇચ્છાઓના એ દરબારમાં,
આસમાની કાં સુલતાની હોય છે.

અર્થ તો ઈચ્છા પડે તો આવશે,
શબ્દ પર એની જ નિશાની હોય છે.

તરબતર સહુને કરવાની હોય છે,
સ્હેજ ઈચ્છા અત્તર થવાની હોય છે.
----------------------------------------------------
લાગણીને એટલે ખણતો નથી,
છું મજામાં હું અને રડતો નથી.

એક આખી જીંદગીની વાત છે,
એક ક્ષણને હું કદી નડતો નથી.

જેમ ભાગ્યમાં લખ્યું તે થાય છે,
હું હવે હીસાબ પણ કરતો નથી.

દોસ્ત ને દુશ્મન બધાં તાજ્જુબ છે,
હું પડું છું, પણ છતાં પડતો નથી.

શબ્દ બે વચ્ચેની છું ખાલી જગા,
હું લખાઈ જાઉં છું, લખતો નથી.
--------------------------------

ખાટલો ઘરમાં રહી કણસ્યા કરે,
ને સમય આ કાળ થૈ ખાંસ્યા કરે.

ભલભલાની એ દશા થઇ જાય જો,
જિંદગી બે દ્વાર થૈ વાસ્યા કરે.

એક બોખું હાસ્ય એમ હસ્યા કરે,
હોય એ તો, સ્થિતિ છે, વણસ્યા કરે.

રોજ પાછી એ જ જૂની મોતની,
બીક પેલી એમનેમ ભસ્યા કરે.

કાં ઉભો એ થાય ને કાં ખાટલો,
એ જ અવઢવમાં ગઝલ શ્વસ્યા કરે.
----------------------------------------

જાગરણ છે જિંદગી ને જાગતું કોઇ નથી,
આ સમજ છે આપણી, તે આપતું કોઇ નથી.

દૂર રણમાં એક એવી વીરડી મળે મને,
ઝાંઝવા છે આશ આ, સમજાવતું કોઇ નથી.

બાળપણની એક ક્ષણ આજે અગર પાછી મળે,
સૌ વિચારે છે છતાં એ માણતું કોઈ નથી.

જિંદગીથી માણસો શું એટલા ડરતાં હશે?
મોત છે ડરપોક પણ પડકારતું કોઇ નથી.

શબ્દ પૂછે અર્થને આ કેમ એવું છે અહીં?
આવરણ છે આખરી ને રાખતું કોઈ નથી.
----------------------------------------------

ઉદય થૈ જવાને નથી વાર ઝાઝી,
મને આથમ્યાને થઇ વાર ઝાઝી.

કહાણી અમારી હજુ પણ નવી છે,
થઇ સાંભળ્યાને ઘણી વાર ઝાઝી.

દરિયો કહું ને તમે ઓળખો છો,
હતી એ નદી, પણ થઇ વાર ઝાઝી.

અરે, લાગણી પણ હશે શું પરાઇ?
ઉછરતાં જુઓને થઇ વાર ઝાઝી.

અરથના ય વમળો શમી તો ગયા છે,
હશે શબ્દો ડૂબ્યા, થઇ વાર ઝાઝી.

લઇ કંકુ ચોખા, હવે તો વધાવો,
ગઝલ અવતર્યાને થઇ વાર ઝાઝી.
-----------------------------------------

આ સમયને સાંધવા તું એક ક્ષણ તો દે મને,
મોતને પડકારવા તું એક ક્ષણ તો દે મને.

આ અમે બેઠાં લગાવી આજ બાજી જાનની,
જીતવા કે હારવા તું એક ક્ષણ તો દે મને.

જિંદગી આખી અમે તો પ્રાપ્ત બસ કરતાં રહ્યાં,
એજ સઘળું ત્યાગવા તું એક ક્ષણ તો દે મને.

આપની ડેલી અગાડી હાથ મારો આમ તો,
લે, ટકોરો મારવા તું એક ક્ષણ તો દે મને.

આ ગઝલમાં કેટલું ઠાંસી શકું હું પણ ભલા?
વાતને વિસ્તારવા તું એક ક્ષણ તો દે મને.

વાત સઘળે આ બધી ફેલાઇ જાશે તો પછી?
એટલું સમજાવવા તું એક ક્ષણ તો દે મને.

ડૉ. મુકેશ જોષી


No comments:

Post a Comment