લઈ બેઠી......
કાગળ, કલમને કાજલની શાહી લઇ બેઠી!
ને ચિત્ર દોર્યાનો વિષય આંસુ લઇ બેઠી!
આંખ બંધ કરુને ભીતર વરસાદ થાય તારો,
માવઠાંની મોસમ વચ્ચે અષાઢી અનુભૂતી લઇ બેઠી!
બહુધા શાંત રહું છું આમ તો ઘટતી ઘટનાઓ પ્રત્યે,
તોફાન ઉરના ચીતરવા કલમની પીંછી લઇ બેઠી!
ભલે ન ફેલાવી શકું તારાપણાના વૃક્ષ સુધી હાથ,
સ્મરણની ડાળ મજબૂત રીતે લઇ બેઠી!
કોણ રાખે હિસાબ આ સ્મરણોના પ્રદેશનો?
ખાતાવહીમાં ગમતું એક નામ લઇ બેઠી!
--------------------------------------------------------------------
સ્થિરતા .........
આવતા-જતા વિચારો,
ઇચ્છાઓની ઊછળકૂદ,
સ્મૃતિઓના વા- વંટોળ ,
સ્વપ્નો અને
કલ્પનાઓના તોફાન,
આ બધાની વચ્ચે
મારામાં
'મને' શોધતી
હું એકદમ સ્થિર...........
------------------------------------------------------------
મને માફક નહીં આવે....
કયાં સુધી ગણતી રહું ક્ષણ?મને માફક નહીં આવે.
ધોધમાર મળ,દસ મીનીટ મને માફક નહીં આવે.
યુગોની તરસ આપણે લઇને
બેઠા,
તૃપ્તિમાં એક જ ટીપું! મને માફક નહીં આવે.
નથી જે હાથમાં એ રેખાઓ ચીતરાવ તું,
ભાગ્યનાં ભરોસે બેસવું,મને માફક નહીં આવે.
નજરથી નજર મેળવી જોઉં જરા ત્યાં,
પહેરેદારી આખા જગતની,મને માફક નહીં આવે.
સોનેરી સાંજ, દરિયાનો કિનારો,તું ને હું,
માનવ મહેરામણની વચ્ચે,મને માફક નહીં આવે.
કાજલ ઠક્કર
-------------------------------------------------------
--------------------------------
No comments:
Post a Comment