કાયમી અહીંયાં પ્રયાસો થાય છે.
આંખમાં એના નિવાસો થાય છે.
હોય તારો સાથ તો ચિંતા નથી,
રણ વચાળે રાતવાસો થાય છે
દે વચન ને તું નીભાવી જાણજે,
રોજ તારો કાં તમાશો થાય છે.
એ સવાલો ના જવાબો કેટલા!
રોજ તારો કૈં ખુલાસો થાય છે.
જાતના દીવા કર્યા મારગ ઉપર,
આયખે મારા ઉજાશો થાય છે.
આંખના તોરણ કર્યા છે જ્યારથી,
બારણે કાયમ પ્રકાશો થાય છે.
ભિતરે દીવો શબદનો ઝળહળે,
ને 'અદિશ' સો ના સવાસો થાય છે.
-------------------------------------
ઘણી વાતો હ્રદયમાં દબાવી જાય છે રસ્તો
સીધીસટ છે છતાં ઘરમાં જ અટવાય છે રસ્તો
નજીવી હોય છે બાબત છતાં રીસાય છે રસ્તો
વિચારો ને વિચારોમાં પછી ખોવાય છે રસ્તો
ધરમધક્કા જગતમાં કેટલાયે ખાય છે રસ્તો
તમે બારીએ આવો તો ઘણું હરખાય છે રસ્તો
જગતતો બે ખબર છે , વાંક મારો છે છતાં કાયમ
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.*
હતો રસ્તો તમારા ઘર સુધીનો આ 'અદિશ'નો પણ-
અદિશની આંખમાંથી ઉતરી હ્રદયમાં જાય છે રસ્તો
*તરહી પંક્તિ
---------------------------------------------------------
આજ લાગે છે હવામાં ભેજ છે
એટલે તો તું નયન સામે જ છે
વાત કરતાં વાત વધવા લાગશે
ઓ જરા થોભો, હવા પણ તેજ છે
વારતા લખવી તું રહેવા દે જગત,
જીંદગી પોતે જ દસ્તાવેજ છે.
આંખનું કાજળ ફરી ગાલે ઘસ્યું?
જીંદગી તું એજ, એની એજ છે!
સ્વપ્ન જોયેલાં હવે પુરાં થશે
આટલામાં ક્યાંક ફૂલોની સેજ છે
------------------------------------------
આંખે શમણું થઈને ફર્યાં, તે યાદ કર.
અશ્રુઓ થઈને ખર્યાં , તે યાદ કર.
પાનખરની બીકમાં લીલાં થવા,
પાનપીળાં થઈ ખર્યાં , તે યાદ કર.
આભ જેવું આંગણું રમવા મળ્યું,
ને બની ઝાકળ ઠર્યાં ,તે યાદ કર
જીંદગીમાં હું ને તું ભેગાં થવા,
આપણે મનમાં વર્યાં, તે યાદ કર
-------------------------------------------
એ વિરહના રણ સુધી જાવું નથી.
પ્રેમના પ્રકરણ સુધી જાવું નથી.
તું રહે હરદમ નજર સામે સદા,
મારે તો સગપણ સુધી જાવું નથી.
રુબરું મળ, તો ખુલાસો પણ થશે
હાલથી તારણ સુધી જાવું નથી
બેવફા અહિયાં કફન પણ નીકળે,
એટલે એ ક્ષણ સુધી જાવું નથી.
---------------------------------------------
અશ્રુઓ ઉલેચવા તું એક ક્ષણ તો દે મને
ને પછી એ લૂછવા તું એક ક્ષણ તો દે મને
ભેદ સઘળા હું ઉકેલું પણ શરત છે આટલી,
આંખ તારી વાંચવા તું એક ક્ષણ તો દે મને
આમ પડખાં ક્યાં સુધી મારે ઘસ્યા કરવા કહે ?
ચાંદ સાથે જાગવા તું એક ક્ષણ તો દે મને
હાથ તાળી આપીને સપનાં હવે ચાલ્યાં ગયાં
એને પાછાં લાવવા તું એક ક્ષણ તો દે મને
સાંજ પડતાં સૂર્ય ક્યાં આરામ કરવા જાય છે ,
એ જગાને શોધવા તું એક ક્ષણ તો દે મને
જીંદગીનું વસ્ત્ર ફાટી જાય એ પહેલાં 'અદિશ'
આ સમયને સાંધવા તું એક ક્ષણ તો દે મને*
*તરહી પંક્તિ
-----------------------------------
ભરત પ્રજાપતિ "અદિશ"
No comments:
Post a Comment