શબ્દ સાધકો

Tuesday, March 15, 2016

Barkat Virani "Befam"'s Gazal(બરકત વીરાણી ‘બેફામ’ - ગઝલ)

દશા સારી નથી હોતી

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી.

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઈ પણ જગા સારી નથી હોતી.

– બરકત વીરાણી ‘બેફામ’

1 comment: