શબ્દ સાધકો

Friday, March 11, 2016

Alpesh Pathak "Pagal"'s Gazal (અલ્પેશ પાઠક ‘પાગલ’) - ગઝલ

ગઝલ

હતો આદમી એક સાચે જ ઘેલો….
વધુમાં એ ફૂલોની ભાષા ભણેલો….

પછી તો બીજું પૂછવાનું હતું શું….. ?
બિચારો આ દુનિયામાં અટવાઈ ગ્યેલો

હતો એકલો એ, બધા ટોળકીમાં,
એ આવી ગયેલો આ દુનિયામાં વ્હેલો

હજી કલ્પના જ્યાં પહોંચી નહોતી
એ આંસુ બની ત્યાં જઈ ઓગળેલો.

એ અઘરો બન્યો શાંતિના દૂત લેખે
કબૂતર હતો તો હતો સાવ સહેલો

વખોડ્યો બધાએ તો એકી અવાજે
અનુવાદ સપનાનો એણે કરેલો

એ ધિક્કારતો’તો પ્રભુને, ધરમને,
ફક્ત આદમીયતનો એ આશિક રહેલો

હતો જાણે મજનુ કે રાંઝાનો ચેલો,
હતો સાવ ‘પાગલ’ ને માથાફરેલો.

--- અલ્પેશ પાઠક ‘પાગલ’

---------------------------------------------------------------------------------

ગઝલ

સમજું છું અલ્પેશને થોડું-ઘણું,
એટલું પોલું છે આ હોવા-પણું.

તરબતર છઈયે હવે તો આપણે,
કેટલું અદ્દભુત છે આ ખાલી-પણું.

એક ઘરમાંથી કશે ગુમ થઈ ગયાં,
ભીંત, ફળિયું, ઓસરી ને બારણું.

શબ્દ વિસ્ફોટક બન્યો છે એટલે,
અર્થ જાણે બોંબમાં બેઠો અણુ.

એ કદી ઠરવા નહીં દે જાતને,
દોસ્ત, ગાંડી માથે બેડું આપણું.

‘પાગલ’ આ ચ્હેરે કરચલી એટલે,

શિલ્પ ઘડતું આ સમયનું ટાંકણું.

--- અલ્પેશ પાઠક ‘પાગલ’

--- ‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર

No comments:

Post a Comment