શબ્દ સાધકો

Wednesday, March 23, 2016

Shyam Thakor's Gazal(શ્યામ ઠાકોરની ગઝલ)

એક મુસલસલ ગઝલ

સોગન કાયમ જળના ખાતો
જળથી તારે શું છે નાતો 

પાષાણો છે એ શું બોલે 
જળને પૂછો જળની વાતો.

જળને આ શું થઈ ગ્યું પાછું 
કાં છે જળનો ચ્હેરો રાતો 

જળને ડ્હોળી નાંખ્યું કોણે 
કોણે મારી જળને લાતો 

જળ તો ભોળું, જળ શું જાણે
જળને માથે જળની ઘાતો

– શ્યામ ઠાકોર

Monday, March 21, 2016

Poem for World Poetry Day - 21st March(વિશ્વ કવિતા દિવસ ની રચના)


Amrut "Ghayal"'s Poetry(અમૃત ઘાયલની રચના)




અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ઘાયલ
-----------------------------------------------------------------------------------------
કેમ ભૂલી ગયા? દટાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું
આ ઈમારતનો હુંય પાયો છું

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું
અડધોપડધો જ ઓળખાયો છું

વિસ્તર્યા વિણ બધેય છાયો છું
હું અજબ રીતથી ઘવાયો છું

આમ તો એક બિન્દુ છું કિન્તુ
સપ્તસિન્ધુથી સંકળાયો છું

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો
ચન્દ્રની જેમ ચોડવાયો છું

વઢ નથી વિપ્ર, આ જનોઈનો
આમ હું આડેધડ કપાયો છું

રામ જાણે શું કામ હું જ મને
સર્પની જેમ વીંટળાયો છું

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે
હું ય મારો નથી, પરાયો છું

સાચું પૂછો તો સત્યના પંથે
ખોટી વાતોથી દોરવાયો છું

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને
આપ મેળે જ ઊંચકાયો છું

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’
શૂન્ય કરતાં તો હું સવાયો છું


– અમૃત ‘ઘાયલ’

Saturday, March 19, 2016

Shunya Palanpuri's Gazals(શૂન્ય પાલનપુરીની ગઝલો)


તમારા પ્રતાપે બધા ઓળખે છે

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે

– શૂન્ય પાલનપુરી
--------------------------------------------------------------------------------------------------------------
કોણ માનશે

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો
પીડા જ રામબાણ હતી, કોણ માનશે

આપી ગઈ જે ધાર જમાનાની જીભને
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે

– શૂન્ય પાલનપુરી

Thursday, March 17, 2016

Aadil Mansuri's Gazal(આદિલ મન્સૂરીની ગઝલ)

ગઝલ

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– આદિલ મન્સૂરી