શબ્દ સાધકો

Friday, January 6, 2017

Ishwar Patel (ईश्वर पटेल)

ઈશ્વર પટેલના હાઈકુ


Rupali Choksii (रुपाली चोक्सी) "यश्वी"

શબ્દોની આરપાર છે મારી લાગણીઓ ,
તેમાં તું અર્થ  શોધવાની કોશિશ ના કર.

મારી વ્યથા મારા ચહેરાની આરપાર છે,
તેમાં તું હાસ્ય શોધવાની કોશિશ ના કર

મૌન છે શબ્દો ગુંજન કરે છે મારા કાનમાં,
શબ્દોને ગૂંથીને કવિતા બનવાની કોશિશ ના કર

આલિંગન,ચુંબન સ્પર્શ તે અનુભૂતિ છે મનની,
તેને સ્પર્શ કરી મનને આભડવાની કોશિશ ના કર

શબ્દોની આરપાર છે મારી લાગણીઓ,
તેમાં તું અર્થ શોધવાની કોશિશ ના કર.
             
– 'રૂપાલી' ચોકસી "યશ્વી"

______________________________________________

મારા શબ્દે  શબ્દો ના ચીંથરા રખડે,
અહીં મારી વેદનાઓ ભીતર ફફડે.

ઉદ્વેગ નો ઉન્માદ ભરપૂર છે છતાંય,
આવેગો મારા અંદર અંદર ઝગડે.

સૂતર સંબંધો ની કાચી છે ગાંઠ અહીં,
ભીતર કોઈ ખૂણો છાનો છાનો ફફડે.

અસ્તિત્વની સાથે ઈચ્છાઓ ફંગોળી દઉં
સ્ત્રીતત્વને લલકારું ક્યાંય તું ના ખખડે,

નિચોડી લાગણીઓ તો સ્મરણો મારા મલકે,
"યશ્વી" જીવનપથ પર પ્રેમ તણા બંધન રખડે

– 'રૂપાલી' ચોકસી "યશ્વી"

_____________________________________________

ગરમાવો બહુ ગમે આ હ્રદયને,
તું ઓઢાડે પ્રેમ કેરો ધાબળો  બદનને.

શરમાવાનું બહુ ગમે મારા નયનને,
તું કોઈ સપનાઓ બતાવે પાંપણને.

દોડીને આવવાનું બહુ ગમે આ પગને,
જો કોઈ દૂર બેઠું સાદ કરે મુજને,

પ્રભાતે અંગમરોડવાનું બહુ ગમે તનને,
તું જો ઉઠાડે મને, ચુંબનનો સ્પર્શ કરીને.

પ્રીતઘેલી નૃત્ય કરવાનું, બહુ ગમે પાયલને,
કોઈ દાદ આપે ,મન ભરીને બહુ ગમે યશવીને

– 'રૂપાલી' ચોકસી "યશ્વી"

_____________________________________________

કોઈ ના મન ને કયાં પાંખ હોય છે,
પણ એ વાત નું કયાં ભાન હોય છે.

કલ્પના વિહવળ બને ઉડવા માટે,
થનગન હૈયું પાયલની શાન હોય છે.

કાબૂમાં રાખ તું હૃદયના ધબકાર ને
અહીંયાં જમાના ને પણ કાન હોય છે.

હોઠોની તરસને નજરથી ના છલકાવ,
તારી નજરમાં મારૂ માન  હોય છે.

ઉડાન ને લાવ હવે આમ ધરતી પર,
યશવી પ્રેમ માં બધા બદનામ હોય છે.

– 'રૂપાલી' ચોકસી  "યશ્વી"

_____________________________________________

ઈંટ સિમેન્ટ ના મકાન આ શહેરમાં
પથ્થર બની ગયો આદમી શહેરમાં

ફૂલો બન્યાં કૃત્રિમ આ શહેરમાં
સુંગધની જગ્યા પરફ્યુમ શહેરમાં

પથ્થર બની દેવ પૂજાય આ શહેરમાં
દેવ તુલ્ય માબાપ રખડે છે શહેરમાં

પ્રેમ સિમિત રહી ગયો આ શહેરમાં
અહેસાસ પ્રેમનો what's up પર શહેરમાં

મિત્રો બને facebook પર આ શહેરમાં,
 બંધન છૂટે પ્રીત ના શું કરૂ શહેરમાં.

– 'રૂપાલી' ચોક્સી "યશ્વી"

_____________________________________________

Krushakant Bhatiya (कृष्णकान्त भाटिया) 'कान्त'

  1.  







Tuesday, November 22, 2016

Free Download : ગઝલ ક્ષિતીજ - ૨

નમસ્કાર મિત્રો,

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે "ગઝલ ક્ષિતીજ - ૧" ની સફળતા બાદ શબ્દસંહિતા ગ્રુપનાં સ્થાપક/સંચાલક ચિરાગભાઈ ભટ્ટ દ્વારા "ગઝલ ક્ષિતીજ - ૨" નું સંપાદન કરવામાં આવ્યું છે. આ ઈ-પુસ્તક તૈયાર કરવામાં એડિટર હિનલ મહેતા તથા સલીમ શેખ "સાલસ" નો સાથ-સહકાર મળ્યો છે. નવોદિત તેમજ જાણીતાં ગઝલકારોની ગઝલ રચનાઓથી સુસજ્જિત આ ઈ-પુસ્તક આપ અહીંથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. આ પુસ્તક વિશે આપના અભિપ્રાય જાણવા અમે ઉત્સુક છીએ. તો આ પોસ્ટ પાર કોમેન્ટમાં અથવા સાઈડબારમાં "અમરો સંપર્ક" વિકલ્પમાં આપનો અભિપ્રાય આપશો. આભાર.

પુસ્તક નું નામ : ગઝલ ક્ષિતીજ - ૨
સંપાદક : ચિરાગ ભટ્ટ
પ્રકાર : ગઝલ સંગ્રહ

ડાઉનલોડ કરો/વાંચો(Read/Download) : ગઝલ ક્ષિતીજ - ૨

Tuesday, November 8, 2016

Mavji M. Aahir's Poetry(માવજી એમ આહીર ની રચનાઓ)

शीतळ जळ थाजे तुं 
ने कोमळ थाजे तुं ।

दे आंबा जेवुं कैं 
ना बावळ थाजे तुं । 

माणस थइ धरतीनुं 
चालकबळ थाजे तुं ।

सूरज सम हो ना हो,
पण झळहळ थाजे तुं ।

उतरे जे अंबरथी 
ऐ वादळ थाजे तुं ।

देवोने गमनारुं 
को' श्रीफळ थाजे तुं । 

'आहीर' घर आंगणनुं
हा, देवळ थाजे तुं । 
------------------------------------------------

આ વિયોગી આંખડી ઝંખે સનમ
પાપણોમાં બેડલું છલકે સનમ

કાં કનૈયા કેમ તું છો દ્વારકે ?
રાધિકા વૃંદાવને ઝંખે સનમ

એક તારું નામ છે શ્વાસે સદા 
એકધારું આ હ્ય્દય ધબકે સનમ

કેમ છોડી આ ગલી ગોવિંદ તેં ?
દેવ થઇ કાં દર બદર ભટકે સનમ

આ ઘડી હું આંખ મીંચી પણ શકું 
ઢોલ તારો કાનમાં ગૂંજે સનમ 

હોય ના 'આહીર' કાચો તાંતણો 
બળ લગાવો તોય ના બટકે સનમ 
-----------------------------------------------------------

જાદૂગરી કિરતારની હર અંગમાં જોવા મળી
એની હાજરી આ આપણાં પ્રસંગમાં જોવા મળી ...

હાથે અનેરી આંગળી આંખે અનેરી પાંપણો 
બીડાય બંન્ને સાથમાં એજ ઢંગમાં જોવા મળી ...

સેંથી અને સિંદૂર ના તાણી શકો મરજી વિના 
સંગીત શું છે ની સમજ મોરચંગ માં જોવા મળી ...

ઉદારતા છે શેઠમાં બ્રહ્માંડ દીધું ભેટમાં 
લાખો કમાણી રામની બજરંગમાં જોવા મળી ... 

ધાવણ મને ધવડાવતો તું માં બનીને આવતો
માધવ મને તારી મઢી માં ગંગમાં જોવા મળી ...

મારી ગરીબી જોઇલે શ્રીમંત આવી આંગણે
જાહોજલાલી 'આહીર'ની હર જંગમાં જોવા મળી ...
-----------------------------------------------------------------------

નદીની રેતનાં પગલા પવનને કહેવડાવે છે
સનમ કાજે, પછી વાજે, અતારે કાં સતાવે છે ...

વળે પ્રેમી તરફ તંતૂ પરંતૂ બેડલું મુંગું 
અભણ છોરી કળા કેવી અજબ જેવી ધરાવે છે ...

ચહે છે ચુંદડી ગાલે પસીનો હા જરી હોજો 
પછી જોજો પલળવું કેમ એ રોકી બતાવે છે ? ...

કસબ કિરતારનું દીઠું અરીસાઓ વગર લિસ્સું 
હસી હોઠો મલકવાની રિતો રોજે મનાવે છે ...

હવે હાંકી શકે ના તું નજર તો વાંક તારો છે 
ગલી એ ગામની ચારે દિશા દંગલ મચાવે છે ...

હજો 'આહીર' એકાદું હજુ ખેતર ખમીરીનું 
ખુમારી આંખની તારી બધું તાજું કરાવે છે ...

માવજી એમ આહીર ( ડગાળા - કચ્છ )


Wednesday, October 19, 2016

Dilip V. Ghaswala's Poetry(દિલીપ વી. ઘાસવાળા ની રચનાઓ)

♥ ગઝલ - નિકળે છે ♥

અરે, મત્સ્ય વહાલી બની નીકળે છે
અને એક દરિયો ભીતર ખળભળે છે.

તને વાંચું અજવાસમાં હું સ્મરણના,
અચાનક શરમથી નયન પણ ઢળે છે.

અસર મહેકતી હો મધુર સ્મિતની ખુદ,
હૃદય મીણની જેમ આ પીગળે છે

જલે ઉંબરે દીપ તારા ખયાલે,
પળો મૃદુ સાન્નિધ્યની ઝળહળે છે.

હયાતી નથી તારી અંગત જીવનમાં,
વિરહની કણી આંખમાં સળવળે છે.

હશે ભાગ્યમાં કૈં મુસીબત લખેલી,
ગમે તેટલી ટાળું પણ ક્યાં ટળે છે ?
--------------------------------------------------------------------------

☆ ગઝલ ...નિકળે છે ☆

સખી મતસ્ય કન્યા બની નિકળે છે,
અને એક દરિયો હજી ખળભળે છે.

હું વાંચું તને યાદના અજવાળામાં,
અચાનક શરમથી નયન આ ઢળે છે.

ઉની આંચ છે તારા સ્મિતની ભૈ,
હૃદય મીણની જેમ આ પીગળે છે. 

તમારા નામે દિપ જલે ઉંબરા પર,
મધુર સ્મરણોથી હૃદય ઝળહળે છે.

હયાતી નથી તારી આ જિંદગીમાં,
હજારો પ્રશ્નો આંખમાં સળવળે છે. 

નસીબમાં લખેલી મુસીબત ને "દિલીપ",
ગમે એટલી ટાળો પણ કયાં ટળે છે?
------------------------------------------------------------------------------------
ગઝલ - આમ જ જીવવા નું હોય છે

 ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;

આ જગત બસ ચેનથી ઉંઘી શકે એ કારણે,
હા.. અમારે તો અહીંયા જાગવાનું હોય છે;

એ જરૂરી તો નથી જે ચાહો એ તમને મળે,
પણ બધા માંગે બધું એ આપવા નું હોય છે;

                             
આ જગત ના રીત રિવાજો ગમે કે ના ગમે,
સૌ ને માટે સૌની સાથે ચાલવાનું હોય છે;

બોલવાની તક તને મૃત્યુ નહિ આપે "દિલીપ"
જ્યાં સુધી આ જિંદગી છે, દોડવાનું હોય છે
-----------------------------------------------------------------------------------

ગઝલ : કરી લીધું...

આયખાને મરણ કરી લીધું,
મેં જ મારું હરણ કરી લીધું.

આદરી શોધ મારી તારા માં
કેમ તે આવરણ કરી લીધું.

વિશ્વ આખું થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

જ્યાં પ્રતિક્ષાઓ ધ્વાર ખખડાવે,
અટકળે અવતરણ કરી લીધું.

હું પણાએ તો હદ કરી નાખી,
દુખ તણું મેં સંસ્કરણ કરી લીધું

ફૂલ અને મહેક ની લડાઇએ
ગમતીલું આક્રમણ કરી લીધું.

મહેક થી મસ્ત ગાતા ઝરણાએ,
પૃથ્વી પર અવતરણ કરી લીધું..

જ્યારથી પ્રેમની લિપી ભૂંસી,
ત્યાર થી મન અભણ કરી લીધું.

પુત્ર છું હું વસંતનો "દિલીપ"
"ઘાસ"નું લીલું રણ કરી લીધું.
-------------------------------------------------------------------------
ગઝલ - વસેલી છે..

હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે,
એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે.

નથી ભુલયો હજી હું એનું ઘર એની ગલી રસ્તો.
કે એના ઘરની સામે એજ બસ જૂહી ચમેલી છે.

ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો;
કે એના ઘરની બારી આજ તો થોડી ખુલેલી છે.

અધર બિંબ લાલ એના, કાળી ઝુલફો, ગાલ પર ખંજન;
ચમનની અધખિલી કળીઓ બધી એની સહેલી છે.

કે ભીના વાળ સુકવવા ઝરોખે એનું આવવું,
ખબર નહિ જોઇને મુજને નજર એની ઝુકેલી છે .

ફકત્ત એકવાર જોઇ એને મારું દિલ નથી ભરાતું
હવે બસ પામવા એને તમન્ના ઓ વધેલી છે
---------------------------------------------------------------------------




દિલીપ  વી. ઘાસવાળા

Tuesday, October 11, 2016

Ninad Adhyaru's Gazals(નિનાદ અધ્યારુ ની ગઝલ રચનાઓ)

યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.

એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.

તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !

જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !

લાખ તું જલવા બતાવે જિંદગી, 
આ ગઝલ જેવો બીજો ઉન્માદ નહિ.

કોઈ એવાં પણ વડીલો હોય છે,
હાથ માથા પર ને આશીર્વાદ નહિ.

આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી 'નિનાદ' નહિ.
--------------------------------------------------------------

જીવ રેડીને કરેલું કામ બાળી નાખશે,
આ જગત તારું સમૂળગું નામ બાળી નાખશે.

આ જગતને રાહ જોવાની ખબર પડતી નથી,
આમ જીવ ચાલ્યો જશે ને આમ બાળી નાખશે !

પ્રેમ કરનારા બિચારા કેટલા માસૂમ છે,
ક્યાં ખબર છે એમને, અંજામ બાળી નાખશે !

હું સમયસર આવીને ઘડિયાળમાં જોયા કરું,
એ નહિ આવીને મારી શામ બાળી નાખશે.

તું મહોબ્બતને નહિ સમજી શકે સાકી કદી,
એ સુરા એવી છે જે ખુદ જામ બાળી નાખશે.

આવવા દો રાવણો જેવા વિચારોને 'નિનાદ',
આવશે એવા જ મારો રામ બાળી નાખશે !
--------------------------------------------------------------------

પૂછો નહિ કે કેવાં પરખાં થયાં હતાં, 
મારી જ સામે મારાં મુજરા થયાં હતાં. 

આંખોની સામે કેવી આંખો થઈ હતી,
પરદાની સામે કેવાં પરદા થયાં હતાં !

મણકાથી જેવી રીતે માળા બની હતી,
માળા મટી-મટીને મણકા થયાં હતાં. 

એણે શું ફૂંક મારી ઈજ્જતથી એ દિવસ,
દિલના હરેક ખૂણે તણખાં થયાં હતાં !

ઉત્તર પછી મળે ના શું કામ આકરાં ?
પ્રશ્નો જ કેવાં-કેવાં અઘરાં થયાં હતાં !

ઝાંકળ બની ગયો 'તો, પાછો વળી ગયો,
ફૂલો સમાન લોકો પથરા થયાં હતાં. 

દુનિયાને એમ લાગ્યું કે જીવ જતો રહ્યો,
'નિનાદ' સ્હેજ અમથાં સરખાં થયાં હતાં. 
-------------------------------------------------------------------------

શાયરી પહેલી શરત, દિલ શાયરાનાં જોઈએ, 
ચાહવાનાં કોઈને ક્યાં કૈં બહાનાં જોઈએ !

તીર તાતા જોઈએ, નજરે નિશાના જોઈએ,
ખ્યાલ રહે કે બેઉના દિલ આશિકાના જોઈએ.

ઈશ્કમાં બે આંખનાં આંસુ ઘણાં ઓછાં પડે,
ઈશ્કમાં તો આંસુઓનાં કારખાનાં જોઈએ !

સાવ સામે આવતા સામેય જોવાતું નથી,
ખૂબ એને જોઈએ જો છાના-છાના જોઈએ !

ઈશ્કમાં ઈશ્કેમિજાજી હોવું એ પૂરતું નથી,
ચાર આંખો જોઈએ ને ચાર વાનાં જોઈએ.

જાનની બાજી લગાવી દઉં પરંતુ શર્ત છે,
જાન કોઈ જોઈએ, કોઈ જાનેજાના જોઈએ.

હાથ લાગી છે ફરી એ ડાયરી જૂની 'નિનાદ',
ચાલ, પાછાં આજ એનાં પાનેપાનાં જોઈએ.
------------------------------------------------------------------------------

યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.

દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.

બોલો .. બોલો .. કંઈ તો બોલો !
એવી શું નારાજી થઇ ગઈ ?

હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !

ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !

ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !

એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !

દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.

આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !

‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.

નિનાદ અધ્યારુ