શબ્દ સાધકો

Showing posts with label કવિ. Show all posts
Showing posts with label કવિ. Show all posts

Tuesday, October 11, 2016

Ninad Adhyaru's Gazals(નિનાદ અધ્યારુ ની ગઝલ રચનાઓ)

યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.

એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.

તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !

જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !

લાખ તું જલવા બતાવે જિંદગી, 
આ ગઝલ જેવો બીજો ઉન્માદ નહિ.

કોઈ એવાં પણ વડીલો હોય છે,
હાથ માથા પર ને આશીર્વાદ નહિ.

આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી 'નિનાદ' નહિ.
--------------------------------------------------------------

જીવ રેડીને કરેલું કામ બાળી નાખશે,
આ જગત તારું સમૂળગું નામ બાળી નાખશે.

આ જગતને રાહ જોવાની ખબર પડતી નથી,
આમ જીવ ચાલ્યો જશે ને આમ બાળી નાખશે !

પ્રેમ કરનારા બિચારા કેટલા માસૂમ છે,
ક્યાં ખબર છે એમને, અંજામ બાળી નાખશે !

હું સમયસર આવીને ઘડિયાળમાં જોયા કરું,
એ નહિ આવીને મારી શામ બાળી નાખશે.

તું મહોબ્બતને નહિ સમજી શકે સાકી કદી,
એ સુરા એવી છે જે ખુદ જામ બાળી નાખશે.

આવવા દો રાવણો જેવા વિચારોને 'નિનાદ',
આવશે એવા જ મારો રામ બાળી નાખશે !
--------------------------------------------------------------------

પૂછો નહિ કે કેવાં પરખાં થયાં હતાં, 
મારી જ સામે મારાં મુજરા થયાં હતાં. 

આંખોની સામે કેવી આંખો થઈ હતી,
પરદાની સામે કેવાં પરદા થયાં હતાં !

મણકાથી જેવી રીતે માળા બની હતી,
માળા મટી-મટીને મણકા થયાં હતાં. 

એણે શું ફૂંક મારી ઈજ્જતથી એ દિવસ,
દિલના હરેક ખૂણે તણખાં થયાં હતાં !

ઉત્તર પછી મળે ના શું કામ આકરાં ?
પ્રશ્નો જ કેવાં-કેવાં અઘરાં થયાં હતાં !

ઝાંકળ બની ગયો 'તો, પાછો વળી ગયો,
ફૂલો સમાન લોકો પથરા થયાં હતાં. 

દુનિયાને એમ લાગ્યું કે જીવ જતો રહ્યો,
'નિનાદ' સ્હેજ અમથાં સરખાં થયાં હતાં. 
-------------------------------------------------------------------------

શાયરી પહેલી શરત, દિલ શાયરાનાં જોઈએ, 
ચાહવાનાં કોઈને ક્યાં કૈં બહાનાં જોઈએ !

તીર તાતા જોઈએ, નજરે નિશાના જોઈએ,
ખ્યાલ રહે કે બેઉના દિલ આશિકાના જોઈએ.

ઈશ્કમાં બે આંખનાં આંસુ ઘણાં ઓછાં પડે,
ઈશ્કમાં તો આંસુઓનાં કારખાનાં જોઈએ !

સાવ સામે આવતા સામેય જોવાતું નથી,
ખૂબ એને જોઈએ જો છાના-છાના જોઈએ !

ઈશ્કમાં ઈશ્કેમિજાજી હોવું એ પૂરતું નથી,
ચાર આંખો જોઈએ ને ચાર વાનાં જોઈએ.

જાનની બાજી લગાવી દઉં પરંતુ શર્ત છે,
જાન કોઈ જોઈએ, કોઈ જાનેજાના જોઈએ.

હાથ લાગી છે ફરી એ ડાયરી જૂની 'નિનાદ',
ચાલ, પાછાં આજ એનાં પાનેપાનાં જોઈએ.
------------------------------------------------------------------------------

યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.

દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.

બોલો .. બોલો .. કંઈ તો બોલો !
એવી શું નારાજી થઇ ગઈ ?

હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !

ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !

ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !

એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !

દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.

આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !

‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.

નિનાદ અધ્યારુ