પથ્થરોમાં ક્યાંક તો પાણી હશે,
માનવીમાં ક્યાંક સરવાણી હશે.
વાયકા જે લોકમાં વ્યાપી ગઈ,
શક્ય છે તેં સૌ પ્રથમ જાણી હશે.
ફૂલને ડંખો દીધાં છે બાદ માં,
કંટકોએ ગંધ પણ માણી હશે.
છે સતત ઉછરી સમજની ગોદમાં,
બોલ, ઇચ્છા કેટલી શાણી હશે !
મન સરોવરનો પૂછે છે હંસલો,
'ક્યારે આંસુની ફરી લ્હાણી હશે?'
શ્વાસ બંદીવાન જેના થઇ ગયાં,
ગંજીપાની કોઇ એ રાણી હશે.
સાવ કાચાં શબ્દ 'આતુર' અવતર્યા,
આ ગઝલની કૂખ શું કાણી હશે !
------------------------------------------
રઝળતા સાત સૂરોનો સૂનો સંસાર ક્યાં રાખું ?
હૃદયની ભગ્ન વીણાના તૂટેલા તાર ક્યાં રાખું ?
છુપાવી કંઠમાં પંચમ ઊડી ગઇ ક્યારની કોયલ,
ખરજની સાથ ઘૂંટાતો હવે ગંધાર ક્યાં રાખું ?
હવે તો બારમાસી થઇ ગયું આંખોનું ચોમાસું,
હવે હું મોરના ટહુકા વીણી મલ્હાર ક્યાં રાખું ?
ગઝલને પણ ગમે જો એક બસ આ રાગ દરબારી,
જુનાણે થી જડ્યો નરસિંહનો કેદાર ક્યાં રાખું ?
મને સોંપીને ગઇ છે એક શેરી સાંકડી 'આતુર',
હું એ પગરવને ક્યાં રાખું ? નૂપુર-ઝંકાર ક્યાં રાખું ?
-----------------------------------------------------
આંગણે રણ કોઇ ઠલવી જાય તો હું જાઉં ક્યાં?
ઝાંઝવામાં જીવ ડૂબકી ખાય તો હું જાઉં ક્યાં?
હું સમુદ્રો સાત રાખું આંખના ઊંડાણમાં,
પણ, ખરે ટાણે જ ના છલકાય તો હું જાઉં ક્યાં?
તું ઉછીની રોજ આપે છે મને ભીનાશ પણ,
એ બધું દેવું જ ના ચૂકવાય તો હું જાઉં ક્યાં?
પોતપોતાની જ પાટલીએ પીડાઓ બેસજો,
સામટો હુમલો તમારો થાય તો હું જાઉં ક્યાં?
ક્યાં સુધી હું પણ તરસનાં શિલ્પ કંડાર્યા કરું?
પથ્થરોમાં આ કલા ચર્ચાય તો હું જાઉં ક્યાં?
----------------------------------------------------
અડધી રાતે આજ અગમનાં વાયક આવ્યાં,
ક્ષણનાં દ્વારે સાત જનમનાં વાયક આવ્યાં.
પંડે ચાલી એમ પરમનાં વાયક આવ્યાં,
જાણે ગૂંજ્યો સાદ, સનમનાં વાયક આવ્યાં.
અધકચરી વાણીનો ઝોલો જીવને લાગ્યો,
એંકારીને ઑર અહમનાં વાયક આવ્યાં.
કાન સુધી કરતાલ પૂગ્યાં છે રણઝણ લઇને,
મન માને તો ચાલ , મરમનાં વાયક આવ્યાં.
અંધારું આંજી જઇશું ને અજવાળામાં ?
બોલ અમાસી આંખ,પૂનમનાં વાયક આવ્યાં.
-----------------------------------------------------
બદલાય બસ જરા તો તું બુદ્ધ થઇ શકે છે,
સોનાથી પણ વધારે સંશુદ્ધ થઇ શકે છે.
ચીંધી શકે છે રસ્તો શાંતિનો પણ તને એ,
જેની દરેક વાતે તું ક્રુદ્ધ થઇ શકે છે.
એક જ વિચારમાંથી પ્રગટે છે ભાઇચારો,
એક જ વિચારમાંથી પણ યુદ્ધ થઇ શકે છે.
ખૂંટે ભલે ને બાંધો કે ખીંટીએ જ ટાંગો,
માર્ગો કદી ન મનના અવરુદ્ધ થઇ શકે છે.
અમૃતથીયે અદકું શું પી ગયા છે શબ્દો ?
કે ના મરી શકે છે ના વૃદ્ધ થઇ શકે છે !
-----------------------------------------------
બાબુલાલ ચાવડા 'આતુર'
ગામ : કડી
શબ્દસંહિતા બ્લોગ માટે સુંદર ગઝલ રચનાઓ આપવા બદલ બાબુલાલ ચાવડા 'આતુર' નો ખુબ ખુબ આભાર.
ReplyDelete