શબ્દ સાધકો

Friday, September 30, 2016

Babulal Chavda 'Aatur''s Poetry(બાબુલાલ ચાવડા 'આતુર' ની રચનાઓ)

પથ્થરોમાં   ક્યાંક   તો  પાણી હશે,
માનવીમાં     ક્યાંક  સરવાણી હશે.

વાયકા   જે   લોકમાં  વ્યાપી  ગઈ,
શક્ય  છે  તેં  સૌ પ્રથમ જાણી હશે.

ફૂલને    ડંખો   દીધાં  છે   બાદ માં,
કંટકોએ     ગંધ   પણ  માણી હશે.

છે  સતત  ઉછરી સમજની ગોદમાં,
બોલ,  ઇચ્છા   કેટલી  શાણી હશે !

મન સરોવરનો    પૂછે   છે   હંસલો,
'ક્યારે   આંસુની  ફરી લ્હાણી હશે?'

શ્વાસ  બંદીવાન   જેના  થઇ  ગયાં,
ગંજીપાની    કોઇ   એ   રાણી હશે.

સાવ કાચાં શબ્દ 'આતુર' અવતર્યા,
આ  ગઝલની  કૂખ શું  કાણી હશે !
------------------------------------------

રઝળતા   સાત   સૂરોનો   સૂનો   સંસાર ક્યાં રાખું ?
હૃદયની   ભગ્ન   વીણાના  તૂટેલા  તાર ક્યાં રાખું ?

છુપાવી  કંઠમાં  પંચમ  ઊડી  ગઇ ક્યારની કોયલ,
ખરજની    સાથ    ઘૂંટાતો   હવે  ગંધાર ક્યાં રાખું ?

હવે  તો  બારમાસી   થઇ  ગયું  આંખોનું  ચોમાસું,
હવે   હું   મોરના  ટહુકા  વીણી  મલ્હાર ક્યાં રાખું ?

ગઝલને પણ ગમે જો એક બસ આ રાગ દરબારી,
જુનાણે  થી   જડ્યો   નરસિંહનો  કેદાર ક્યાં રાખું ?

મને  સોંપીને  ગઇ  છે  એક  શેરી  સાંકડી  'આતુર',
હું એ પગરવને ક્યાં રાખું ? નૂપુર-ઝંકાર ક્યાં રાખું ?
-----------------------------------------------------

આંગણે  રણ કોઇ ઠલવી જાય તો હું જાઉં ક્યાં?
ઝાંઝવામાં  જીવ  ડૂબકી ખાય તો હું જાઉં ક્યાં?

હું    સમુદ્રો   સાત   રાખું   આંખના   ઊંડાણમાં,
પણ, ખરે ટાણે જ ના છલકાય તો હું જાઉં ક્યાં?

તું  ઉછીની  રોજ  આપે  છે  મને  ભીનાશ પણ,
એ  બધું  દેવું  જ  ના ચૂકવાય તો હું જાઉં ક્યાં?

પોતપોતાની  જ  પાટલીએ  પીડાઓ  બેસજો,
સામટો  હુમલો  તમારો  થાય તો હું જાઉં ક્યાં?

ક્યાં સુધી  હું પણ તરસનાં  શિલ્પ કંડાર્યા કરું?
પથ્થરોમાં   આ  કલા  ચર્ચાય તો હું જાઉં ક્યાં?
----------------------------------------------------

અડધી  રાતે આજ અગમનાં વાયક આવ્યાં,
ક્ષણનાં   દ્વારે  સાત જનમનાં વાયક આવ્યાં.

પંડે   ચાલી    એમ   પરમનાં વાયક આવ્યાં,
જાણે  ગૂંજ્યો  સાદ, સનમનાં વાયક આવ્યાં.

અધકચરી  વાણીનો  ઝોલો  જીવને લાગ્યો,
એંકારીને    ઑર     અહમનાં વાયક આવ્યાં.

કાન  સુધી કરતાલ પૂગ્યાં છે રણઝણ લઇને,
મન  માને  તો ચાલ , મરમનાં વાયક આવ્યાં.

અંધારું   આંજી   જઇશું ને  અજવાળામાં ?
બોલ અમાસી આંખ,પૂનમનાં વાયક આવ્યાં.
-----------------------------------------------------

બદલાય બસ જરા તો તું બુદ્ધ થઇ શકે છે,
સોનાથી   પણ   વધારે  સંશુદ્ધ થઇ શકે છે.

ચીંધી  શકે  છે રસ્તો  શાંતિનો પણ તને એ,
જેની     દરેક    વાતે    તું   ક્રુદ્ધ થઇ શકે છે.

એક  જ  વિચારમાંથી  પ્રગટે છે ભાઇચારો,
એક  જ વિચારમાંથી પણ યુદ્ધ થઇ શકે છે.

ખૂંટે  ભલે ને  બાંધો   કે  ખીંટીએ  જ ટાંગો,
માર્ગો  કદી ન  મનના અવરુદ્ધ થઇ શકે છે.

અમૃતથીયે  અદકું  શું  પી  ગયા છે શબ્દો ?
કે   ના  મરી  શકે  છે  ના  વૃદ્ધ થઇ શકે છે !
-----------------------------------------------


બાબુલાલ ચાવડા 'આતુર'
ગામ : કડી

Thursday, September 15, 2016

Rasik Dave's Poetry(રસિક દવે ની રચનાઓ)

પરપોટાની છાલ ઉખેડી 
અંદર ઝીણી નજરે જોઈ
મઘમઘતા રંગીન સુંવાળા 
છૂપાયેલા સઘળા સ્વપ્નો 
ચાલ મળીને 
સંગે સંગે 
કરીએ લે સાકાર
દઈએ ગમતીલો આકાર.
ભીતરમાં ઢબૂરાઈ રહેલા
અજવાસી અંગાર
જીવતરની આળીમાળી
પછેડીમાં બાંધીને 
ચાલ સહજ થઈ
જીવનને ઊજાગર કરીએ.
ચાલ મજાથી 
માણી લઈએ.
--------------------------------
---------------

------------

-------------------

--------------------------------------


રસિક દવે 

Saturday, September 10, 2016

Rajul Bhanushali's Poetry(રાજુલ ભાનુશાલી ની રચનાઓ)

~ 3 લઘુકાવ્યો ~

૧)
મારા અજવાળાં
સૂર્યનાં જરાય ગરજાઉ નથી.
તને સ્મરું ને
સઘળું દેદિપ્યમાન…!

(૨)
ચુપકીદી નામનો ચક્રવ્યુહ ભેદવા
‘શબદ’ નામના અભિમન્યુએ કમર કસી.
આ દેખી
સાતમે કોઠે ખડી, 
ખુલ્લી તલવાર સમી મગરૂરી દાઢમાં હસી..!

(૩)
આંખ લુછી
ઉંબરેથી પરત ફર્યા ટકોરા
જ્યારે 
બારણું વીંધીને
“કોણ છે?”
એવો સપાટ પ્રશ્ન બહાર આવ્યો..
--------------------------------------------------

~ એક અછાંદસ  ~
~ (કિચન કાવ્ય) ~ 

હાથમાં જયારે કલમ હોય 
ને, કશુંક સ્ફૂરે…
તો જાણે,
એકાદ ઉત્કૃષ્ટ કવિતા લખાઈ એ જાય!

પણ એવું ક્યાં થાય છે?

ગઈકાલે શાકનાં વઘારમાં રાઈ તતડી 
ને સાથે થોડાં શબ્દો પણ તતડ્યા…
પણ એમ કંઈ ચૂલો છોડી કલમ લેવા દોડાતું હશે?

બપોરે
બાલ્કનીમાં કપડાં સુકવતી વખતે 
મસોતાની કોરથી બેચાર ટપક્યાં…
ક્ષણમાં તો સામેના પીપળા પર રહેતી ખિસકોલી
આ...સ્તેકથી આવીને પી ગઈ 
લ્યો બોલો!

રાતનીજ વાત કરું
વાળું વખતે,
ચીવટથી માંજીને ચકચકિત કરેલી થાળીમાં
ના પાડી તોય અમૂક ધરાર પીરસાયા
ને
જોતજોતામાં તો ધગધગતી ખીચડી સાથે ઓગળતાં ઘીની સોડમમાં
એકરસ થઇ વરાળ બની ગયાં…

કાશ,
ક્યારેક એવું પણ થાય કે,
હાથમાં કલમ હોય ને કશુંક સ્ફૂરે…!
--------------------------------------------------------------------------

~ ભીંત ખખડાવો તો? ~

ભીંત ખખડાવો તો?

તો શું?
એ દરવાજો ઓછો છે જે તરત ખૂલી જશે!
અરે.. ફક્ત ખખડાવવાથી કાંકરીય ખરવાની નથી.
કદાચ,
માથા પછાડી પછાડીને મરી જશોને તો પણ નહિ!

ક્ષિતિજને બીજે પડખે શું છે? 
જોયું છે કદી? 
ભીંતને બીજે પડખે પણ સાવ નરી આંખે તો કશું  દેખી શકાય એ શક્યતા નથી..

બની શકે કે-
બીજે પડખે એ સતત અંધારા સેવી સેવીને પોપડાઈ ગઈ હોય..

બની શકે કે-
એના પર બિરાજમાન ખીલીને સખત કાટ લાગી ગયો હોય 
અને,
એ કોઈ પણ ઘડીએ બટકી પડે..જોડે લટકતી ફ્રેમ સહિત!

બની શકે કે-
બીજે પડખેથી પણ કોઈ ખખડાવી રહ્યું હોય.. તમારી જેમ..

બની શકે કે-

બની તો ઘણુંય શકે 
પણ એમ રાહ જોઈને બેસી ન રહેવાય..
તો.? તો...?

અરે હા..
સાંભળ્યું છે કે, ભીંતોને પણ કાન હોય છે!
પણ,
સાચવજો-
ક્યાંક પેલી ખારાશ હોઠોને ન સ્પર્શી જાય..
----------------------------------------------------------------------------------------

રાખ્યું છે નામ એક શ્વાસવગું
વાયરાની આદત સાચવતું સુગંધને એ 
રાખ્યું છે આમ એને હાથવગું

મારી ભીતર જે વસતી એ મોસમનાં સમ 
તું છે અત્તરથી મઘમઘતું પૂમડું
સાનભાન ભૂલી હું અટકળ થઇ ગઈ 
મને લાગેના બીજું કંઈ રૂડું!

હું તો  ઝંખાતી જઉં, હું તો નંખાતી જઉં
એક શમણું લસોટાયું રાતવગું..
રાખ્યું છે..

કોરૂંધાકોર ભાસે આખ્ખું ચોમાસું ને 
શ્વાસોનાં વ્હાણ ડૂબી જાય રે
શોધું વસંત કોક લીલેરા કુંજમાં તો 
બાવળનાં ગામ ઊગી જાય રે

હું તો વીંખાતી જઉં, હું તો પીંખાતી જઉં
એક દુખડું રજોટાયું જાતવગું!
રાખ્યું છે..

અધૂરાં કે પૂરાં, મુઆ કનડે ડચૂરા
આંખે તળાવ ભરી બેઠાં
અંધારું મેલીને અજવાસે ચાલું તો 
પડછાયા જીવતરમાં પેઠાં

હું તો સંતાતી જઉં, હું તો ગંઠાતી જઉં
એક મનડું કચોટાયું ઘાતવગું..
રાખ્યું છે..
------------------------------------------------------

ઉલેચે અંધારા ના જાય સખીરી
વિસરે જે દી' પંડને તુ ,
મત્સ્ય આંખ વિંધાય સખીરી

બાંધ્યો ઘેલા શબદથી નાતો
ઊણી ને કૂણી એની જાત
વાણીમાં જે દી' તેજ ઝબુકે
ઝાકમઝોળ થઈ જાયે વાત

ઉંઘરેટા ઉજાગરા એળે ના જાય સંધાય સખીરી
ઉલેચે અંધારા ના જાય સખીરી..

ફૂંક દીધીને પવન ઉલાળ્યો
ચપટીક ભેળી ઉલળી રાખ
મૃગજળ જેવી ભ્રમણા શમણાં
ભવિષ તુ સોનલવરણું ભાખ

ડગલે ને પગલે, રે! મારગડા ફંટાય સખીરી
ઉલેચે અંધારા ના જાય સખીરી.

રાજુલ ભાનુશાલી

Tuesday, August 30, 2016

Varsha Talsaniya's Poetry(વર્ષા તલસાણીયા ની રચનાઓ)

મનવર્ષા ની ઝરમર

કાનુડા તે બે જેલવાસ ભોગવ્યા
એક હુફાળો ને બીજો હિચકારો
એક રૂપાળો ને બીજો રંજાળો
કાનુડા તે બે જેલવાસ ભોગવ્યા
--------------------------------

માખણ ચોર ઓ રે નંદ કિશોર !
 કાન ! તુ શબ્દ બની કરતો કલશોર !
કોણ વલોવશે માખણ થઇ ભોર?
જા! વગડેવન છે તુ ચિત્તચોર !
વનવગડાને જા ! જઈ ધમરોળ !
ગોપ ગોપી ઓનો  છે ગણગોર !
કુમકુમ પગલા કર એલી કોર !
ટહુકા કરે જયાં જાજેરા મોર 
માખણ ચોર! ઓરે!નંદ કિશોર !
તારો નશીલો નખરાળો તોર!
----------------------------------

કાનમહી  એ કલકલતો 
વ્હાલ કાજે વલવલતો
છોગાળો છે છલછલતો
વેણુ નાદે ધલવલતો
-------------------------

એમ હુ કહેતી ફરુ છુ
કેમ હુ કહેતી  ફરુ છું.
વદે છે કાનમાં  કાનો !
તેમ હુ ચહેકતી ફરુ છું.
------------------------

દખ ભલે ખોળતા 
વખ નથી ઘોળતા
કાનજી મટુકી ફોડતા
માખણ અમે ખોળતા
----------------------

★ભાર કેમ લાગે?★ 
★ખુલ્લા આકાશ મહી ભમતી આ વાદળી ને ,પાણી નો ભાર ન લાગે!
★ઝૂલતાં ખિલતાં પાતલડી  આ ડાળી ને ,ફૂલનો ભાર ન લાગે !
★વન ને શહેરમાં વિહરતાં વિચરતા
આ સમીરને , વિહારનો થાક ન લાગે !
★કૂખ માં ઊછેરતી ભાર લઈ ને જીવતી માતા ને , બાળ નો ભાર ન લાગે !
★ડાળ ડાળ રમતાં માળાઓ બાંધતા  આ પંખીનો  વ્રૃક્ષને ભાર ન લાગે !
★સમીરના સપાટા સહેતી પાતલડી ડાળી ને , આ ફૂલનો ભાર ન લાગે !
★ટાઢ તાપ વર્ષા સહેતા આ વ્રૃક્ષો ને
પંખી નો ભાર ન લાગે !
★ઊભા અડિખમ ઊચા વિશાળ આ મેરુ નો ધરતી ને ભાર ન લાગે 
★ખળ ખળ વહેતી સુખે થી
સહેલતી  આ સરિતા ને , માછલી નો ભાર ન લાગે!
★રોજ રોજ ભાગતાં ઝગમગ કરતાં  આ સૂરજને  કિરણો નો ભાર ન લાગે !
★અગણિત તારામંડળની આ ટોળીનો આ આભ ને ભાર ન લાગે!
★હાથ પગ હામ ને હરખ ભર્યા મન તોય ,આ માનવી ને જીવતર નો
ભાર કેમ  લાગે????? 
★નીજનો જ નીજ ને ભાર કેમ લાગે ?????
----------------------------------------------------------------------

છપ્પનની છાતીનો સાવજ ભારતવર્ષ નો વીર છે.
દૂશ્મનની બુરી નઝર પર સણસણતી શમશીર છે.
સાવજડા ની ત્રાડ પડે ,  
થરથરતુ વનરાવન છે.
કેસરીયા ની થાપ પડે
ધણધણતું સમરાંગણ છે.
રક્ષા કાજે દેશની વેઠયો 
વગડો નેરણ રણ છે.
રોમરોમ દેશ દાઝ ભૂકે
 વહાલો માટી નો કણ છે
--------------------------------

                         ચાંદ કહી આવે રોજ પ્રિયાને
વીર ની આંખ્યુ માં નીર છે.
દુનિયા જાણે ભડકેે બળતી
  સરહદે ભડવીર છે.
-------------------------------

                         દૂર દિસે છે રામજી મારા દૂર દિસે છે રામજી !

સંગ દિસે છે કોઇ હરિ ના ,સરી રામ વીર લખનજી !દૂર..

સૂરજ દેવ જરી વાર ઝગો હુ  નિરખી લઉ મારા

રામજી !

આજ પધારે કાલ પધારે મારા રુદિયા  ના

અભિરામજી ! દૂર..


વાદળીયા જઈ જાણ કરો ,શબરી ની દશ કયે ભોમજી! 

વાટ જરી ના પલળે વાટુ યે ભણે ૬છે આવો રામજી !રધુવરજી ! દૂર દિસે છે રામજી !


વાહરીયા વહી મહેક ધરો પધારે  પિયારા. રામજી !આલી કોર વળો આલી કોર ફરો !ઓ શબરી ના સરી રામજી ! દૂર...


વંટોળિયા બાપ શાતા ધરો કણ કણ પાવન કરે રામજી ! ફૂલડિયા ને રામ રેવા દઈજો કોમલ કદમ મારા રામજી !દૂર ...

ફળ ફૂલ હુ તો રોજ વીણુ ને રોજ જમે મારા રામજી!

દિન થયો ઉજમાળો આજ સાક્ષાત પધારે સ્રી રામજી! દૂર...


આસુડાં જરી પાછા વળો ચરણા પખાડવાના કામજી !

શબરી કેરો મોક્ષ કરાવવા આવી રીયા સરી રામજી!

દૂર...


નયણે થઈ વહ્યુ હાથ ન હૈયુ  કરે નવ કહ્યુ  રામજી!

આરતી ઉતારુ ભોગધરુ કે  ચરણા પખાળુ રામજી!

હૈયું કહે કે નિરખ્યારી આ અંધ નયણે મારા રામજી!

મારા રામજી ! મારા રામજી! મારા રામજી !

વર્ષા તલસાણીયા



Saturday, August 20, 2016

Vinod Manek 'Chatak' 's Gazals(વિનોદ માણેક 'ચાતક' ની ગઝલ રચનાઓ)

હોય શ્રધ્ધા ને સબુરી સાથમાં
સાંઈને પામી શકો પળવારમાં.

એમ એ તલવાર જેલની નમી
એકતારાના અહો રણકારમાં.

જે નમે છે તે પ્રભુને પણ ગમે
જે અહમ્ આ છૂટશે સંસારમાં.

ના અમારું ન તમારું કૈં અહીં
રામની છે આ રમત દરબારમાં.

ચાલ 'ચાતક' પામવા હો રામને
નામ સ્મરણ થાય જો ધબકારમાં.
-------------------------------------

તું ભાર લૈ શાને ફરે, ઠાકર કરે ઇ ઠીક છે,
સંસાર છે ચાલ્યા કરે, ઠાકર કરે ઇ ઠીક છે.

અટકળ બધી છે ગાંઠ વાળી રાખજે ના તું કદી,
ને સત્ય બીજું પણ ઠરે, ઠાકર કરે ઇ ઠીક છે.

લૈ કૈંક ક્ષણે મેં તને હે જિંદગી ચાહી હશે,
છે, આયખું તો એ સરે, ઠાકર કરે ઇ ઠીક છે.

તડકાં અને છાયાં બધું આવ્યા કરે આ માર્ગમાં,
શાને બધી ચિંતા કરે, ઠાકર કરે ઇ ઠીક છે.

ખાધી હશે કૈં ઠોકરો, રસ્તો મુસાફરને કહે,
રસ્તો પછી મંઝીલ ધરે, ઠાકર કરે ઇ ઠીક છે.

જો હોય પ્રગટાવ્યો તમે દીપક કદી શ્રધ્ધા તણો,
એ જ્યોતમાં દિવેલ ભરે, ઠાકોર કરે ઇ ઠીક છે.

શબરી સમી પ્રતિક્ષા હશે તો રામ દ્વારે આવશે,
તો મોક્ષને જીવ આ વરે, ઠાકર કરે ઇ ઠીક છે.
-----------------------------------------------

રંગમાં હું ગુલાલ થૈ આવું
સ્વર, લય સંગ તાલ થૈ આવું.

શબ્દ છું એમ કેદના થાઉં
નાદ આ બ્રહ્મ ખ્યાલ થૈ આવું.

તેજ એવું મળે, તિમિરના હો
જ્યોત એવી કમાલ થૈ આવું.

રાહ સાજન તણી સદા જોઈ
સર્વ વ્યાપી સવાલ થૈ આવું.

ગોપી -ગોપી ફરી ચાહે તો
 વ્રજનો હું લાલ થૈ આવું.
-------------------------------

બધાંને સતત આ નગરમાં ઉતાવળ.
દિવસ - રાત સરખી સફરમાં ઉતાવળ.

વિરહમાં ઉતાવળ, મિલનમાં ઉતાવળ,
મળી ના મળી ત્યાં નજરમાં ઉતાવળ.

ઉતાવળ હવામાં, ઉતાવળ ઘટામાં,
ચમનની ગુલાબી અસરમાં ઉતાવળ.

છપાતી રહે છે, ભૂલાતી રહે છે,
ખુશી - ગમ ભરેલી ખબરમાં ઉતાવળ.

ઘડીનાં ટકોરે મહોબ્બત રચાશે,
જિગરમાં, નજરમાં,અધરમાં ઉતાવળ.

ઉતાવળ ભરી છે, જગતની પળો આ,
જનમ - મોત, ઘર ને કબરમાં ઉતાવળ.
------------------------------------------

અફવામાં શું છે સચ્ચાઈ, ના હું જાણું ના તું જાણે
દરિયાની શી છે ગહેરાઇ, ના હું જાણું ના તું જાણે.

આમે પામી શક્યુ છે શું તારી માયા હે હરિ !
કેવી છે આ અખિલાઇ, ના હું જાણું ના તું જાણે.

ચાદર વણતાં વણતાં નામ તમારું વણી લીધું'તું
કેવી છે આ કબીરાઇ, ના હું જાણું ના તું જાણે.

રાધા ગોતે વ્રજમાં, મીરા જોગન થૈને ફરતી
તારી લીલા કન્હાઇ,ના હું જાણું ના તું જાણે.

આમે 'ચાતક' નજરે નિરખી, અનારાધારી વરસ્યો'તો
તરસી કેવી તન્હાઇ, ના હું જાણું ના તું જાણે.

વિનોદ માણેક 'ચાતક'
-----------------------------------------------







Monday, August 15, 2016

Tarahi Mushayaro(તરહી મુશાયરો) Date : 14/08/2016


જરા ન્યારી

પ્રેમની આ કથા, જરા ન્યારી**
ઝૂરવાની પ્રથા, જરા ન્યારી

કાન આઞળ ધરી દિવાલોમાં
સાંભળી છે વ્યથા, જરા ન્યારી

કેમ જોગણ બની જતી મીરાં?
એ હતી આસથા, જરા ન્યારી

રોજ ફરતા ફરો બની નારદ,
ત્યાં સુરોની ત્યથા જરા ન્યારી.

નાર સૌની રિસાય તો બોલો!
વાત છે સર્વથા, જરા ન્યારી
==================
ત્યથા= ચિંતા (તડપદી શબ્દ)
પિનાકીન પંડ્યા
---------------------------

પ્રેમની આ કથા જરા ન્યારી,**
દર્દની પણ મજા જરા ન્યારી.

હોય તું અપ્સરા ભલેને, હશે,
પણ મને મારી 'મા' જરા ન્યારી.

કાંઈ નહિ તો એ દર્દ આપે તો છે !!
તુજથી છે 'બેવફા' જરા ન્યારી.

'હા' કહે ને વચન તું પાળે ના,
એના કરતા તો 'ના' જરા ન્યારી.

બીજી સૌ ફોક જાય પણ 'પ્રત્યક્ષ',
સૌમાં માની દુઆ જરા ન્યારી.


રવિ દવે 'પ્રત્યક્ષ'
-----------------------------------------

"શબ્દો માં પ્રેમ" 

દર્દ સાથે રહેવાની યારી... 
"પ્રેમ"ની આ કથા જરા ન્યારી...**

ફૂલ ને ઊગીને ખરી જાવું... 
વાંક માં આવી જાય છે ક્યારી... 

આપ જો આવો આ હૃદયમાં તો...
બાનમાં લેવાની છે તૈયારી... 

ના અમારી કે ના તમારી છે... 
વાત આ બંન્નેની છે સહિયારી... 

યાદ તુજને રહી જશે કાયમ... 
"પ્રેમ" જ્યારે ગઝલ લખે પ્યારી... 

વિજય ચૌહાણ "પ્રેમ"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
------------------------------------------------------

મેળવી છે વ્યથા જરા ન્યારી,
પ્રેમ ની આ કથા જરા ન્યારી.**

આપને સ્પર્શીને આવી છે,
એ જ તો છે હવા જરા ન્યારી.

દુર્દશા છે જ ચાલતી ભારી,
આપજો બે દુઆ જરા ન્યારી.

આપ આવી મળો મને તો તો-
પાડવી છે પ્રથા જરા ન્યારી.

આપના હોય જો મિલનમાં તો,
પામવી છે વ્યથા જરા ન્યારી.

કોઈ મરમી ને પૂછજો જઈને,
પ્રેમ ની છે દવા જરા ન્યારી.

આપનો સાથ હોય ઓ જગ ને,
દાખવીએ વફા જરા ન્યારી.

જીતેન્દ્ર ભાવસાર 
-----------------------------------------------

એમની આ જફા જરા પ્યારી,
પ્રેમની  આ  કથા  જરા ન્યારી.

છે  બધા  સુખ  એમનાં  ફાળે,
રાખશું આ  વ્યથા  સહિયારી.

ભૂલ  હિસાબમાં  ન  ચાલે  કૈં,
પ્રેમ થી  પ્રેમ ની  પ્રથા   સારી.

તું ફગાવી  બધી  શ્રધ્ધા   તારી,
રાખ માનવ મહીં આસ્થા યારી.

રંગ  સંબંધ ના    હજું   તાજા ,
ખીલશે ફૂલની  સર્વથા   ક્યારી.

મનીષા જોબન દેસાઇ
--------------------------------------

પ્રેમની આ કથા જરા ન્યારી**
બાગની એ હવા જરા ન્યારી..

આવ ને આજ તરબતર કરજે,
હું  અને તું   ઘટા  જરા  ન્યારી.

ભેદ ભુંસી બધા ભરમના ચાલ,
કરમની આ કથા  જરા  ન્યારી.

ચાર   ફેરા   ફરી,  સફર  સાથે,
આદરી  વારતા  જરા  ન્યારી.

સાત ભવ તો 'રમેશ' છોડી દ્યો,
એકની  છે મજા  જરા  ન્યારી.
     
રમેશ છાંગા
----------------------------------

--------------------------------------


------------------------------------
પ્રેમની આ કથા જરા ન્યારી,**
તું મને જાનથી ગઈ વારી.

ચૂકવીને હિસાબ બેઠો છું,
તોય આ કેટલી છે ઉધારી?

દર્દ તારા બધા મને લાગે,
લાગણી છે જરાક સહિયારી.

કામ મારા બધા જ પૂરા છે,
મોતની આજકાલ તૈયારી.

મોત 'આભાસ' આવતા આવે,
આ કબર કેમ આજ શણગારી?

આભાસ
------------------------------
પ્રેમની આ કથા જરા ન્યારી** 
આજ કર તું વફા જરા ન્યારી 

કોણ સાચું અહીં ફરીથી કે ?
છે વ્યથાની વ્યથા જરા ન્યારી 

રાખજે તું એ શ્રદ્ધા બધા પર 
લાગણીની હવા જરા ન્યારી .

મૌન ને પાળજે જરા દિલથી 
પ્રેમની છે ઘટા જરા ન્યારી.

છે રદીફ કાફિયા જુદા આજે ;
છે ગઝલની પ્રથા જરા ન્યારી.

કવિ જલરૂપ 
--------------------------------

સ્વપ્નવત આ ખતાં જરા ન્યારી,
પ્રેમની આ કથા જરા ન્યારી..**

શબ્દનો જયાં અભાવ,ખાલીપો,
મૌનની આ વ્યથા જરા ન્યારી..

શક્યતાનું મળે ન કો' કારણ,
વ્હેમની આ પ્રથા જરા ન્યારી..

પુષ્પ કેરો થઈ રહે શૃંગાર,
ઓસની આ યથા જરા ન્યારી.

વ્યક્તતાનો પ્રભાવ છે ન્યારો,
હું,"તૃષા",તું. તથા...જરા ન્યારી..

પૂર્ણિમા ભટ્ટ -તૃષા..
--------------------------------

પ્રેમની આ કથા જરા ન્યારી,**
આ પુરાણી પ્રથા જરા ન્યારી.

વેદની વાતો કરો પઢૉ પોથી,
શબ્દમાં છે વ્યથા જરા ન્યારી.

વારતા કેવળ લખો અધૂરપની,
પૂર્ણતા ઝંખે જફા જરા ન્યારી.

આપણામાં આપણું ઘટે હોવું,
જાત સાલી ખફા, જરા ન્યારી.

એમને આલાપ આપ હોંકારો,
જેમની સૌ અદા જરા  ન્યારી.

ચિંતન મહેતા - આલાપ 
--------------------------------------------------------