શબ્દ સાધકો

Saturday, September 10, 2016

Rajul Bhanushali's Poetry(રાજુલ ભાનુશાલી ની રચનાઓ)

~ 3 લઘુકાવ્યો ~

૧)
મારા અજવાળાં
સૂર્યનાં જરાય ગરજાઉ નથી.
તને સ્મરું ને
સઘળું દેદિપ્યમાન…!

(૨)
ચુપકીદી નામનો ચક્રવ્યુહ ભેદવા
‘શબદ’ નામના અભિમન્યુએ કમર કસી.
આ દેખી
સાતમે કોઠે ખડી, 
ખુલ્લી તલવાર સમી મગરૂરી દાઢમાં હસી..!

(૩)
આંખ લુછી
ઉંબરેથી પરત ફર્યા ટકોરા
જ્યારે 
બારણું વીંધીને
“કોણ છે?”
એવો સપાટ પ્રશ્ન બહાર આવ્યો..
--------------------------------------------------

~ એક અછાંદસ  ~
~ (કિચન કાવ્ય) ~ 

હાથમાં જયારે કલમ હોય 
ને, કશુંક સ્ફૂરે…
તો જાણે,
એકાદ ઉત્કૃષ્ટ કવિતા લખાઈ એ જાય!

પણ એવું ક્યાં થાય છે?

ગઈકાલે શાકનાં વઘારમાં રાઈ તતડી 
ને સાથે થોડાં શબ્દો પણ તતડ્યા…
પણ એમ કંઈ ચૂલો છોડી કલમ લેવા દોડાતું હશે?

બપોરે
બાલ્કનીમાં કપડાં સુકવતી વખતે 
મસોતાની કોરથી બેચાર ટપક્યાં…
ક્ષણમાં તો સામેના પીપળા પર રહેતી ખિસકોલી
આ...સ્તેકથી આવીને પી ગઈ 
લ્યો બોલો!

રાતનીજ વાત કરું
વાળું વખતે,
ચીવટથી માંજીને ચકચકિત કરેલી થાળીમાં
ના પાડી તોય અમૂક ધરાર પીરસાયા
ને
જોતજોતામાં તો ધગધગતી ખીચડી સાથે ઓગળતાં ઘીની સોડમમાં
એકરસ થઇ વરાળ બની ગયાં…

કાશ,
ક્યારેક એવું પણ થાય કે,
હાથમાં કલમ હોય ને કશુંક સ્ફૂરે…!
--------------------------------------------------------------------------

~ ભીંત ખખડાવો તો? ~

ભીંત ખખડાવો તો?

તો શું?
એ દરવાજો ઓછો છે જે તરત ખૂલી જશે!
અરે.. ફક્ત ખખડાવવાથી કાંકરીય ખરવાની નથી.
કદાચ,
માથા પછાડી પછાડીને મરી જશોને તો પણ નહિ!

ક્ષિતિજને બીજે પડખે શું છે? 
જોયું છે કદી? 
ભીંતને બીજે પડખે પણ સાવ નરી આંખે તો કશું  દેખી શકાય એ શક્યતા નથી..

બની શકે કે-
બીજે પડખે એ સતત અંધારા સેવી સેવીને પોપડાઈ ગઈ હોય..

બની શકે કે-
એના પર બિરાજમાન ખીલીને સખત કાટ લાગી ગયો હોય 
અને,
એ કોઈ પણ ઘડીએ બટકી પડે..જોડે લટકતી ફ્રેમ સહિત!

બની શકે કે-
બીજે પડખેથી પણ કોઈ ખખડાવી રહ્યું હોય.. તમારી જેમ..

બની શકે કે-

બની તો ઘણુંય શકે 
પણ એમ રાહ જોઈને બેસી ન રહેવાય..
તો.? તો...?

અરે હા..
સાંભળ્યું છે કે, ભીંતોને પણ કાન હોય છે!
પણ,
સાચવજો-
ક્યાંક પેલી ખારાશ હોઠોને ન સ્પર્શી જાય..
----------------------------------------------------------------------------------------

રાખ્યું છે નામ એક શ્વાસવગું
વાયરાની આદત સાચવતું સુગંધને એ 
રાખ્યું છે આમ એને હાથવગું

મારી ભીતર જે વસતી એ મોસમનાં સમ 
તું છે અત્તરથી મઘમઘતું પૂમડું
સાનભાન ભૂલી હું અટકળ થઇ ગઈ 
મને લાગેના બીજું કંઈ રૂડું!

હું તો  ઝંખાતી જઉં, હું તો નંખાતી જઉં
એક શમણું લસોટાયું રાતવગું..
રાખ્યું છે..

કોરૂંધાકોર ભાસે આખ્ખું ચોમાસું ને 
શ્વાસોનાં વ્હાણ ડૂબી જાય રે
શોધું વસંત કોક લીલેરા કુંજમાં તો 
બાવળનાં ગામ ઊગી જાય રે

હું તો વીંખાતી જઉં, હું તો પીંખાતી જઉં
એક દુખડું રજોટાયું જાતવગું!
રાખ્યું છે..

અધૂરાં કે પૂરાં, મુઆ કનડે ડચૂરા
આંખે તળાવ ભરી બેઠાં
અંધારું મેલીને અજવાસે ચાલું તો 
પડછાયા જીવતરમાં પેઠાં

હું તો સંતાતી જઉં, હું તો ગંઠાતી જઉં
એક મનડું કચોટાયું ઘાતવગું..
રાખ્યું છે..
------------------------------------------------------

ઉલેચે અંધારા ના જાય સખીરી
વિસરે જે દી' પંડને તુ ,
મત્સ્ય આંખ વિંધાય સખીરી

બાંધ્યો ઘેલા શબદથી નાતો
ઊણી ને કૂણી એની જાત
વાણીમાં જે દી' તેજ ઝબુકે
ઝાકમઝોળ થઈ જાયે વાત

ઉંઘરેટા ઉજાગરા એળે ના જાય સંધાય સખીરી
ઉલેચે અંધારા ના જાય સખીરી..

ફૂંક દીધીને પવન ઉલાળ્યો
ચપટીક ભેળી ઉલળી રાખ
મૃગજળ જેવી ભ્રમણા શમણાં
ભવિષ તુ સોનલવરણું ભાખ

ડગલે ને પગલે, રે! મારગડા ફંટાય સખીરી
ઉલેચે અંધારા ના જાય સખીરી.

રાજુલ ભાનુશાલી

1 comment:

  1. બ્લોગ માટે રચનાઓ આપવા બદલ રાજુલબેન ભાનુશાલી નો ખુબ ખુબ આભાર. પ્રણામ.

    ReplyDelete