શબ્દ સાધકો

Wednesday, October 19, 2016

Dilip V. Ghaswala's Poetry(દિલીપ વી. ઘાસવાળા ની રચનાઓ)

♥ ગઝલ - નિકળે છે ♥

અરે, મત્સ્ય વહાલી બની નીકળે છે
અને એક દરિયો ભીતર ખળભળે છે.

તને વાંચું અજવાસમાં હું સ્મરણના,
અચાનક શરમથી નયન પણ ઢળે છે.

અસર મહેકતી હો મધુર સ્મિતની ખુદ,
હૃદય મીણની જેમ આ પીગળે છે

જલે ઉંબરે દીપ તારા ખયાલે,
પળો મૃદુ સાન્નિધ્યની ઝળહળે છે.

હયાતી નથી તારી અંગત જીવનમાં,
વિરહની કણી આંખમાં સળવળે છે.

હશે ભાગ્યમાં કૈં મુસીબત લખેલી,
ગમે તેટલી ટાળું પણ ક્યાં ટળે છે ?
--------------------------------------------------------------------------

☆ ગઝલ ...નિકળે છે ☆

સખી મતસ્ય કન્યા બની નિકળે છે,
અને એક દરિયો હજી ખળભળે છે.

હું વાંચું તને યાદના અજવાળામાં,
અચાનક શરમથી નયન આ ઢળે છે.

ઉની આંચ છે તારા સ્મિતની ભૈ,
હૃદય મીણની જેમ આ પીગળે છે. 

તમારા નામે દિપ જલે ઉંબરા પર,
મધુર સ્મરણોથી હૃદય ઝળહળે છે.

હયાતી નથી તારી આ જિંદગીમાં,
હજારો પ્રશ્નો આંખમાં સળવળે છે. 

નસીબમાં લખેલી મુસીબત ને "દિલીપ",
ગમે એટલી ટાળો પણ કયાં ટળે છે?
------------------------------------------------------------------------------------
ગઝલ - આમ જ જીવવા નું હોય છે

 ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;

આ જગત બસ ચેનથી ઉંઘી શકે એ કારણે,
હા.. અમારે તો અહીંયા જાગવાનું હોય છે;

એ જરૂરી તો નથી જે ચાહો એ તમને મળે,
પણ બધા માંગે બધું એ આપવા નું હોય છે;

                             
આ જગત ના રીત રિવાજો ગમે કે ના ગમે,
સૌ ને માટે સૌની સાથે ચાલવાનું હોય છે;

બોલવાની તક તને મૃત્યુ નહિ આપે "દિલીપ"
જ્યાં સુધી આ જિંદગી છે, દોડવાનું હોય છે
-----------------------------------------------------------------------------------

ગઝલ : કરી લીધું...

આયખાને મરણ કરી લીધું,
મેં જ મારું હરણ કરી લીધું.

આદરી શોધ મારી તારા માં
કેમ તે આવરણ કરી લીધું.

વિશ્વ આખું થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

જ્યાં પ્રતિક્ષાઓ ધ્વાર ખખડાવે,
અટકળે અવતરણ કરી લીધું.

હું પણાએ તો હદ કરી નાખી,
દુખ તણું મેં સંસ્કરણ કરી લીધું

ફૂલ અને મહેક ની લડાઇએ
ગમતીલું આક્રમણ કરી લીધું.

મહેક થી મસ્ત ગાતા ઝરણાએ,
પૃથ્વી પર અવતરણ કરી લીધું..

જ્યારથી પ્રેમની લિપી ભૂંસી,
ત્યાર થી મન અભણ કરી લીધું.

પુત્ર છું હું વસંતનો "દિલીપ"
"ઘાસ"નું લીલું રણ કરી લીધું.
-------------------------------------------------------------------------
ગઝલ - વસેલી છે..

હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે,
એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે.

નથી ભુલયો હજી હું એનું ઘર એની ગલી રસ્તો.
કે એના ઘરની સામે એજ બસ જૂહી ચમેલી છે.

ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો;
કે એના ઘરની બારી આજ તો થોડી ખુલેલી છે.

અધર બિંબ લાલ એના, કાળી ઝુલફો, ગાલ પર ખંજન;
ચમનની અધખિલી કળીઓ બધી એની સહેલી છે.

કે ભીના વાળ સુકવવા ઝરોખે એનું આવવું,
ખબર નહિ જોઇને મુજને નજર એની ઝુકેલી છે .

ફકત્ત એકવાર જોઇ એને મારું દિલ નથી ભરાતું
હવે બસ પામવા એને તમન્ના ઓ વધેલી છે
---------------------------------------------------------------------------




દિલીપ  વી. ઘાસવાળા

2 comments:

  1. Replies
    1. શબ્દસંહિતા બ્લોગ માટે સુંદર રચનાઓ આપવા બદલ દિલીપ ઘાસવાલા નો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.

      Delete