શબ્દ સાધકો

Tuesday, May 31, 2016

"Raj" Lakhtarvi's Gazals("રાજ" લખતરવી ની ગઝલ)

આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું.

રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.

એટલો અધિકાર દે, મારા સનમ !
ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું.

ઝાંઝવા ક્યાં છું, સરોવર છું હું તો,
કોઈને હું કેમ તરસાવી શકું ?

આટલી છે વાત મારા હાથમાં,
સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું.

વાત પૂરી જે ન સમજાણી મને,
એ જગતને કેમ સમજાવી શકું ?

‘રાજ’ મારી જેમ તરસ્યા થાય તો,
ઝાંઝવાને હું ય લલચાવી શકું.

–   ‘રાજ’ લખતરવી
------------------------------------------------------------




Thursday, May 26, 2016

"Snehi" Parmar's Gazal("સ્નેહી" પરમારની ગઝલ)

કદી કોઈ પર આ કહર ના તૂટે
કદી કોઈનો હમસફર ના તૂટે

સપાટી ઉપર જે હશે, તૂટવાના
થયા જે સપાટીથી પર ,ના તૂટે

ભલે ઘરની તસવીર તૂટી જતી
કદી કોઈ તસવીરનું ઘર ના તૂટે

અસલ પ્રેમપત્રો તો વાંચ્યા નથી
તમારાથી નહીતર કવર ના તૂટે

જે હાથે ધનુષ્યો તૂટી જાય છે
એ હાથે કદી કાચઘર ના તૂટ

ભલે આભ તૂટે જમાના ઉપર
અમારી આ ઢીંગીનો વર ના તૂટે

----------------------------------------------
તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.

બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે

ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.

ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.

ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.

--------------------------------------------
એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.

હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
તોય એમાં સમાય એવાં છે.

માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?
હાથ સોનાના થાય એવા છે.

એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.

– સ્નેહી પરમાર

Tuesday, May 24, 2016

Download : "Gazal Graph" by Gunwant Upadhyay(ગઝલ ગ્રાફ - ગુણવંત ઉપાધ્યાય)

મિત્રો,

જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંત ઉપાધ્યાય નું પુસ્તક "ગઝલ ગ્રાફ" આપ અહીં થી ડાઉનલોડ કરી શકો છો. ગઝલ ને લગતી સંપૂર્ણ જાણકારી તેમાં બહુ રસાળ શૈલી માં આપવા માં આવી છે. ગઝલ અભ્યાસ માટે આ પુસ્તક ખુબ ઉપયોગી છે. શબ્દ્સંહિતા ગ્રુપ ના સ્થાપક અને સંચાલક શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા આ પુસ્તક નું સંકલન થયેલ છે. 

અભ્યાસ ગ્રંથ : ગઝલ ગ્રાફ 
કવિ શ્રી : ગુણવંત ઉપાધ્યાય 
સંકલન : ચિરાગ ભટ્ટ 

Click here for Download/Read(ડાઉનલોડ કરો/વાંચો)

Thursday, May 19, 2016

RIP Diwaliben Bhil

ગુજરાત ના ગૌરવ સમાન લોક-ગાયિકા, પદ્મ શ્રી પુરસ્કાર વિજેતા દિવાળીબેન ભીલ નું દુખદ અવસાન

તેઓ કોકિલકંઠી તેમજ ગુજરાત ના લતા મંગેશકર નું બિરુદ પામ્યા હતા. ગુજરાત અને જૂનાગઢનું ગૌરવ હતા. તેમના અવસાન પર પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શોક વ્યકત કર્યો હતો. 

1943 - 2016

Saturday, May 14, 2016

Free Download E-Book : ग़ज़ल क्षितिज

મિત્રો,

શબ્દ્સંહિતા ગ્રુપ ના સ્થાપક અને સંચાલક શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા એક ઈ-પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ખ્યાતનામ ગઝલકારોની ગઝલોની સાથે નવોદિત ગઝલકારોની રચનાઓ પણ સામેલ કરેલ છે. આ ગઝલ સંગ્રહમાં કુલ ૩૧ જેટલા કવિઓની રચનાઓ સામેલ છે. કુલ ૧૪૭ પાનાની આ પુસ્તિકા અહીં ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તમે નીચે આપેલી લીંક દ્વારા તે વાંચી શકશો તેમજ ડાઉનલોડ કરી શકશો.

Download/View(ડાઉનલોડ/વાંચો) ग़ज़ल क्षितिज