શબ્દ સાધકો

Wednesday, October 19, 2016

Dilip V. Ghaswala's Poetry(દિલીપ વી. ઘાસવાળા ની રચનાઓ)

♥ ગઝલ - નિકળે છે ♥

અરે, મત્સ્ય વહાલી બની નીકળે છે
અને એક દરિયો ભીતર ખળભળે છે.

તને વાંચું અજવાસમાં હું સ્મરણના,
અચાનક શરમથી નયન પણ ઢળે છે.

અસર મહેકતી હો મધુર સ્મિતની ખુદ,
હૃદય મીણની જેમ આ પીગળે છે

જલે ઉંબરે દીપ તારા ખયાલે,
પળો મૃદુ સાન્નિધ્યની ઝળહળે છે.

હયાતી નથી તારી અંગત જીવનમાં,
વિરહની કણી આંખમાં સળવળે છે.

હશે ભાગ્યમાં કૈં મુસીબત લખેલી,
ગમે તેટલી ટાળું પણ ક્યાં ટળે છે ?
--------------------------------------------------------------------------

☆ ગઝલ ...નિકળે છે ☆

સખી મતસ્ય કન્યા બની નિકળે છે,
અને એક દરિયો હજી ખળભળે છે.

હું વાંચું તને યાદના અજવાળામાં,
અચાનક શરમથી નયન આ ઢળે છે.

ઉની આંચ છે તારા સ્મિતની ભૈ,
હૃદય મીણની જેમ આ પીગળે છે. 

તમારા નામે દિપ જલે ઉંબરા પર,
મધુર સ્મરણોથી હૃદય ઝળહળે છે.

હયાતી નથી તારી આ જિંદગીમાં,
હજારો પ્રશ્નો આંખમાં સળવળે છે. 

નસીબમાં લખેલી મુસીબત ને "દિલીપ",
ગમે એટલી ટાળો પણ કયાં ટળે છે?
------------------------------------------------------------------------------------
ગઝલ - આમ જ જીવવા નું હોય છે

 ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;

આ જગત બસ ચેનથી ઉંઘી શકે એ કારણે,
હા.. અમારે તો અહીંયા જાગવાનું હોય છે;

એ જરૂરી તો નથી જે ચાહો એ તમને મળે,
પણ બધા માંગે બધું એ આપવા નું હોય છે;

                             
આ જગત ના રીત રિવાજો ગમે કે ના ગમે,
સૌ ને માટે સૌની સાથે ચાલવાનું હોય છે;

બોલવાની તક તને મૃત્યુ નહિ આપે "દિલીપ"
જ્યાં સુધી આ જિંદગી છે, દોડવાનું હોય છે
-----------------------------------------------------------------------------------

ગઝલ : કરી લીધું...

આયખાને મરણ કરી લીધું,
મેં જ મારું હરણ કરી લીધું.

આદરી શોધ મારી તારા માં
કેમ તે આવરણ કરી લીધું.

વિશ્વ આખું થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

જ્યાં પ્રતિક્ષાઓ ધ્વાર ખખડાવે,
અટકળે અવતરણ કરી લીધું.

હું પણાએ તો હદ કરી નાખી,
દુખ તણું મેં સંસ્કરણ કરી લીધું

ફૂલ અને મહેક ની લડાઇએ
ગમતીલું આક્રમણ કરી લીધું.

મહેક થી મસ્ત ગાતા ઝરણાએ,
પૃથ્વી પર અવતરણ કરી લીધું..

જ્યારથી પ્રેમની લિપી ભૂંસી,
ત્યાર થી મન અભણ કરી લીધું.

પુત્ર છું હું વસંતનો "દિલીપ"
"ઘાસ"નું લીલું રણ કરી લીધું.
-------------------------------------------------------------------------
ગઝલ - વસેલી છે..

હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે,
એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે.

નથી ભુલયો હજી હું એનું ઘર એની ગલી રસ્તો.
કે એના ઘરની સામે એજ બસ જૂહી ચમેલી છે.

ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો;
કે એના ઘરની બારી આજ તો થોડી ખુલેલી છે.

અધર બિંબ લાલ એના, કાળી ઝુલફો, ગાલ પર ખંજન;
ચમનની અધખિલી કળીઓ બધી એની સહેલી છે.

કે ભીના વાળ સુકવવા ઝરોખે એનું આવવું,
ખબર નહિ જોઇને મુજને નજર એની ઝુકેલી છે .

ફકત્ત એકવાર જોઇ એને મારું દિલ નથી ભરાતું
હવે બસ પામવા એને તમન્ના ઓ વધેલી છે
---------------------------------------------------------------------------




દિલીપ  વી. ઘાસવાળા

Tuesday, October 11, 2016

Ninad Adhyaru's Gazals(નિનાદ અધ્યારુ ની ગઝલ રચનાઓ)

યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.

એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.

તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !

જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !

લાખ તું જલવા બતાવે જિંદગી, 
આ ગઝલ જેવો બીજો ઉન્માદ નહિ.

કોઈ એવાં પણ વડીલો હોય છે,
હાથ માથા પર ને આશીર્વાદ નહિ.

આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી 'નિનાદ' નહિ.
--------------------------------------------------------------

જીવ રેડીને કરેલું કામ બાળી નાખશે,
આ જગત તારું સમૂળગું નામ બાળી નાખશે.

આ જગતને રાહ જોવાની ખબર પડતી નથી,
આમ જીવ ચાલ્યો જશે ને આમ બાળી નાખશે !

પ્રેમ કરનારા બિચારા કેટલા માસૂમ છે,
ક્યાં ખબર છે એમને, અંજામ બાળી નાખશે !

હું સમયસર આવીને ઘડિયાળમાં જોયા કરું,
એ નહિ આવીને મારી શામ બાળી નાખશે.

તું મહોબ્બતને નહિ સમજી શકે સાકી કદી,
એ સુરા એવી છે જે ખુદ જામ બાળી નાખશે.

આવવા દો રાવણો જેવા વિચારોને 'નિનાદ',
આવશે એવા જ મારો રામ બાળી નાખશે !
--------------------------------------------------------------------

પૂછો નહિ કે કેવાં પરખાં થયાં હતાં, 
મારી જ સામે મારાં મુજરા થયાં હતાં. 

આંખોની સામે કેવી આંખો થઈ હતી,
પરદાની સામે કેવાં પરદા થયાં હતાં !

મણકાથી જેવી રીતે માળા બની હતી,
માળા મટી-મટીને મણકા થયાં હતાં. 

એણે શું ફૂંક મારી ઈજ્જતથી એ દિવસ,
દિલના હરેક ખૂણે તણખાં થયાં હતાં !

ઉત્તર પછી મળે ના શું કામ આકરાં ?
પ્રશ્નો જ કેવાં-કેવાં અઘરાં થયાં હતાં !

ઝાંકળ બની ગયો 'તો, પાછો વળી ગયો,
ફૂલો સમાન લોકો પથરા થયાં હતાં. 

દુનિયાને એમ લાગ્યું કે જીવ જતો રહ્યો,
'નિનાદ' સ્હેજ અમથાં સરખાં થયાં હતાં. 
-------------------------------------------------------------------------

શાયરી પહેલી શરત, દિલ શાયરાનાં જોઈએ, 
ચાહવાનાં કોઈને ક્યાં કૈં બહાનાં જોઈએ !

તીર તાતા જોઈએ, નજરે નિશાના જોઈએ,
ખ્યાલ રહે કે બેઉના દિલ આશિકાના જોઈએ.

ઈશ્કમાં બે આંખનાં આંસુ ઘણાં ઓછાં પડે,
ઈશ્કમાં તો આંસુઓનાં કારખાનાં જોઈએ !

સાવ સામે આવતા સામેય જોવાતું નથી,
ખૂબ એને જોઈએ જો છાના-છાના જોઈએ !

ઈશ્કમાં ઈશ્કેમિજાજી હોવું એ પૂરતું નથી,
ચાર આંખો જોઈએ ને ચાર વાનાં જોઈએ.

જાનની બાજી લગાવી દઉં પરંતુ શર્ત છે,
જાન કોઈ જોઈએ, કોઈ જાનેજાના જોઈએ.

હાથ લાગી છે ફરી એ ડાયરી જૂની 'નિનાદ',
ચાલ, પાછાં આજ એનાં પાનેપાનાં જોઈએ.
------------------------------------------------------------------------------

યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.

દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.

બોલો .. બોલો .. કંઈ તો બોલો !
એવી શું નારાજી થઇ ગઈ ?

હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !

ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !

ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !

એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !

દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.

આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !

‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.

નિનાદ અધ્યારુ


Friday, October 7, 2016

Two Short-Stories(બે લઘુ-કથાઓ)

લઘુ-કથા :  ત્યાગ 

લેખક : મહેબુબ આર સોનાલિયા

-------------------------------------------------------

ગામમા ઘણા બધા ફરસાણ વાળા હોવા છતાં હું ગામ થી દૂર છેક રેલ્વે સ્ટેશન પાસે  આવેલી ‘ક્રીશ્ના ફરસાન માર્ટ’ માં લેવા આવુ છુ. જો કે મારી એકલતા દુર કરવા, ખુદ થી બહુ દુર ભાગવાનો પ્રયાસ  કરી રહ્યો છુ. રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન આવીને ઉભી રહી. ગાંઠીયા હજી ગરમાગરમ તળાતા હતાં. મારી નજર પ્લેટ્ફોર્મ પરથી પોતાનો સામાન લૈ ને આવી રહેલી માધવી પર પડી.હજી એટલી જ સુંદર એટલી જ સોમ્ય અને રોચક. હજી  મન થાય કે બસ જોયા જ કરુ તેને. તે રેલ્વે સ્ટેશન ની બહાર આવી રીક્ષા ની રાહ જોઇ રહી છે.

” અરે માધવી! કેમ છો?” મે પુછ્યુ પરંતુ તેની આંખોમા આંખો ના મેળવી શક્યો

“મજા છે.” બહુ જ ફિક્કો જવાબ તેણે આપ્યો

”ઘણા સમયે મળ્યા” મે વાત વધારવા નુસ્ખો કર્યો

”હા” તેનો જવાબ માત્ર હા....

”માધવી હજી મારાથી નારાજ છો?” મે પુછ્યુ

”અરે માંનવ તુ કેવો  માણસ છો? તારી યાદો થી દુર જવા હુ આટલા દુર પરણી ગયી. તારા કારણે હુ મારા માતા પીતાની નજરોમાં હલકી થઇ ગયી. આખું ઘર કહેતું હતું કે તુ મારા લાયક નથી. હુ મારા પરિવાર ની સામે થૈ ગઇ.અને તુ ............ માત્ર કાયર બિકણ અને ડરપોક “તે મારી આંખોમાં આંખો નાખી ને બોલી.
      થોડીવાર બન્ને મૌન રહ્યાં ત્યાં જ મારુ ફરસાણનુ પાર્સલ લૈ ને ક્રીશ્ના વાળાનો માણસ આવ્યો.

“માધુ, તારે  ઘરે જ  જવુ છે ને.ચાલને હું ઘરે જ જાઉ છું.ચાલ તને લિફ્ટ આપી દઉ” મે હિમ્મ્ત કરી ને કહ્યુ
”ના હુ મારી રીતે ચાલી જાઇશ.”
”અરે માધુ આપણી મંજીલ એક જ છે અને મારે તને ક્યા ઉપાડીને લૈ જવી છે ગાડી છે .”

”કદાચ મંજીલ એક હશે પણ હવે રસ્તા અલગ અલગ છે”તેણે મારી સામે એક અણગમા થી જોયુ.અને જોર થી બોલી “રીક્ષા.... રીક્ષા... રીક્ષા....”
એક રીક્ષાવાળો આવ્યો તે ચાલી ગઇ એકવાર પાછુ વળી ને જોયુ પણ નહિં

"માત્ર કાયર ડરપોક બિક્ણ ..... "તેના શબ્દો મારા કાન મા ગુંજી રહ્યા હતા.મે મારુ માથુ સ્ટેયરીંગ વ્હીલ પર નમતુ મુક્યુ.

હું જે બધુ ભુલી જવા માંગુ છુ તે બધુ જ યાદ આવે છે તે  રાતે માધવી ના ભાઇ મારી પાસે આવ્યા હતા કેમ આદ આવે છે તે 
“માનવ તુ સારો માણસ છો મારી બહેન તારા પ્રેમમા ગાંડી થઇ ગઇ છે.પ્લીજ તુ એને સમજાવ અમે તેના માટે કેટલા સારા છોકરાઓ બતાવીએ છીએ પણ એ તારા કારણે કોઇ ને હા નથી પાડતી.”માધવી ના ભાઇ મને સમજાવવા નો  પ્રયાસ કરી રહ્યા હતા
”ભાઇ અમે એકબીજા ને પ્રેમ કરીએ છીએ.હુ શા માટે તેને સમજાવુ કે બીજા સાથે પરણીજા.અને તે મારા વગર રોઇ રોઇ ને મરી જશે.હુ તેને દુખી કરવા નથી માંગતો.” મે કહ્યુ

“ હા તો કરી લો લગ્ન જીવો સાથે માનવ તુ અપંગ છો મારી બહેન સાવ નોરમલ છે.તુ કૈ રીતે તેને ખુશ રાખી શકીશ.જ્યારે પ્રેમનો નશો ઉતરશે ત્યારે તે જ માધવી તારા માટે નહી પણ તારી સાથે રોઇ રોઇ ને મરી જશે. માનવ હવે નીર્ણય તારે લેવાનો છે .તારી સાથે રહી ને  રડે કે પછી બીજા સાથે સુખી રહીને તારા માટે રડે.”
હુ જબકી ગયો.મે સ્ટીયરીંગ વ્હીલ પરથી મારુ માથુ ઉપાડ્યુ.મારી નજર સાઇડ કાચ પર પડી.અરીસો રડતો રડતો મને જોય રહ્યો છે.અને હુ મારા નહિ રડી શકાયેલા આંસુઓ જોઇ જોઇને થીજી રહ્યો છુ.
------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------

લઘુ-કથા : ગેટ-ટુગેધર

લેખક : બ્રિજેશ દવે 'વિભવ'

------------------------------------------

વિકીએ રોનિતને કોલ કર્યો. 

વિકી : હેલ્લો, રોનિત.
શીલા : હું શીલા બોલું છું.
વિકી : ભાભી રોનિત છે?
શીલા : તે તો ગણેશ વિસર્જનમાં ગયા છે. મોબાઈલ નથી લઈ ગયા. 
વિકી : અરે હા, આજ તો વિસર્જન છે. ભૂલી ગયો. તમે નાં ગયા સાથે?
શીલા : નાં. અમારી સોસાયટીના લોકો એ ભેગા મળી ને ગણેશ સ્થાપના કરી હતી. 
        અને સોસાયટી નાં બધાં પુરુષો જ ગયા છે વિસર્જનમાં. તમારે કામ હતું રોનિત નું?
વિકી : કામ તો હતું. કોલેજના બધાં જુના મિત્રોનું એક ગેટ ટુગેધર રાખવું હતું. તેના વિશે વાત કરવી હતી. 
શીલા : હમણાં આવે એટલે ફોન કરાવું. 

એક કલાક પછી વિકી ને કોલ આવ્યો. રોનિત નાં નંબર હતાં.

વિકી : હેલ્લો, રોનિત.
શીલા : શીલા બોલું છું. રોનિત ઉંઘી ગયા છે.
વિકી : કેમ?! બહુ થાકી ગયો છે?
શીલા : હા, એટલા થાક્યા કે સદા માટે ઉંઘી ગયા છે.
વિકી : ભાભી આ શું બોલો છો?!
શીલા : હા, ગણેશજી ની સાથે તેમના પ્રાણ પણ વિસર્જિત થાય ગયા. રોનિત નાં બીજા મિત્રોને તમે ફોન કરી દેશોને?
          તમારે પેલું ગેટ ટુગેધર રાખવું હતું ને, તે હવે અહીં જ થઈ જશે. 

------------------------------------------------------------------------------------