શબ્દ સાધકો

Saturday, March 19, 2016

Shunya Palanpuri's Gazals(શૂન્ય પાલનપુરીની ગઝલો)


તમારા પ્રતાપે બધા ઓળખે છે

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે

– શૂન્ય પાલનપુરી
--------------------------------------------------------------------------------------------------------------
કોણ માનશે

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો
પીડા જ રામબાણ હતી, કોણ માનશે

આપી ગઈ જે ધાર જમાનાની જીભને
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે

– શૂન્ય પાલનપુરી

1 comment: