શબ્દ સાધકો

Tuesday, August 30, 2016

Varsha Talsaniya's Poetry(વર્ષા તલસાણીયા ની રચનાઓ)

મનવર્ષા ની ઝરમર

કાનુડા તે બે જેલવાસ ભોગવ્યા
એક હુફાળો ને બીજો હિચકારો
એક રૂપાળો ને બીજો રંજાળો
કાનુડા તે બે જેલવાસ ભોગવ્યા
--------------------------------

માખણ ચોર ઓ રે નંદ કિશોર !
 કાન ! તુ શબ્દ બની કરતો કલશોર !
કોણ વલોવશે માખણ થઇ ભોર?
જા! વગડેવન છે તુ ચિત્તચોર !
વનવગડાને જા ! જઈ ધમરોળ !
ગોપ ગોપી ઓનો  છે ગણગોર !
કુમકુમ પગલા કર એલી કોર !
ટહુકા કરે જયાં જાજેરા મોર 
માખણ ચોર! ઓરે!નંદ કિશોર !
તારો નશીલો નખરાળો તોર!
----------------------------------

કાનમહી  એ કલકલતો 
વ્હાલ કાજે વલવલતો
છોગાળો છે છલછલતો
વેણુ નાદે ધલવલતો
-------------------------

એમ હુ કહેતી ફરુ છુ
કેમ હુ કહેતી  ફરુ છું.
વદે છે કાનમાં  કાનો !
તેમ હુ ચહેકતી ફરુ છું.
------------------------

દખ ભલે ખોળતા 
વખ નથી ઘોળતા
કાનજી મટુકી ફોડતા
માખણ અમે ખોળતા
----------------------

★ભાર કેમ લાગે?★ 
★ખુલ્લા આકાશ મહી ભમતી આ વાદળી ને ,પાણી નો ભાર ન લાગે!
★ઝૂલતાં ખિલતાં પાતલડી  આ ડાળી ને ,ફૂલનો ભાર ન લાગે !
★વન ને શહેરમાં વિહરતાં વિચરતા
આ સમીરને , વિહારનો થાક ન લાગે !
★કૂખ માં ઊછેરતી ભાર લઈ ને જીવતી માતા ને , બાળ નો ભાર ન લાગે !
★ડાળ ડાળ રમતાં માળાઓ બાંધતા  આ પંખીનો  વ્રૃક્ષને ભાર ન લાગે !
★સમીરના સપાટા સહેતી પાતલડી ડાળી ને , આ ફૂલનો ભાર ન લાગે !
★ટાઢ તાપ વર્ષા સહેતા આ વ્રૃક્ષો ને
પંખી નો ભાર ન લાગે !
★ઊભા અડિખમ ઊચા વિશાળ આ મેરુ નો ધરતી ને ભાર ન લાગે 
★ખળ ખળ વહેતી સુખે થી
સહેલતી  આ સરિતા ને , માછલી નો ભાર ન લાગે!
★રોજ રોજ ભાગતાં ઝગમગ કરતાં  આ સૂરજને  કિરણો નો ભાર ન લાગે !
★અગણિત તારામંડળની આ ટોળીનો આ આભ ને ભાર ન લાગે!
★હાથ પગ હામ ને હરખ ભર્યા મન તોય ,આ માનવી ને જીવતર નો
ભાર કેમ  લાગે????? 
★નીજનો જ નીજ ને ભાર કેમ લાગે ?????
----------------------------------------------------------------------

છપ્પનની છાતીનો સાવજ ભારતવર્ષ નો વીર છે.
દૂશ્મનની બુરી નઝર પર સણસણતી શમશીર છે.
સાવજડા ની ત્રાડ પડે ,  
થરથરતુ વનરાવન છે.
કેસરીયા ની થાપ પડે
ધણધણતું સમરાંગણ છે.
રક્ષા કાજે દેશની વેઠયો 
વગડો નેરણ રણ છે.
રોમરોમ દેશ દાઝ ભૂકે
 વહાલો માટી નો કણ છે
--------------------------------

                         ચાંદ કહી આવે રોજ પ્રિયાને
વીર ની આંખ્યુ માં નીર છે.
દુનિયા જાણે ભડકેે બળતી
  સરહદે ભડવીર છે.
-------------------------------

                         દૂર દિસે છે રામજી મારા દૂર દિસે છે રામજી !

સંગ દિસે છે કોઇ હરિ ના ,સરી રામ વીર લખનજી !દૂર..

સૂરજ દેવ જરી વાર ઝગો હુ  નિરખી લઉ મારા

રામજી !

આજ પધારે કાલ પધારે મારા રુદિયા  ના

અભિરામજી ! દૂર..


વાદળીયા જઈ જાણ કરો ,શબરી ની દશ કયે ભોમજી! 

વાટ જરી ના પલળે વાટુ યે ભણે ૬છે આવો રામજી !રધુવરજી ! દૂર દિસે છે રામજી !


વાહરીયા વહી મહેક ધરો પધારે  પિયારા. રામજી !આલી કોર વળો આલી કોર ફરો !ઓ શબરી ના સરી રામજી ! દૂર...


વંટોળિયા બાપ શાતા ધરો કણ કણ પાવન કરે રામજી ! ફૂલડિયા ને રામ રેવા દઈજો કોમલ કદમ મારા રામજી !દૂર ...

ફળ ફૂલ હુ તો રોજ વીણુ ને રોજ જમે મારા રામજી!

દિન થયો ઉજમાળો આજ સાક્ષાત પધારે સ્રી રામજી! દૂર...


આસુડાં જરી પાછા વળો ચરણા પખાડવાના કામજી !

શબરી કેરો મોક્ષ કરાવવા આવી રીયા સરી રામજી!

દૂર...


નયણે થઈ વહ્યુ હાથ ન હૈયુ  કરે નવ કહ્યુ  રામજી!

આરતી ઉતારુ ભોગધરુ કે  ચરણા પખાળુ રામજી!

હૈયું કહે કે નિરખ્યારી આ અંધ નયણે મારા રામજી!

મારા રામજી ! મારા રામજી! મારા રામજી !

વર્ષા તલસાણીયા



Saturday, August 20, 2016

Vinod Manek 'Chatak' 's Gazals(વિનોદ માણેક 'ચાતક' ની ગઝલ રચનાઓ)

હોય શ્રધ્ધા ને સબુરી સાથમાં
સાંઈને પામી શકો પળવારમાં.

એમ એ તલવાર જેલની નમી
એકતારાના અહો રણકારમાં.

જે નમે છે તે પ્રભુને પણ ગમે
જે અહમ્ આ છૂટશે સંસારમાં.

ના અમારું ન તમારું કૈં અહીં
રામની છે આ રમત દરબારમાં.

ચાલ 'ચાતક' પામવા હો રામને
નામ સ્મરણ થાય જો ધબકારમાં.
-------------------------------------

તું ભાર લૈ શાને ફરે, ઠાકર કરે ઇ ઠીક છે,
સંસાર છે ચાલ્યા કરે, ઠાકર કરે ઇ ઠીક છે.

અટકળ બધી છે ગાંઠ વાળી રાખજે ના તું કદી,
ને સત્ય બીજું પણ ઠરે, ઠાકર કરે ઇ ઠીક છે.

લૈ કૈંક ક્ષણે મેં તને હે જિંદગી ચાહી હશે,
છે, આયખું તો એ સરે, ઠાકર કરે ઇ ઠીક છે.

તડકાં અને છાયાં બધું આવ્યા કરે આ માર્ગમાં,
શાને બધી ચિંતા કરે, ઠાકર કરે ઇ ઠીક છે.

ખાધી હશે કૈં ઠોકરો, રસ્તો મુસાફરને કહે,
રસ્તો પછી મંઝીલ ધરે, ઠાકર કરે ઇ ઠીક છે.

જો હોય પ્રગટાવ્યો તમે દીપક કદી શ્રધ્ધા તણો,
એ જ્યોતમાં દિવેલ ભરે, ઠાકોર કરે ઇ ઠીક છે.

શબરી સમી પ્રતિક્ષા હશે તો રામ દ્વારે આવશે,
તો મોક્ષને જીવ આ વરે, ઠાકર કરે ઇ ઠીક છે.
-----------------------------------------------

રંગમાં હું ગુલાલ થૈ આવું
સ્વર, લય સંગ તાલ થૈ આવું.

શબ્દ છું એમ કેદના થાઉં
નાદ આ બ્રહ્મ ખ્યાલ થૈ આવું.

તેજ એવું મળે, તિમિરના હો
જ્યોત એવી કમાલ થૈ આવું.

રાહ સાજન તણી સદા જોઈ
સર્વ વ્યાપી સવાલ થૈ આવું.

ગોપી -ગોપી ફરી ચાહે તો
 વ્રજનો હું લાલ થૈ આવું.
-------------------------------

બધાંને સતત આ નગરમાં ઉતાવળ.
દિવસ - રાત સરખી સફરમાં ઉતાવળ.

વિરહમાં ઉતાવળ, મિલનમાં ઉતાવળ,
મળી ના મળી ત્યાં નજરમાં ઉતાવળ.

ઉતાવળ હવામાં, ઉતાવળ ઘટામાં,
ચમનની ગુલાબી અસરમાં ઉતાવળ.

છપાતી રહે છે, ભૂલાતી રહે છે,
ખુશી - ગમ ભરેલી ખબરમાં ઉતાવળ.

ઘડીનાં ટકોરે મહોબ્બત રચાશે,
જિગરમાં, નજરમાં,અધરમાં ઉતાવળ.

ઉતાવળ ભરી છે, જગતની પળો આ,
જનમ - મોત, ઘર ને કબરમાં ઉતાવળ.
------------------------------------------

અફવામાં શું છે સચ્ચાઈ, ના હું જાણું ના તું જાણે
દરિયાની શી છે ગહેરાઇ, ના હું જાણું ના તું જાણે.

આમે પામી શક્યુ છે શું તારી માયા હે હરિ !
કેવી છે આ અખિલાઇ, ના હું જાણું ના તું જાણે.

ચાદર વણતાં વણતાં નામ તમારું વણી લીધું'તું
કેવી છે આ કબીરાઇ, ના હું જાણું ના તું જાણે.

રાધા ગોતે વ્રજમાં, મીરા જોગન થૈને ફરતી
તારી લીલા કન્હાઇ,ના હું જાણું ના તું જાણે.

આમે 'ચાતક' નજરે નિરખી, અનારાધારી વરસ્યો'તો
તરસી કેવી તન્હાઇ, ના હું જાણું ના તું જાણે.

વિનોદ માણેક 'ચાતક'
-----------------------------------------------







Monday, August 15, 2016

Tarahi Mushayaro(તરહી મુશાયરો) Date : 14/08/2016


જરા ન્યારી

પ્રેમની આ કથા, જરા ન્યારી**
ઝૂરવાની પ્રથા, જરા ન્યારી

કાન આઞળ ધરી દિવાલોમાં
સાંભળી છે વ્યથા, જરા ન્યારી

કેમ જોગણ બની જતી મીરાં?
એ હતી આસથા, જરા ન્યારી

રોજ ફરતા ફરો બની નારદ,
ત્યાં સુરોની ત્યથા જરા ન્યારી.

નાર સૌની રિસાય તો બોલો!
વાત છે સર્વથા, જરા ન્યારી
==================
ત્યથા= ચિંતા (તડપદી શબ્દ)
પિનાકીન પંડ્યા
---------------------------

પ્રેમની આ કથા જરા ન્યારી,**
દર્દની પણ મજા જરા ન્યારી.

હોય તું અપ્સરા ભલેને, હશે,
પણ મને મારી 'મા' જરા ન્યારી.

કાંઈ નહિ તો એ દર્દ આપે તો છે !!
તુજથી છે 'બેવફા' જરા ન્યારી.

'હા' કહે ને વચન તું પાળે ના,
એના કરતા તો 'ના' જરા ન્યારી.

બીજી સૌ ફોક જાય પણ 'પ્રત્યક્ષ',
સૌમાં માની દુઆ જરા ન્યારી.


રવિ દવે 'પ્રત્યક્ષ'
-----------------------------------------

"શબ્દો માં પ્રેમ" 

દર્દ સાથે રહેવાની યારી... 
"પ્રેમ"ની આ કથા જરા ન્યારી...**

ફૂલ ને ઊગીને ખરી જાવું... 
વાંક માં આવી જાય છે ક્યારી... 

આપ જો આવો આ હૃદયમાં તો...
બાનમાં લેવાની છે તૈયારી... 

ના અમારી કે ના તમારી છે... 
વાત આ બંન્નેની છે સહિયારી... 

યાદ તુજને રહી જશે કાયમ... 
"પ્રેમ" જ્યારે ગઝલ લખે પ્યારી... 

વિજય ચૌહાણ "પ્રેમ"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
------------------------------------------------------

મેળવી છે વ્યથા જરા ન્યારી,
પ્રેમ ની આ કથા જરા ન્યારી.**

આપને સ્પર્શીને આવી છે,
એ જ તો છે હવા જરા ન્યારી.

દુર્દશા છે જ ચાલતી ભારી,
આપજો બે દુઆ જરા ન્યારી.

આપ આવી મળો મને તો તો-
પાડવી છે પ્રથા જરા ન્યારી.

આપના હોય જો મિલનમાં તો,
પામવી છે વ્યથા જરા ન્યારી.

કોઈ મરમી ને પૂછજો જઈને,
પ્રેમ ની છે દવા જરા ન્યારી.

આપનો સાથ હોય ઓ જગ ને,
દાખવીએ વફા જરા ન્યારી.

જીતેન્દ્ર ભાવસાર 
-----------------------------------------------

એમની આ જફા જરા પ્યારી,
પ્રેમની  આ  કથા  જરા ન્યારી.

છે  બધા  સુખ  એમનાં  ફાળે,
રાખશું આ  વ્યથા  સહિયારી.

ભૂલ  હિસાબમાં  ન  ચાલે  કૈં,
પ્રેમ થી  પ્રેમ ની  પ્રથા   સારી.

તું ફગાવી  બધી  શ્રધ્ધા   તારી,
રાખ માનવ મહીં આસ્થા યારી.

રંગ  સંબંધ ના    હજું   તાજા ,
ખીલશે ફૂલની  સર્વથા   ક્યારી.

મનીષા જોબન દેસાઇ
--------------------------------------

પ્રેમની આ કથા જરા ન્યારી**
બાગની એ હવા જરા ન્યારી..

આવ ને આજ તરબતર કરજે,
હું  અને તું   ઘટા  જરા  ન્યારી.

ભેદ ભુંસી બધા ભરમના ચાલ,
કરમની આ કથા  જરા  ન્યારી.

ચાર   ફેરા   ફરી,  સફર  સાથે,
આદરી  વારતા  જરા  ન્યારી.

સાત ભવ તો 'રમેશ' છોડી દ્યો,
એકની  છે મજા  જરા  ન્યારી.
     
રમેશ છાંગા
----------------------------------

--------------------------------------


------------------------------------
પ્રેમની આ કથા જરા ન્યારી,**
તું મને જાનથી ગઈ વારી.

ચૂકવીને હિસાબ બેઠો છું,
તોય આ કેટલી છે ઉધારી?

દર્દ તારા બધા મને લાગે,
લાગણી છે જરાક સહિયારી.

કામ મારા બધા જ પૂરા છે,
મોતની આજકાલ તૈયારી.

મોત 'આભાસ' આવતા આવે,
આ કબર કેમ આજ શણગારી?

આભાસ
------------------------------
પ્રેમની આ કથા જરા ન્યારી** 
આજ કર તું વફા જરા ન્યારી 

કોણ સાચું અહીં ફરીથી કે ?
છે વ્યથાની વ્યથા જરા ન્યારી 

રાખજે તું એ શ્રદ્ધા બધા પર 
લાગણીની હવા જરા ન્યારી .

મૌન ને પાળજે જરા દિલથી 
પ્રેમની છે ઘટા જરા ન્યારી.

છે રદીફ કાફિયા જુદા આજે ;
છે ગઝલની પ્રથા જરા ન્યારી.

કવિ જલરૂપ 
--------------------------------

સ્વપ્નવત આ ખતાં જરા ન્યારી,
પ્રેમની આ કથા જરા ન્યારી..**

શબ્દનો જયાં અભાવ,ખાલીપો,
મૌનની આ વ્યથા જરા ન્યારી..

શક્યતાનું મળે ન કો' કારણ,
વ્હેમની આ પ્રથા જરા ન્યારી..

પુષ્પ કેરો થઈ રહે શૃંગાર,
ઓસની આ યથા જરા ન્યારી.

વ્યક્તતાનો પ્રભાવ છે ન્યારો,
હું,"તૃષા",તું. તથા...જરા ન્યારી..

પૂર્ણિમા ભટ્ટ -તૃષા..
--------------------------------

પ્રેમની આ કથા જરા ન્યારી,**
આ પુરાણી પ્રથા જરા ન્યારી.

વેદની વાતો કરો પઢૉ પોથી,
શબ્દમાં છે વ્યથા જરા ન્યારી.

વારતા કેવળ લખો અધૂરપની,
પૂર્ણતા ઝંખે જફા જરા ન્યારી.

આપણામાં આપણું ઘટે હોવું,
જાત સાલી ખફા, જરા ન્યારી.

એમને આલાપ આપ હોંકારો,
જેમની સૌ અદા જરા  ન્યારી.

ચિંતન મહેતા - આલાપ 
--------------------------------------------------------

Friday, August 12, 2016

Sandip Vsava 'Shahadat Mirza' 's Gazals(સંદિપ વસાવા 'શહાદત મિર્ઝા' ની ગઝલ રચનાઓ)

તારી યાદ 

પ્રણયની  ખુશ્બુ  તારી આ  ચમનમાં  રોજ આવે છે,
હશે  તારી  જ  આત્મા જે  સુમનમાં  રોજ આવે છે.

લઈ   ને   આસમાને     પ્રેમનો   પૈગામ   ઉડતું   એ,
નથી  પંખી  છતાં   મારા   ગગનમાં  રોજ આવે છે.**

જરા   સમજાવ   તારી   યાદને  એ  પ્રેમના  બ્હાને,
ઘડીએ   ને  ઘડી પ્યારા   દમનમાં   રોજ   આવે  છે.

નથી   વિશ્વાસ    લોકોને   હજી   તારા મરણનો પણ,
તને    જોવા   એ    દીવાના   વતનમાં  રોજ આવે છે.

કહેતી   તું   હતી    કે  પ્રેમ   કોઈ  'દિ  હતો   જ  નૈ,
મજારે  આ  'શહાદત' જો   નમનમાં  રોજ  આવે છે.

**તરહી મિસરો 
---------------------------------------------------

નશામાં લખીએ

શબદને  વહેતી  હવામાં   લખીએ,
ગઝલ એક આજે નશામાં લખીએ.

દરદ  જો  કશાનું  રણકતું  હશે તો,
શરાબીપણાની   દશામાં   લખીએ.

ખુદા સાંભળે  શબ્દની સાધના  તો,
ગઝલ એક આજે દુઆમાં લખીએ.

કસક  આપનારા  જરા  માપમાં  રો',
દરદ પણ અમે તો મજામાં   લખીએ.

ગઝલકારની  તો  દવા   છે  દરદની,
ગઝલ  એ  દરદની  દવામાં  લખીએ.
-----------------------------------------

શબ્દ તો છે ધર્મ

કલ્પનો દોડે  પછી   દોડ્યા   કરો,**
સત હકીકતને પછી  શોધ્યા   કરો .

પથ્થરો  પાછળ   તમે  દોડો  નહીં,
ઈશ  કેવલ  તન મહીં  ખોળ્યા કરો.

દિલ  અમારું  કાચ   જેવું;  ને  તમે-
કાં   ઘડીએ   ને  ઘડી  તોડ્યા  કરો !

છે ઘણી અઘરી ગઝલ ઓ કાફિયા
સાથ ક્યાં  કપરી ક્ષણે છોડ્યા કરો ?

શબ્દ તો છે  ધર્મ  આ  કવિલોક નો
આ કલમ  શ્યાહી મહીં બોળ્યાં કરો 

**તરહી મિસરો 
--------------------------------------------

જાતને સત્યમાં બાળી જુઓ

વીરડો શ્રદ્ઘા થકી  આ  રેત  માં ગાળી જુઓ,**
રેત આ તન પર ઘસીને દેહ અજવાળી જુઓ.

પ્રેયસીના   રૂપને   શબ્દો  મહીં  ઢાળી  જુઓ,
એ પછી ઘાયલ થયેલાં શબ્દ સંભાળી  જુઓ.

તે  પરી  સંગાથની  એ  રાત  રઢિયાળી જુઓ,
ને  વિના  એ  રાત એના સંગની  કાળી  જુઓ.

આ મહેફિલમાં પહેલાં જે હતી  રોનક  જુઓ ,
એ ગઈ  ત્યારે   પડી  કૈં  કેટલી  તાળી જુઓ !

કાગળો ને આ ગઝલ પળમાં તમે સૌ  બાળશો,
આ વિચારો જો બળે તો શોખથી બાળી જુઓ!

ફૂલ  ખીલવતો   અને  પોતે જ એ  તોડી  જતો,
આ નિયમ એ કાળનો  સંભાળતો  માળી જુઓ!

માનશે  'સંદિપ'  કરેલા   સૌ  ગુનાઓ   પ્રેમથી,
પણ તમે પણ જાત ખુદની સત્યમાં બાળી જુઓ.

**તરહી મિસરો
--------------------------------------------------

હવે એ વાત પર તારી, બધો આધાર રાખે છે,**
કતલ  માટે  હવે   મારા, તું કેવી ધાર રાખે છે.

છે નક્કી હાર મારી પણ, રહી છે ઔપચારિકતા,
અજિત એવા નયનમાં તું સદા હથિયાર રાખે છે.

તું શું રુપ સુંદરી છે કે પછી છે યુદ્ધની સૈનિક ?
કટારી આંખમાં ને દિલ મહી શણગાર રાખે છે

તબીબો પણ હવે હારી ગયા મારો મરજ જોઈ
બચી તું એક  ચારાસાજ*  જે  ઉપચાર રાખે છે

ગઝલમાં મેં લખી કાયમ 'તને' જ પ્રેમથી 'સંશમિ',
ગઝલમાં  શબ્દનો સુંદર, તું છાંદસ ભાર રાખે છે.

**તરહી મિસરો
*चारासाज
वि० [फा० चारः साज] [भाव० चारासाजी] विपत्ति के समय सहायता देकर दूसरे का काम बनानेवाला
----------------------------------------------------

સંદિપ વસાવા 'શહાદત મિર્ઝા'


Tuesday, August 9, 2016

Ramesh Chhanga's Gazals(રમેશ છાંગા ની ગઝલ રચનાઓ)

વાત કરવાની તડપ લાગી મને,
ને  થપડ  તારી કડક લાગી મને.
   
આમ તો તેં ભાવ-તાલો બહું કર્યા,
પણ મફતમાં એ ચંપલ લાગી મને.

નાકમાં  તારે  વરસતી  વાદળી,
જોઇ  આગાહી  ખરી  લાગી  મને.

દસ  અમાસો  એકઠી આજે મળી,
વાહ,  તારા   રુપની  લાગી  મને.

નામ  તો  મોઢે નથી એનો 'રમેશ',
ગામઠી વઢકણ છોરી લાગી મને.
-----------------------------------

વેલણ અને વચનથી કેમ વાર કરો છો,
કાયમ તમે અમોને એમ ઠાર કરો છો.

ટાયર ફરે છે જેમ એમ ફેર ફરો છો,
ધાંધલ જરા મચાવી જીદ્દ પાર કરો છો.

પ્હેલા હતા હવે નથી તમે પણ એવા,
આખો વરસ કાં માંગણીનો માર કરો છો ?

ચોખ્ખા કરું કે ભાત રાંધું રોજ નો છે પ્રશ્ન,
ખીસ્સે તો લાખ ના હજાર બાર કરો છો.

નાજુક નમણાં નૈનમાં 'રમેશ' તો ફિદા,
જોયા પછી તો એજ કોડા ચાર કરો છો.
----------------------------------------

ખેલ અઘરા ખેલતો વેરીને વસમો વાર છું,
રંક જનના રોટલે ધધકેલ ઘી ની ધાર છું.

નંદ ઘેરે ઝુલતો નાનકડો નટ-ખટ બાળ છું,
કંસનો હું કાળ, પાંચાળીના ચિર હજાર છું

એ શહીદો સરહદે લીલુડા માથા વાવતાં,
હું સતીઓની કુખેથી ઉગતો આકાર છું.

કલ્પનાઓ કલ્પતા કવિઓ કેવા ઉંડાણથી,
છું હકીકત એ બધા કર્તાનો કર્તાકાર છું.

આભ ઓઢીને સુતેલા બાળકોમાં હું જ છું,
રામ હું, રહેમાન હું, ને ઈસુનો અવતાર છું.
---------------------------------------------

પથ્થરો ફેંકતા લોક ક્યાં શોરથી ?
ઉડતી જાય અફવા છતાં જોરથી.

ચાંતરે એક ડગલું ચડી ટોંચથી,
તો  પડે  હેઠ  પટકાઇને  જોરથી.

કાપસે  એ  તને જો ચડે તું નભે,
પંખ  તારે  નથી  ઉડતો  દોરથી.

પેસતા દુષણો ચાલ ધીમી ચલી,
છેવટે  છોડતા  છાલ  નૈ  છોરથી.

આ હવા પણ સુંઘે કોણ છે જાતનો ?
છે 'રમેશ' લાલ લોહી અહિં મો'રથી.
--------------------------------------

એક દિ' તું રાજ કર, મતદાન કર,
પંચ વર્ષી પાસ પર, મતદાન કર.

ભ્રમણાંનું  ભોય પર  વિનાસ કર,
સત્ય સાથે બાથ ભર, મતદાન કર.

લોભ, લાલચ, જૂઠથી આઝાદ છો,
વાહ-વાહી ને ના વર, મતદાન કર.

નાગરીક  નથી  કદીયે  પાંગળો,
છે બટન તૈયાર કર, મતદાન કર.

આંગળીને   આજ લે   અજમાવ તું,
રામ જેવું  રાજ ધર, મતદાન કર.
------------------------------------

શું વધારે લોડમાં હાલી ગયો ?
આ ખટારો ખોટમાં ખાલી થયો..

 રોડ રસ્તે બમ્પ મોટા ઠેકતો,
ઝાડવાને જાનથી મારી ગયો..

આંકતો એ લાલ લીટી લોનમાં,
કેસ ભરવા ખેસ પણ ખાલી થયો..

આર ટી ઓ એમ થોડો છોડસે !
ધીમે પગલે દંડવા દોડી ગયો..

છે ખટારું 'રામ' નું નહી ભુલતો,
ચાર કંધે ચોકડી મારી ગયો..
---------------------------------

ભીંતે બેસી કરતી ચકલી ચાળું,
મારે  મ્હેલે  આજે  કાં  છે  તાળું ?

બોલી ચીં-ચીં લાવો મારું  લાગું,
પાણી  કુંડું,   દાણાંનું    સરવાળું.

બાજર  ડુંડે   ખાતી  દાણું   દાણું,
ભાતો બાંધી કરતી ના ભોપાળું.

ટોળું  આખું  કરતું'તું   મનમાની,
ગોફણ પાંણા  ભાળી ઉડે ધાળું.

આવો  રામ  રહોને  મારા રદયે,
નગર અયોધ્યા જુઓ લટકે તાળું.
------------------------------------

ચાડી ખાતો ચાડીયો ચોપાની,
ને આ માણસ જાતે છે ખોપાની.

પાળો બાંધી રોકે વ્હેતા પાણી,
પણ પોતાની વાણી ના રોકાણી.

ડોલાવી ડુંગર ને આપે વાચા,
ચાલી જાતી ચારઆની ભોપાની.

ખીલે બાંધે વાછરડાને કાયમ,
બંધાતી ના પોતાની  તુફાની.

રામ' કહોને કોણ હવે ઉકેલે ?
નગર અયોધ્યા આંટી છે ઘુંટાણી.
-----------------------------------

સુતા ચાદર તાંણી ઇચ્છાઓની,
ખાણ ખરી ખોદાણી ઈચ્છાઓની.

દોડી દોડી થાકે થોડું આ મન ?
થકવે એને લ્હાણી ઇચ્છાઓની.

પાણી ભરતી પનીહારીને પુંછો,
મીઠુ  મલકે  રાણી ઇચ્છાઓની.

ચાળા કરતી, ચટકાં ભરતી કીડી,
મોર  ટહુંકે  વાણી  ઇચ્છાઓની.

રામ' રમાડે બાજી સઘળી આજે,
કાલે  થાસે  ઘાણી  ઇચ્છાઓની.
------------------------------------

આંગણે આવી ટહુંકે મોરલો,
દિલ બહેલાવી ટહુંકે મોરલો.

જાગતો આઠે પહોરે આજ પણ,
શ્વાસ થંભાવી ટહુંકે મોરલો.

દુર સુંધી પ્હોચતો લ્હેકો મધૂર,
શાન શોભાવી ટહુંકે મોરલો.

મોરલાને નાચવાના કોડ જો,
ઢેલ મલકાવી ટહુંકે મોરલો.

સીત્ સંગે રામ' પણ ભીંજાય જો,
નેહ  વરસાવી  ટહુંકે  મોરલો.
------------------------------------

ગગનને માપવાનું તું હવેથી છોડને પાગલ,
કરી લે માપ ગાગરનું, સાગર ને છોડને પાગલ.

દયાળું આપતો ના માપથી પાણી, પવન, ચેતન,
ગણીને જાપ એ મણકા તણાં તું છોડને પાગલ.

બનાવ્યો છે તને એણે, બનાવે કેમ તું એને ?
ભવાડા એ બધા ખોટા હવે તું છોડને પાગલ.

પહોંચે ઠેંસ ત્યારે યાદ આવે એક પ્યારી મા',
નમન તો ફકત છે એને બધુએ છોડને પાગલ.

જગતમાં લાવનારી છે જનેતા પ્રાણ પૂરનારી,
ભણાવે પાઠ જીવનના સવાલો છોડને પાગલ.
------------------------------------------------

ચાર આંખે મૌનનું મિલન થયું,
ચાર દિવાલો મળીને ઘર થયું.

વાયરાના વેગથી ખળ-ભળ થયું,
બારી સામે બારણું વઢકણ થયું.

યાદ એની આવતી'તી સોણલે,
આંખમાંથી એકલું ઝર-મર થયું.

છે છલો-છલ આ સરોવર આમતો,
પણ પનીહારી વગર નિર્જન થયું.

ગોપ-ગોપી, ક્હાન ને પુંછો 'રમેશ',
ગામડું તો ગાયથી ગોકુળ થયું.
---------------------------------------
  -રમેશ છાંગા
          -મમુઆરા (કચ્છ)

Wednesday, August 3, 2016

Manhar Mody-'Man' Palanpuri's Gazals (મનહર મોદી-'મન' પાલનપુરી ની ગઝલ રચનાઓ)

સ્થળ તો છે સ્થૂળ, બદલાયા કરે,
મોહ એનો રાખવો મિથ્યા ઠરે;

શું ખબર કે કેટલું ફરવું પડે !
જ્યાં રહો ત્યાં માનવું કે છો ઘરે.

વાત આખી છે ફકત બસ લાગણી,
બુધ્ધિ આડે એજ આવે આખરે.

એ જ સમજાતું નથી સંસારમાં,
કોણ આ દુનિયાનું સંચાલન કરે !

આપણે તો 'મન' મનાવી બેસવું,
જે થવાનું હોય તે થાતું ભલે.
-------------------------------------

ખબર પડતી નથી કે ક્યાં બધી મીઠાશ ચાલી ગઈ
થયા કડવા અનુભવ એટલા, કડવાશ વ્યાપિ ગઈ;

હશે મારી ખતા કે થઈ ગયા શત્રુ બધા મિત્રો,
સફળતા છેક આવી હાથતાળી કેમ  આપી ગઈ ?

અલગ એ વાત છે કે સાથ ના લાંબો સમય ચાલ્યો,
મને અફસોસ તો એ છે કે મારી વાત ખાલી ગઈ,

હજી પણ છે સમય તોસાચવીને ચાલજો નહિતર
પછી કહેશો કે સાલી જીંદગી આખી નકામી ગઈ

હકીકતમાં તમે સમજી ગયા મોઘમ ઈશારો પણ,
તમારી એ અદા 'મન' ને બરાબર હલબલાવી ગઈ.
--------------------------------------------------------

આશ બીજાની કરી બેસી રહે તો શું વળે !
સહાય ખુદ જાતે જ પોતાની ય તો કરવી ઘટે!

રાહ જોઈ કોઇ દી' બેસી સમય રહેતો નથી,
પહોંચવા મંઝીલ સુધી ચાલતા રહેવું પડે,

દુઃખને પંપાળતાં વધતું રહે છેવટ સુધી, 
જેમ હો દુષ્કાળ ને એમાં અધિક મહીનો વધે,

આફતોથી અાપણે તો કાયમી પાલો પડ્યો,
ચાલશે કેવી રીતે જો આફતોથી ડરે.

છે સમય પ્રતિકૂળ એવું 'મન' મનાવી બેસતાં,
ના કદી પણ આપણી ગમતી અનુકૂળતા મળે.
--------------------------------------------------

પડકારની પિસ્તોલથી યે ભાગતો નથી,**
નજરો ડરીને કોઇથી ઝૂકાવતો નથી,

ચારે તરફ રચતા ભલે ષડયંંત્ર દુશ્મનો ,
કપટી જનોથી હું કદી ભય પામતો નથી.

એવું બને કે મિત્રને મિત્રો જ મારતા,
એ કારણે મિત્રો ઘણા હું રાખતો નથી.

જાતે જ મારી જાતને હું સાચવી શકું,
આખા જગતનો ભાર હું ઊપાડતો નથી.

મારા વગર તો આ જગત સૂનું પડી જશે,
'મન'માં કદી એવું હજી વિચારતો નથી.

** તરહી ગઝલ 
--------------------------------------------
"વાતો"
તમે સામે જ હો છો તો કશી સુઝતી નથી વાતો,
નથી હોતા તમે ત્યારે કદી
ખૂટતી નથી વાતો.

ગમે ત્યાં જાવ પણ પીછો તમારો છોડશે ના એ,
છૂટી જાશે જગત તો પણ
કદી છૂટતી નથી વાતો

તમે ચાહે તમારી વાત ધરબી દો અતળતળમાં
ગમે ત્યાંથી ફૂટી જાશે ફરી,
છૂપતી નથી વાતો

ધુમાડો હોય છે ત્યાં આગ પણ લાગી હશે નક્કી 
અમસ્તી એમ કંઈ જાહેરમાં
ઉડતી નથી વાતો

ગમે છે તો જ રસ લઈને તમે પણ સાંભળો તો છો,
પછી 'મન' મારીને શાને કહો,
રુચતી નથી વાતો. 
--------------------------------------------------------------
મનહર મોદી -'મન' પાલનપુરી