હરિ તો હાલે હારોહાર…
હું જાગું ઈ પહેલાં જાગી ખોલે સઘળા દ્વાર
હરિ તો હાલે હારોહાર.
નહિતર મારાં કામ બધાં ના ઉકલે બારોબાર ?
હરિ તો હાલે હારોહાર.
ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ
પછી કહે થા મીરાં કાં ધર નરસૈંયાનો વેશ
હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર
હરિ તો હાલે હારોહાર.
વાતેવાતે ઘાંઘા થઈ થઈ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહ્લાદ
તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર
હરિ તો હાલે હારોહાર.
મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ
પ્હોંચ પ્રમાણે ખાટામીઠા પણ જે ધરતા પ્રાણ
એની હાટ્ડીએ હાજર ઈ કરવા કારોબાર
હરિ તો હાલે હારોહાર.
-કૃષ્ણ દવે
------------------------------------------------------------------------------------------------------
લખવા બેઠો છું
ધગધગતાં અંગારા જેવા શબ્દોને મુઠ્ઠીમાં પકડી જાત ઉપર લખવા બેઠો છું.
એમ કહોને વગર હલેસે સાત સમંદર પાર ઊતરતી વાત ઉપર લખવા બેઠો છું.
પ્લીઝ તમે પોતે જઈને સૂરજને એવું કહી દેશો કે કાલે થોડો મોડો ઊગે
શું છે કે હું પ્હેલીવાર જ આજ અચાનક આવી રીતે રાત ઉપર લખવા બેઠો છું.
ફૂલો આવ્યાં, રંગો આવ્યા, સુગંધ આવી, ભાત ભાતની પાંખો આવી
ત્યારે અમને ખબર પડી કે પતંગિયાની આખ્ખેઆખ્ખી નાત ઉપર લખવા બેઠો છું.
વૃક્ષ નામના તમે લખેલા મહાકાવ્યનું પંખીઓના કંઠે કેવું ગાન થાય છે ?
એ જ કહું છું એ જ તમે અમને આપેલી લીલીછમ્ સોગાત ઉપર લખવા બેઠો છું
વ્હાલુ વ્હાલુ દરિયાનું તું મોજું છે ને તો સમજી જા હમણાં કાંઠે નથી જવાનું
કારણ કે હું ત્યાં ઉઘડેલી નાની નાની પગલીઓની ભાત ઉપર લખવા બેઠો છું.
– કૃષ્ણ દવે
------------------------------------------------------------------------------------------------------
સ્માઈલ તો લાવો…
ધોધમાર ચોમાસું આંગણે ઊભું ને સાવ આ રીતે ક્યો છો કે ‘આવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
છલકાતી વાદળીને સ્ક્વેર ફૂટ માપીને આમ જ કહેવાનું ‘વરસાવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
સારા નસીબ છે તે સામે ચાલીને આવા અવસર ભીંજાવાના આવ્યા
બાકી તો આપશ્રીને વાછંટની જગ્યાએ આંખ્યુમાં તડકા ત્રોફાવ્યા
વીજળી ચમકે ને વળી વાદળ ગર્જે ને તમે ત્યારે પણ ક્યો છો ? ‘સમજાવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
ઝાકળ, ઝરણું કે નાનકડી લ્હેરખી શું ? અંતરથી આવકાર્યા કોઈને ?
વાદળ પર બાર ગાઉ છેટા ભાગે છે હવે બુંધિયાળ પડછાયો જોઈને
ઉપરથી નોટિસ ફટકારી કહો છો ‘નહીં વરસ્યા’ના કારણ દર્શાવો
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
– કૃષ્ણ દવે
--- ‘કવિતા’ સામયિકના ડિસેમ્બર,૨૦૧૪-જાન્યુઆરી,૨૦૧૫ તથા માર્ચ-એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર
વાહ, કવિ વાહ!
ReplyDelete