શબ્દ સાધકો

Monday, July 18, 2016

Dhruti Upadhyay's Gazals(ધૃતિ ઉપાધ્યાય ની ગઝલ રચનાઓ)

ભીતરે કૈં ખળભળે ત્યારે ગઝલ લખવી પડે*
ટેરવે કૈં રણઝણે ત્યારે ગઝલ લખવી પડે.

ઘા જરૂરી છે સતત આકાર મેળવવા અહીં,
રૂદિયે કૈં ચણચણે ત્યારે ગઝલ લખવી પડે.

હાથ ના હૈયું રહે,  દેખી પરાઈ પીડને,
લાગણી કૈં સળવળે ત્યારે ગઝલ લખવી પડે.

શ્યામની ભીતર સમાવા ઝૂરતી મીરાં સમો,
માંહ્યલો  કૈં ટળવળે ત્યારે ગઝલ લખવી પડે.

સત્ય કેરી વાટ ને લઇ પ્રેમ કેરું કોડિયું,
આતમા કૈં ઝળહળે ત્યારે ગઝલ લખવી પડે.

* તરહી પંક્તિ
----------------------------------------------------
હું રમલના છંદમાં રમતી રહી,*
ને ગઝલને રોજ ગણગણતી રહી.

ગાલગામાં ગોઠવીને બંદગી,
બસ પરમને પ્રેમથી ભજતી રહી.

મોહ,લાલચ,ક્રોધ,મદ ને કામ રૂપ,
સૌ અનલ સમ પાપથી ડરતી રહી.

બંધનો ને વળગણો ત્યાગી બધા,
હું અગમના રંગમાં ભળતી રહી.

દંભ શેનો? હું પણાનો રાગ શો?
આ જગતની પાસ હું નમતી રહી. 

* તરહી પંક્તિ
-----------------------------------------
સાથ છોડી ક્યા જનમનું વેર લે?*
ક્યાંક તો ક્યારેક મારી ખેર લે.

ગૂંચવાયા તાંતણાં સંબંધના,
એક સાંધું ત્યાં તુટે છે તેર લે.

સૌ રડે છે દુર્દશા મારી સુણી,
આંસુ એકાદું જરા ખંખેર લે.

આપ તું, એ આંખ ને માથા ઉપર,
તેં ધર્યું, મંજૂર સધળુ ઝેર લે.

સૌ કબૂલ સિતમ હવે જે તું કરે ,
'ધૃતિ'એ માથું ધર્યું, શમશેર લે.

* તરહી પંક્તિ
-------------------------------------------
આ સમયને સાંધવા તું એક ક્ષણ તો દે મને, *
ને પરમને પામવા તું એક ક્ષણ તો દે મને.

હાંફતી ધરતી સમી હું બોજ વેંઢારી બધા,
પાપને પડકારવા તું એક ક્ષણ તો દે મને.

ભાગ્યશાળી હું નથી મીરા-અહલ્યા ના સમી
જાતને ઉધ્ધારવા તું એક ક્ષણ તો દે મને.

શ્વાસના આવાગમનમાં ગઇ સરી આ જિંદગી,
આત્મઝાંખી પામવા તું એક ક્ષણ તો દે મને.

નીકળું ચાલી પલકમાં આખરી રસ્તે જવા,
શાશ્વતીને પામવા તું એક ક્ષણ તો દે મને.

* તરહી પંક્તિ
-----------------------------------------------
વીરડો શ્રદ્ધા થકી આ રેતમાં ગાળી જુઓ, *
ને પરમને સૃષ્ટિના કણકણ મહીં ભાળી જુઓ.

આવશે પડઘો ય સામો પ્રેમથી જો સાદ દો,
'હું પણા'ને કોર મૂકી અહમ ઓગાળી જુઓ.

ધૂપ,ઝાલર,આરતી,મણકા મહીં એ ક્યાં વસે?
દીવડો ભીતર જલાવી પોત અજવાળી જુઓ.

કાળજું પાષાણ નૈં , છે મીણ કરતાં પણ કુણું,
કોઈના આંસૂ થકી એનેય પીગાળી જુઓ.

બુદ્ધના રસ્તે જવાની એ જ તો પ્હેલી શરત,
વળગણોમાંથી જરા આ જાતને વાળી જુઓ.

* તરહી પંક્તિ
-------------------------------------------
ધૃતિ  ઉપાધ્યાય 

1 comment: