શબ્દ સાધકો

Wednesday, March 23, 2016

Shyam Thakor's Gazal(શ્યામ ઠાકોરની ગઝલ)

એક મુસલસલ ગઝલ

સોગન કાયમ જળના ખાતો
જળથી તારે શું છે નાતો 

પાષાણો છે એ શું બોલે 
જળને પૂછો જળની વાતો.

જળને આ શું થઈ ગ્યું પાછું 
કાં છે જળનો ચ્હેરો રાતો 

જળને ડ્હોળી નાંખ્યું કોણે 
કોણે મારી જળને લાતો 

જળ તો ભોળું, જળ શું જાણે
જળને માથે જળની ઘાતો

– શ્યામ ઠાકોર

Monday, March 21, 2016

Poem for World Poetry Day - 21st March(વિશ્વ કવિતા દિવસ ની રચના)


Amrut "Ghayal"'s Poetry(અમૃત ઘાયલની રચના)




અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ઘાયલ
-----------------------------------------------------------------------------------------
કેમ ભૂલી ગયા? દટાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું
આ ઈમારતનો હુંય પાયો છું

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું
અડધોપડધો જ ઓળખાયો છું

વિસ્તર્યા વિણ બધેય છાયો છું
હું અજબ રીતથી ઘવાયો છું

આમ તો એક બિન્દુ છું કિન્તુ
સપ્તસિન્ધુથી સંકળાયો છું

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો
ચન્દ્રની જેમ ચોડવાયો છું

વઢ નથી વિપ્ર, આ જનોઈનો
આમ હું આડેધડ કપાયો છું

રામ જાણે શું કામ હું જ મને
સર્પની જેમ વીંટળાયો છું

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે
હું ય મારો નથી, પરાયો છું

સાચું પૂછો તો સત્યના પંથે
ખોટી વાતોથી દોરવાયો છું

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને
આપ મેળે જ ઊંચકાયો છું

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’
શૂન્ય કરતાં તો હું સવાયો છું


– અમૃત ‘ઘાયલ’

Saturday, March 19, 2016

Shunya Palanpuri's Gazals(શૂન્ય પાલનપુરીની ગઝલો)


તમારા પ્રતાપે બધા ઓળખે છે

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે

– શૂન્ય પાલનપુરી
--------------------------------------------------------------------------------------------------------------
કોણ માનશે

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો
પીડા જ રામબાણ હતી, કોણ માનશે

આપી ગઈ જે ધાર જમાનાની જીભને
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે

– શૂન્ય પાલનપુરી

Thursday, March 17, 2016

Aadil Mansuri's Gazal(આદિલ મન્સૂરીની ગઝલ)

ગઝલ

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– આદિલ મન્સૂરી

Ramesh Parekh's Poetry(રમેશ પારેખની કવિતા )



ભાષાની ધા

મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે
છતાંય એ નજરાઈ ગયા કૈં એવું સૂકુંલીલું રે

દાદા ઉમાશંકર દોડો, હણહણતાં જળ લાવો રે
શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભીંજાવો રે

કહો, નિરંજનકાકા, આ તે કપટ થયાં છે કેવાં રે
તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે

રઘુવીર, તમ જેવા મૂછડ ભાઈ છતાં આ થાતું રે
શબ્દો સાથે છનકછિનાળાં કરે સકળ ભાયાતું રે

સુરેશ નામે જોષી, જુઓ જોષ કુંડલી દોરી રે
શા માટે આ શબ્દોમાંથી વાસ આવતી ખોરી રે

કરો વૈદ્યશ્રી ઉર્ફે લાભશંકર ઠાકર ચિકિત્સા રે
શબ્દોને શા વ્યાધિ છે કે થાતા ચપટાલિસ્સા રે

મણિલાલ, પ્રિયકાંત, રાવજી, જગદીશે જે માંજ્યા રે
છતાં શબ્દનાં કાળાંભઠ્ઠ પોલાણ હજી ના ભાંજ્યાં રે

રસ્તે ક્યાં હે મનહર, ચિનુ, સરૂપ, કિસન સોસા રે
શબ્દો મારા ટ્રાફિકમાં અડવાઈ ગયેલા ડોસા રે

રમેશ જેવો રાબડબૂસો કરતો કૈં કૈં ખેલો રે
અને/એટલે/અથવા મારો પાલવ થાતો મેલો રે

નયન, નિરંકુશ, પ્રફુલ્લ, પન્ના, વિપિન, શેખડીવાળા રે
શબ્દોના અંધારગર્ભમાં કરશોને અજવાળાં રે ?

– રમેશ પારેખ

Wednesday, March 16, 2016

Krushna Dave's Poetry(કૃષ્ણ દવે ની કવિતા)

હરિ તો હાલે હારોહાર…

હું જાગું ઈ પહેલાં જાગી ખોલે સઘળા દ્વાર
હરિ તો હાલે હારોહાર.
નહિતર મારાં કામ બધાં ના ઉકલે બારોબાર ?
હરિ તો હાલે હારોહાર.

ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ
પછી કહે થા મીરાં કાં ધર નરસૈંયાનો વેશ
હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર
હરિ તો હાલે હારોહાર.

વાતેવાતે ઘાંઘા થઈ થઈ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહ્‍લાદ
તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર
હરિ તો હાલે હારોહાર.

મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ
પ્‍હોંચ પ્રમાણે ખાટામીઠા પણ જે ધરતા પ્રાણ
એની હાટ્ડીએ હાજર ઈ કરવા કારોબાર
હરિ તો હાલે હારોહાર.

-કૃષ્ણ દવે
------------------------------------------------------------------------------------------------------

લખવા બેઠો છું 

ધગધગતાં અંગારા જેવા શબ્દોને મુઠ્ઠીમાં પકડી જાત ઉપર લખવા બેઠો છું.
એમ કહોને વગર હલેસે સાત સમંદર પાર ઊતરતી વાત ઉપર લખવા બેઠો છું.

પ્લીઝ તમે પોતે જઈને સૂરજને એવું કહી દેશો કે કાલે થોડો મોડો ઊગે
શું છે કે હું પ્‍હેલીવાર જ આજ અચાનક આવી રીતે રાત ઉપર લખવા બેઠો છું.

ફૂલો આવ્યાં, રંગો આવ્યા, સુગંધ આવી, ભાત ભાતની પાંખો આવી
ત્યારે અમને ખબર પડી કે પતંગિયાની આખ્ખેઆખ્ખી નાત ઉપર લખવા બેઠો છું.

વૃક્ષ નામના તમે લખેલા મહાકાવ્યનું પંખીઓના કંઠે કેવું ગાન થાય છે ?
એ જ કહું છું એ જ તમે અમને આપેલી લીલીછમ્‍ સોગાત ઉપર લખવા બેઠો છું

વ્હાલુ વ્હાલુ દરિયાનું તું મોજું છે ને તો સમજી જા હમણાં કાંઠે નથી જવાનું
કારણ કે હું ત્યાં ઉઘડેલી નાની નાની પગલીઓની ભાત ઉપર લખવા બેઠો છું.

– કૃષ્ણ દવે

------------------------------------------------------------------------------------------------------
સ્માઈલ તો લાવો…

ધોધમાર ચોમાસું આંગણે ઊભું ને સાવ આ રીતે ક્યો છો કે ‘આવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
છલકાતી વાદળીને સ્ક્વેર ફૂટ માપીને આમ જ કહેવાનું ‘વરસાવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો

સારા નસીબ છે તે સામે ચાલીને આવા અવસર ભીંજાવાના આવ્યા
બાકી તો આપશ્રીને વાછંટની જગ્યાએ આંખ્યુમાં તડકા ત્રોફાવ્યા
વીજળી ચમકે ને વળી વાદળ ગર્જે ને તમે ત્યારે પણ ક્યો છો ? ‘સમજાવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો

ઝાકળ, ઝરણું કે નાનકડી લ્હેરખી શું ? અંતરથી આવકાર્યા કોઈને ?
વાદળ પર બાર ગાઉ છેટા ભાગે છે હવે બુંધિયાળ પડછાયો જોઈને
ઉપરથી નોટિસ ફટકારી કહો છો ‘નહીં વરસ્યા’ના કારણ દર્શાવો
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો

– કૃષ્ણ દવે

--- ‘કવિતા’ સામયિકના  ડિસેમ્બર,૨૦૧૪-જાન્યુઆરી,૨૦૧૫ તથા માર્ચ-એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર

Tuesday, March 15, 2016

Barkat Virani "Befam"'s Gazal(બરકત વીરાણી ‘બેફામ’ - ગઝલ)

દશા સારી નથી હોતી

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી.

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઈ પણ જગા સારી નથી હોતી.

– બરકત વીરાણી ‘બેફામ’

Monday, March 14, 2016

Ketan Mehta "Akhand"'s Poetry( કેતન મેહતા.'અખંડ' )


વચન છે એ વતન તારા રખોપા પ્રાણ દઈ કરશું,
ઉદય ભારત તને આ પ્રાણ નો હા ભાણ દઈ કરશું.

ધરાની લાજ ખાતર તો રમી જાશું હવે હોળી,
હિમાલય થૈ ઉભા રહેશું હૃદય માં જેલશું ગોળી.
ધરા તારા રખોપા દેહ ના આ દાન દઈ કરશું,

ઉદય ભારત તને આ પ્રાણ નો હા ભાણ દઈ કરશું.

જવાની કામની એ શું, વતન પર ના લુટાંઉ તો,
જીલીને એક ગોળી ઉંર મહી ના દશ હટાંઉ તો.
તિરંગાને અમે ઉંચો અમારી ભાન દઈ કરશું,

ઉદય ભારત તને આ પ્રાણ નો હા ભાણ દઈ કરશું.

અમારી લાશ ને નવડાવશું આ રક્ત ની સાથે,
'અખંડ' આ દેશ ખાતર તો લડીશું વક્ત ની સાથે,
અમર આ શાન તારી હર ઘડી આ જાન દઈ કરશું,

ઉદય ભારત તને આ પ્રાણ નો હા ભાણ દઈ કરશું.

--- કેતન મેહતા.'અખંડ' 
---------------------------------------------------------------------------

હઝલ



આ હૃદયની જે અહી એન્જલ હતી,

છોકરી એ સાવ ભૈ મેન્ટલ હતી.



હું સમજતો કિક એને ભાગ્યની,
સાયકલનું માત્ર એ પેન્ડલ હતી.

એમ લાગ્યું નામના હું પણ કરીશ,
એ બની પહેલાજ તો સ્કેન્ડલ હતી.

હું સમજતો આસ્થા જેવી પરંતુ,
એમ TV નામની ચેનલ હતી.

જિંદગી ખોટા ભરમ માં ગઈ હતી,
કોણ જાણે કઈ મળી પેનલ હતી.

--- કેતન મેહતા. ‘અખંડ’

Ravi Dave"Partyaksh"'s Gazal(રવિ દવે "પ્રત્યક્ષ"ની ગઝલ)


--- રવિ દવે (પ્રત્યક્ષ)
---------------------------------------------------------------

--- રવિ દવે (પ્રત્યક્ષ)

Poetry(સંકલિત કવિતા)

નોંધ : પ્રસ્તુત રચનાઓ ના કવિ-લેખક વિષે આપ જાણતાં હો તો તેમનું નામ COMMENT માં લખવા નમ્ર વિનંતી

કાળજાના કાળા મારા મંદિરે આવે દર્શન કરવા ઘડી ઘડી
બે હાથ જોડી ને મસ્તક નમાવે પેટ માં પાપ સંતાડી
મહેલાતુ વાળા મારા મંદિરે આવે ઉભી રખાવે સામે ગાડી
પાપનાં પૈસાનો પ્રસાદ લાવે ધરે છે મારી અગાડી
એવાના દેખતા આરતી ઉતારે મારી તુ ટોકરી વગાડી
એના નાણાના ધીના દીવડા દે છે મારા દીલડાને દઝાડી
ઉપરથી ઉજળાને અંદરથી મેલા કામી પ્રપંચી કબાડી
તુલસીને ફુલ તારે ચરણે ધરાવે અભડાવે હાથ ને અડાડી
અહી આવીને આંસુડા સારેને ઉપરથી દીનતા દેખાડી
ગોવિંદના નાથ કહે મારા હાથમાં સાચા ખોટાની છે નાડી

--- અજ્ઞાત 
--------------------------------------------

જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર
એક વાર ફરી મળી લેવું છે જૈ સામેથી ધરાર

એક વાર કડકડતી ઠંડી રાત મહીં અંધારી
ધડધડ મેં કીધ બંધ બારણું ધડાક વાસી બારી

અંદર લઈ લેવાં છે સૌને રહી ગયાં છે બ્હાર
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર

તે તે ઘર સામેથી જઈને બોલવું છે બોલાવી
ખોલી મૂકવું છે હૈયું મુજ એમનું યે ખોલાવી

ક્ષમા કૈંકની માગવી ને માગવો છે આભાર
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર

વણચાહ્યાંને એક વાર ફરી ગણીગણી લેવાં છે ચાહી 
સાથ રહ્યાંને હાથથી ખેંચી લેવા બાથની માંહી

ઓછા પ્રેમનો હું અપરાધી, હાય રે કેવું આળ 
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર

વિદાયપળ ઢૂંકડી તો બમણો ડૂમો કિય અબોલ 
વિદાય સૌને હે પાસેના ભૂગોળ, દૂર ખગોળ


વેગળું જતું તે થતું વધુ વ્હાલું, હે યાર 
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર

--- અજ્ઞાત 


Saturday, March 12, 2016

Brijesh Dave's Poetry(બ્રિજેશ દવે ની રચનાઓ)

સાથ છોડી ક્યાં જનમનું વેર લે
આમ ના વરતાવ કાળો કેર લે

હાથમાં લઇ હાથ ચાલ્યા આપણે
હાથ છોડી ક્યાં કરમનું વેર લે

દૂર જાવા તું કહે તો એ સનમ
આજ છોડી જાવ તારું શેર લે

ચીંચયારી પાડતા ખગને કહો
પાંખ પરથી ધૂળ તો ખંખેર લે

બેફવા તું હો ભલે પણ હું નથી
એ જ તો છે આપણામાં ફેર લે

આ 'વિભવ' કાયમ નિભાવે વાયદો
સાથ થાશું રાખ કેરો ઢેર લે
--------------------------------------------------------
નજરને ક્યાં લયી જાવી તમારા ચેહરા સીવા
અમારે તો નશીલા આ નયનના જામ છે પીવા

તમારી યાદ સાગર છે, નહીં આવે કદી તળિયા
ભલે તેમાં ડુબી જાયે ઘણા બાહોશ મરજીવા

તમારી વાટમાં આ જાતને ભૂલી ગયો છું બસ
હવે બાકી અમે જગની હયાતીમાં નહીં જેવાં

હજારો વાર પીધી છે સુરા પણ ભાન ના ખોયું
હજી આપો, કહે મયખાર, સૂકાઈ રહી ગ્રીવા

"વિભવ"ને જો ગઝલનો રંગ લાગ્યો છે અહીંથી તો
સદા રાખે હ્રદયના દદૅથી રોશન બધાં દીવા
------------------------------------------------------------------------
બ્રિજેશ દવે 'વિભવ'


વેલેન્ટાઇન ડે વિશેષ

થોડા દિવસ પહેલા, મળી તી આંખડી દોસ્તો
આજે આવી એ બાંધવા, મને રાખડી દોસ્તો

પૂછ્યું કે શું જોઈએ, ભેટ-સોગાદ કે પ્રેમ
કેહતી ગઈ લાવજો, કાંદા-કાકડી દોસ્તો

છતાં કરીને હિંમત, ગયો એના ઘર સુધી
બારણે ઉભા બાપુજી, લઈ લાકડી દોસ્તો

આમ-તેમ જોયું નહિ, ભાગ્યો ખુબ ઝડપથી
શોધવાને લાગ્યો કોઈ, ગલી સાંકડી દોસ્તો

કહે 'વિભવ' થાય છે, આરંભ આમ પ્રેમનો
વધેરો શ્રીફળ લાવો, ગોળ ગાંગડી દોસ્તો

--- બ્રિજેશ દવે (વિભવ)

રાજકોટ (તા. 13-02-2016)
--------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------
મુક્તકો

સુકી ધરાને આમના તરસાવ તું,
ઝરમર નહી, હવે ધોધમાર વરસાવ તું,

હયાતી તારી પુરવાર કરીદે ઈશ્વર,
મેઘ-મહેર કરી પૃથ્વી ને બચાવ તું.
----------------------------------
શું કહું કેવા સ્વભાવો વચ્ચે જીવું છું,
હું રોજ નવા અભાવો વચ્ચે જીવું છું,

પ્રભાવિત નથી કરી શકતો કોઈને તેથી,
હું સતત અન્યના પ્રભાવો વચ્ચે જીવું છું.
----------------------------------------

જોઈએ

શાંતિ નથી પસંદ કોઈને, રોજ નવી બબાલ જોઈએ,
વગર ઠંડી એ પણ હાથ શેકવા, કોઈ તો આગ જોઈએ,

થવા લાગે છે ખોટી ખટપટ અને અટકચાળા બધે,
ટીખળીઓ ને તો તોફાન કરવા, બસ એક લાગ જોઈએ.

જીવ જાય કોઈ નિર્દોષ નો, કે તૂટે મેહનત નો માળો,
અકર્મીઓને તો ઉજાડવા માટે, બસ એક બાગ જોઈએ. 
------------------------------------------------------------

કેવી કમાલ કરે છે

આ જમાનો પણ કેવી કમાલ કરે છે,
મારે તમાચો, કહે ગાલ લાલ કરે છે,

ઈશ્વર સાથે પણ તે વેપાર કરે છે,
સવાલના જવાબમાં સામો સવાલ કરે છે.

ધનવાનોને માથે વાળ પેહરાવવા,
નીર્ધનના માથે ટાલ કરે છે,

અવગુણી અબુધને આપે છે સતા,
ગુણીજનના હાલ બેહાલ કરે છે.
--------------------------------------------

--- બ્રિજેશ દવે (વિભવ)