શબ્દ સાધકો

Friday, June 17, 2016

Parth Khachar's Poetry(પાર્થ ખાચર ની રચનાઓ)

પ્રેમ પણ છે વ્હેમ છે ચાલ્યા કરે 
આ જિંદગીનું વ્હેણ છે ચાલ્યા કરે   

સ્નેહનું ઝરણું થઇને હું વહ્યો 
પ્રેમ નો પ્રયાસ છે ચાલ્યા કરે 

વેદનાના સુર થઇ વહેતો રહ્યો 
નિજના આઘાત તો ચાલ્યા કરે 

ઝાંઝવાના જળ બધે ભાંસી રહ્યા 
પ્રિયતમની પ્યાસ છે ચાલ્યા કરે 

મેઘલી હો રાત જામી જોરમા 
બીજનો અંજ્વાસ તો ચાલ્યા કરે 

પાલીયાઓ કંઈક છે સિંધુરીયા
ઉજળા ઇતિહાસ તો ચાલ્યા કરે 

છે અધૂરી જિંદગાની આ 'પાર્થ'ની 
તુ મને રસ્તે મળે તો ચાલ્યા કરે 
----------------------------------------------------
અંકુર  ફુટ્યા પછી ની વાત છે 
ફુલ આ ચૂંટ્યા પછી ની વાત છે 

ભીતરે કંઈક યાદો ખળ-ખળે,
ઝરણું આ વહ્યાં પછી ની વાત છે 

સ્મ્રુતીઓ કંઈક આ પગથારની,
હાર આ ગૂંથ્યા પછી ની વાત છે 

સ્નેહ ની ચો તરફ નદીઓ વહે 
હ્દય આ તૂટ્યા પછી ની વાત છે 

આ જિંદગાની  દેન ઇશ્વર 'પાર્થ' ની 
શ્વાસઆ ખુટયા પછીની વાત છે
-----------------------------------------------------
છળવાની હોડ લઇને ખુદ    છેતરાયો માણસ,
કાપવા મંથતો બીજાને ખુદ વેતરાયો માણસ.

સ્વાર્થની આ આંધળી પગથી ઉપર,
સફલતા ને જંખતો અથડાયો માણસ.

કર્મશૂન્ય,લાચાર, હીન  થઇ દૂબલો,
જાત ને વેચી ને હરદમ પસ્તાયો માણસ.

ખોખલું માનવ્ય લઇ નીત દોડતો, 
જીવતર ના જોખમે જોતરાયો માણસ.

જિંદગી આ દેન ઈશ્વર "પાર્થ" ની,
ભાન ભુલી ભવસાગરે ભરમાયો  માણસ.
----------------------------------------------------------------------
" પિતા "

ઉપરી કઠોર કાચલા,ભીતર અમીયલ ધાર,
છૂપો સ્નેહ વરસાવતો એ  કુટુંબનો આધાર.

કરતો રહેતો કામ એ  લેવા છોરું સંભાળ,
જીવતર આખું હોમી દેતો કરી પ્રસ્વેદ ધાર.

સ્નેહ,પ્રેમ ને લાગણી જેનો હુંફાળો હાથ,
મોભી ઘરનો મીઠડો ને કરુણાનો કરનાર.  

 રોટી કપડા મકાન છે ને પરિવારની ઢાલ,
નિજના શમણાં સાચવીને છોરુંના સાકાર.

"પાર્થ" પિતાના પ્રેમને જાણી શક્યું છે કોણ,
બીજા ઝરમર વાદળી એ મેઘ અનરાધાર.
----------------------------------------------------------
હરપળ કરાવે સંઘર્ષ તોય માણવાની છે,
આ જિંદગી અઘરી છતાએ  ગાળવાની છે .

સુખ-દુઃખ ની ઘંટી સદાએ ચાલવાની છે,
દીધેલા શ્વાસ દાતાએ ગણીને મહાલ્વાની છે.

કોક ને કાંટાળી કેડી ઘણાને બાગબાની છે,
રણોની મદ્યમાં મળતી ઘણાને ફુલદાની છે.

પળોમાં રંક ને રાજા કરે એવી રવાની છે,
જીવીલે જિંદગી આ "પાર્થ" છેવટે  એ જવાની છે.
-------------------------------------------------------------------------
તમે આવો જરા નજરમાં તો સારુ લાગે,
આ નિરામય આકાશ તો મને મારુ લાગે.

કાળજાળ ગરમીમાં આમ ઊર્મિનું સતત વહેવું; 
ભીતર આખું વલોવાય પછી મારે કંઈક કહેવું,
હું કયા આખી વસંત માંગુ છું આપ પાસે; 
થોડી ડાળખી લીલીછમ રાખો સારુ લાગે.
આ નિરામય આકાશ તો મને મારુ લાગે.

વુક્ષોનું અને પંખી નું આમ સતત ભેગા રહેવું; 
બાગ અને ઉપવનમાં ભમરાઓનું ગુંજતા રહેવું,
સતત વહેતી યાદોનું ખળખળ અનેરું ઝરણું; 
જો સ્પર્શી જાય આ "પાર્થ"ને તો સારુ લાગે.
આ નિરામય આકાશ તો મને મારુ લાગે.

પાર્થ ખાચર 

Mehul Gadhvi "Megh"'s Gazals(મેહુલ ગઢવી 'મેઘ' ની ગઝલ)

કલમની કલ્પના પાણી ઉપર પાણી લખાવે છે,
ઉદાસીઓ  ની  ભીંતો  એટલે રંગીન લાગે છે.

સિતારો ખ્વાબનો ચમક્યાં કરે છે રાતભર નભમાં,
સવારે જિંદગીનો એ અસલ ચહેરો બતાવે છે.

મરણ સરખા જ છે બેઉના, હિન્દૂ હોય કે મુસ્લિમ,
તને માટી માં દાટે છે, મને એ આગ આપે છે.

હજી પાસા અહીં મિત્રો ય ફેંકે છે શકુનિ જેવા,
અમો થી જીતવા એને બધા યે દાવ ફાવે છે.

જુઓ રાધા અને ગોપીઓ ઘેલી થઈ ને નાચે છે,
જ્યારે જ્યારે આ કાનો વાંસળી રૂડી વગાડે છે.

પ્રથમ ન્હાયા છે પરસેવે પછી થોડા લખાયા છે,
ને તેથી 'મેઘ'નાં શબ્દો બધા દિલથી વખાણે છે.
---------------------------------------------------------------------------
કાલની  જેમ  આજ  ઉભો છું,
થઈ ને હું ચીથરે હાલ ઉભો છું.

આગલું  પાછલું  થશે  સરભર,
લઇ  ને  પૂરો  હિસાબ  ઉભો છું.

મોજથી  મારી  લે  તમાચા  તું,
લે  ધરી  આજ  ગાલ  ઉભો  છું.

ઘા શું  તલવારનાં  બગાડી લે,
શબ્દની લઇ ને ઢાલ  ઉભો છું.

હાથ  ખાલી  છે  મારા  જોઇલે,
ભાગ્યની ખાઈ ગાળ ઉભો છું.

શોધ  નાં  તું  મને  હવે ક્યાંયે,
થઈ  ને  તારા  હું શ્વાસ ઉભો છું.

કો'ક તો  આવશે  જ  દરિયેથી,
લઇ  કિનારે  હું  નાવ  ઉભો  છું
---------------------------------------------------
કયામત   સુધી વાટ  જોયા  કરીશું,
કહીને  ગયા  છે  કે  પાછા મળીશું.

દયા  ખાઈને  છેવટે  અશ્રુ બોલ્યા,
હવે  બસ  ખુશીનાં  પ્રસંગે વહીશું,

અહમ  ઓગળી  જાશે  અંતે બધોયે,
ગઝલને ભજન જેમ લખતા રહીશું.

અદાલત ભરી બેઠી છે લાગણીઓ,
હૃદય, બોલ  કેવી  દલીલો  કરીશું ?

ગઝલને  તમારે  હવાલે  કરી છે,
થશે  વાહ તો 'મેઘ' બીજી લખીશું
-----------------------------------------------------------------
દુઃખતી રગ હાથમાં છે,
એટલે  એ  દાબમાં  છે.

દાદથી  બહેકી ગયા જે,
એ સિતારા ધ્યાનમાં છે.

દ્રૌપદી  લૂંટાય ગઈ  છે,
શ્યામ બીજા કામમાં છે.

આઠમો દરિયો  જુઓને,
ખારવણની આંખમાં છે.

તૂટશે પણ  સત્ય કહેશે,
એટલું  સત  કાંચમાં  છે

ભીતરેથી  હોય  છાવળ,
ને  પૂછાતો  પાંચમા  છે.

આપ  ગાળો  મોજથી તું,
'મેઘ' પણ ક્યાં ભાનમાં છે
-------------------------------------------------
દર્દ કાગળ ઉપર લખ્યા કાયમ,
શેર  મારા ગઝલ  થયા  કાયમ.

દુખતી  રગ નાં  હાથમાં  આવી,
આ તબીબો ઘણું મથ્યા કાયમ,

ડાળખીને   થયો   હશે  કમળો,
એટલે   પાંદડા   ખર્યા   કાયમ.

જાત  પાવન   થશે  ન  ગંગામાં,
મેલ  મનમાં  ઘણા ભર્યા કાયમ.

જિંદગી  છે અસલ  ગઝલ  જેવી,
શ્વાસ મેં  છંદ સમ  લખ્યા કાયમ

ઓગળી  જાય  'મેઘ'  તો  સારું,
આ  અહમમાં  ઘણા મર્યા કાયમ.

મેહુલ ગઢવી "મેઘ"

Thursday, June 16, 2016

Purnima Bhatt "Trusha"'s Gazals(પૂર્ણિમા ભટ્ટ "તૃષા" ની ગઝલ)

વેદનાની આગમાં અંતર જલે દિનરાત પણ,
આગને સંકોરવા કોનો સહારો શોધવો ?

વેંઢરું હું વેદનાને એકલી પણ ક્યાં સુધી ?
દર્દ ચાલ્યું જાય એવો માર્ગ સારો શોધવો ?

લ્યો નથી કઈ કારણે, કોઈ નથી મારું રહ્યું,
શીદને મારે નવો પડકાર મારો શોધવો !

વ્હેણ જીવનમાં હંમેશાથી મને સામા મળ્યા,
આવડ્યું ના તરવુ મઝધારે કિનારો શોધવો ?

ના ઝુકયું નભ પણ કદી મારી ક્ષિતીજે  ઉમ્રભર,
જીવવાને, આશનો ખરતો સિતારો શોધવો ?

આગઝરતા સૂર્યથી ફેલાતુ રણનું મૃગજળ,
ઝાંઝવા મહીં લીલુડો કુંજલ નજારો શોધવો ?

સાવ નિર્જન વન સમી ભેંકાર વીતી જિંદગી,
પાનખરની બીક ,કોયલનો ઇશારો શોધવો ?

રાખ ઊડી તોય " તૃષા " કાં ન છીપી લાશની ?
છે ભરેલો અગ્નિ, તો જલતો અંગારો શોધવો  ?
-------------------------------------------------------------------
છંદ :ગાગાલ  ગાલગાલ લગાગાલ ગાલગા

હું પૂર્ણ પ્રિય, ચંદ્રમુખી શીદ ને કહો  ?
છું પૂર્ણિમા હુ, ચંદ્રમુખી શીદ ને કહો  ?

લાંછન શશીનુ એવુ, ગળે રાહુ ચંદ્રને,
છું મોક્ષિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો  ?

પાક્ષિક પૂર્ણતા જ રહે ચંદ્રની જુઓ,
છું પૂર્ણતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?

ખીલેલ પૂર્ણ ચંદ્ર સમો પ્રેમ આપણો,
છું ચંદ્રિકા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?

" તૃષા " નિહાળુ, ચંદ્ર કળા સંગ ખીલતી,
છું ઊર્જિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
-------------------------------------------------------------------------
છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ઝાંકળે આકાશ ડૂબ્યાની ગઝલ લખવી હતી,
આંખમાંથી આંસુ ખૂટ્યાની ગઝલ લખવી હતી,,

નોખુ કંપન, ને હતું નૉખું પ્રથમ રાતે મિલન,
એ તમારો હાથ સ્પર્શ્યા ની ગઝલ લખવી હતી,,

શૂન્યવત બેઠાં હતા સામે,,ઉઠાવીને ઘુંઘટ,
એ ! અચાનક હોંઠ ચૂમ્યાની ગઝલ લખવી હતી,,

જો હતું નિશ્ચિત ગમન પણ આપનું,, અંતિમ પળે,
અંતરે થી ઉર્મિ ઉભર્યાની ગઝલ લખવી હતી,,

આંસુ પણ એ મોંઘુ, આંખે ખાળ્યું જાતી વેળનું,
વ્હેતું ગાલે એ, ન રોકયાની ગઝલ લખવી હતી,

તૃપ્ત ના થઇ જાણુ "તૃષા", ને હતી આંખો સજળ,
હાથથી એ હાથ છૂટયાની ગઝલ લખવી હતી..
--------------------------------------------------------------------------------
છંદ...ગાલગાગા ગાલગાગા ગાલગા

એક તક બસ એક તક આપો મને,
છો તમે ક્યાં ?એક શક આપો મને,

છે ખુદા, એ કેમ શ્રદ્ધા રાખવી  ?
હોઉ "હું",એવી ઝલક આપો મને,

ના મળ્યો, કોઈ પુરાવો, આપનો,
પ્રેમ હોવાની કસક ,આપો મને,,

જો વસો ચોપાસ, દેખાતા નથી !
હાજરી હો, એક સબક આપો મને,

નભ ઝુકે, છીપાય "તૃષા", ક્ષીતિજે,
લાલ રંગેલી, ફલક આપો મને..
----------------------------------------------------------
છંદ : ગાગાલગા *4 આવર્તન

તરહી રચના........

કણ કણ કરી ભેગું કરો તો તેતરો લૂંટી જશે,,
ચીં ચીં કરી ચકલી બધી,પરથી પ્રણય લૂંટી જશે....

ભગવાનની આ છે,બધી રચના નિસર્ગી, નિર્ભયી..
શાને કરે ઘોંઘાટ, કઇ છે તારુ ? જે ખૂંટી જશે !!

સંભાળ તારા કાર્યક્ષેત્રે તું, એ માનવ ! ભાગ ના,,
બ્હાનું કરી લે  તું સમયનું,,, કાર્ય જો છૂટી જશે,..

સંઘરવુ સઘળું કેટલું ? તું બાંટ જરુરતમંદને,
જો આવશે, ધસમસતુ પાણી, પાળ પણ તૂટી જશે...

મમતા, લગન, સંપત્તિની,, "તૃષા" ઘણી છે નામની,,
ઇશ ને ભજી લે, કોઇ તારો શ્વાસ જો ઘુંટી જશે....
-------------------------------------------------
પૂર્ણિમા ભટ્ટ "તૃષા" 

Saturday, June 4, 2016

Himal Pandya "Parth"'s Ghazals(હિમલ પંડ્યા "પાર્થ" ની ગઝલ)

વિષના પ્યાલા સતત પીવાય છે,
કોઇ પૂછે તો કહું, જીવાય છે! 

અેટલું કહીને એ છૂટી જાય છે,
જે થવાનું હોય છે, એ થાય છે;

આંખથી વહેતી રહે પીડા બધી,
આપણાંથી ક્યાં કશું સચવાય છે? 

રોજ એકાદો ભરમ ભાંગી જતો!
એ નથી હોતું જ, જે દેખાય છે; 

એક પત્થર તો ય પીગળતો નથી,
લાખ દોરા-ધાગા-બાધા થાય છે;

વાંક જેવો નીકળે તકદીરનો,
હોઠ ફરિયાદોતણાં સીવાય છે;

લે, તું તારે કચકચાવી વાર કર!
મોત! શાને આટલું મુંઝાય છે? 

--------------------------------------------------

ખુશબુ થઈએ, શ્વાસમાં રહીએ; 
એમની આસપાસમાં રહીએ; 

ના પડી જાય કોઠે અંધારું,
બે ઘડી તો ઉજાસમાં રહીએ;

મોકળા મનથી બસ જીવાતું હો!
લાગણીના લિબાસમાં રહીએ;

સુખ મળી જાય છે અગર શોધો!
ચાલ, એની તપાસમાં રહીએ;

હું અને તું નું બહુવચન કરીએ,
એકલાં નહિ, સમાસમાં રહીએ;

કાયમી જો ગઝલમાં વસવું હો.
છંદમાં રહીએ, પ્રાસમાં રહીએ;

આવી મળશે મુકામ સામેથી,
એકધારા પ્રવાસમાં રહીએ; 

"પાર્થ" એવું કશું કરી જઈએ;

કે સ્મરણમાં, સુવાસમાં રહીએ.

હિમલ પંડ્યા
-------------------------------------------


मिलननुं गीत माराथी घणा वखते गवायुं छे,
न जाणे केम वर्तन आज एनुं ओरमायु छे!?


आ नातो जोड़वा माटे नथी कोई जबरदस्ती,
बतावी दो के बीजुं कोण माराथी सवायु छे?


बधाने प्रेम आप्यो छे, बधानो प्रेम जीत्यो छे;
ह्रदय क्यां कोइनु क्यारेय माराथी घवायुं छे?


मुसीबतने हुं बिरदावुं के मानुं पाड़ हिम्मतनो?
नथी ज्यां कोइ पण पहोंची शक्युं त्यां पण जवायुं छे!


फरीथी ए ज घटना, ए ज पात्रो, ए ज संदर्भो;
मजानुं दृश्य केवुं आंखनी सामे छवायुं छे!


ग़ज़ल छे जिंदगी मारी, ग़ज़ल छे बंदगी मारी!
तमारे मन हशे शब्दो, अमारो प्राणवायु छे.

 हिमल पंड्या "पार्थ"

-----------------------------------------------------------------


-------------


Friday, June 3, 2016

Mehbub Sonaliya's Gazal(મેહબૂબ સોનાલીયા ની ગઝલ)

ગમ્યું નથી જે કદી તે ગમાડવા લાગ્યાં
અમે બસ એમ હ્રદયને રમાડવા લાગ્યાં.

એલાર્મો હારી ગયા એક ધારા વાગીને
અને તમે શું જગત ને જગાડવા લાગ્યાં

જગત ની દોડ મહીં થાય છે વિજય કોની?
વધુ જે દોડે બધા એને પાડવા લાગ્યાં.

અહીં તો હાસ્ય બધા સાવ ભૂલી બેઠા છે 
ફકત જનાજા દુઃખો ના ઉપાડવા લાગ્યાં.

જગત ને ટેવ છે મહેબૂબ નખ થી ખણવા ની.
તમે જખમ શું બધા ને બતાડવા લાગ્યાં.

------------------------------------------------------------

સફર જીવન ની એમ જ આદરું છું.
તને 'હોવાપણું' મારું, ધરું છું.

અંગરખો દંભ નો મોટો છે કદ થી
બધા થી એટલે નોખો તરું છું.

અરીસો કોણ કે' સાચું જ બોલે?
મને જોઉં છું, જોયા કરું છું.

તને ખોવાય જાવાનો જ ડર છે.
મને હું જો મળું છું તો ડરું છું.

ઉપાધિઓ બધી મહેબૂબ જી હું

નિમંત્રણ દઈ અને ક્યાં નોતરું છું.
-------------------------------------------------

મહેબુબ સોનાલિયા

-------------------------------------
सोच की बैसाखियों को बस बदल लेता हूँ मैं
है तो सौ दुशवारियाँ पर हस के चल लेता हूँ मैं।

तीरगी मुझसे उलजने की न जिद करना कभी
खुश्क हो जाये दिये तो खुद ही जल लेता हूँ मैं

जीते रहेने की तलब ने मार डाला है ज़मीर
जैसे भी हालात हों वैसे ही ढल लेता हूँ मैं।

देखले कोई न बहती आंसूओं की धार को
इस तरह बरसात में थोड़ा टहेल लेता हूँ मैं।

आँख पर पट्टी लगाकर दौड़ना शमशीर पर
जिंदगी के रास्ते पे फिर भी चल लेता हूँ मैं।

सत्यावादी हूँ अगर अवसर नहीं मिलता मुझे
सच तो ये है सोच का पैकर बदल लेता हूँ मैं।

जिंदगी 'महेबुब' को तुजसे कोई शिकवा नहीं
जितना तू छलती है मुजको उतना फल लेता हूँ मैं।


महेबुब सोनालिया

Lata Bhatt's Poetry(લતા ભટ્ટ ની રચનાઓ)

મનહર છંદમાં બે  રચના
=================

ફરી દાળ બળી ગઇ,ફરી દાળ થઇ કાળી,
મુસીબતની જડ છે,મારી પત્ની રુપાળી.

પાપડ શેકવા ફાવે, બનાવી શકે છે મેગી.
 એ જ એનો અન્નકોટ એ જ પીરસે થાળી.

પેટ પણ હવે મારું ,જવાબ દઇ રહ્યું છે,
પીત્ઝા બર્ગર ખાઇને,હોજરી થઇ આળી.

પિયરે ન સિધાવીને,મને દુઃખ એમ આપે,
ધામા નાખે અહીં સહુ,સાસુ સસરા સાળી.

ફૂલ ધાર્યુંતુ મે એને ,કે એ ખુશ્બૂ ફેલાવશે,
નીકળી એ તો અરે રે,કાંટાળી એક ડાળી.

લાલી લિપસ્ટિક એની,  મારો પગાર ખાય છે,
કરવી પડે છે મારે ,દિવસ રાતપાળી.

દિવસે લાગે અપ્સરા, સ્વર્ગથી ઉતરી આવી,
રાતે મેકઅપ કાઢે,  હબકી જાઉં ભાળી.

અકાળે  મળી ગઇ છે,  મને તો આ વૃધ્ધાવસ્થા
કેશ સાથે  રંગુ  કેમ, દાઢી મારી શ્વેતાળી.

પરણીને પસ્તાણો છુ, કુંવારો જ સારો હતો,
ચોટલી ઝાલીને ઊભી,,એક ચોટલાવાળી.

-------------------------------------------------

શબ્દ ગોઠવાઇ ગયા,આપોઆપ કવિતામાં,
  જખ્મની દશા આ નક્કી, હરી હોવી જોઇએ.

મોહરા ઉખડી રહ્યા,ચહેરા ઉપરથી આ
જાત આયનાની સામે,ધરી હોવી જોઇએ.

માસૂમિયત એમ જ ,જળવાઇ રહે તેથી,
 સ્વપ્નમાં સહુના એક , પરિ હોવી જોઇએ.

સેકડૉ  દિવાના આમ, મરી ફીટવા તૈયાર,
વાત કોઇ વતનની, કરી હોવી જોઇએ.

મહેંકી રહી માટી ને,ઝળહળે પણ આ તો,
રજ કોના પગલાની, ખરી હોવી જોઇએ.

લતા ભટ્ટ

Ravi Dave "Pratyaksh"'s Gazals(રવિ દવે 'પ્રત્યક્ષ' ની ગઝલ)

તારો જ ચ્હેરો ખાસ હતો અંધકારમાં;
તેથી જ તો પ્રવાસ હતો અંધકારમાં.

થોડો ઘણો પ્રકાશ હતો અંધકારમાં;
તારો જ તો ઉજાસ હતો અંધકારમાં !

મારું જ આ અજ્ઞાન નડ્યું છે હવે મને;
મારી જ હું તપાસ હતો અંધકારમાં.

મારું કફન સફેદ ભલે હો કબર બહાર;
કાળો થયો લિબાસ હતો અંધકારમાં.

આ જિન્દગી હવે મેં વિતાવી મઝારમાં;
'પ્રત્યક્ષ' નો નિવાસ હતો અંધકારમાં.

-----------------------------------------

હવે દુનિયા મને આ પ્રેમમાં તો ત્રસ્ત લાગે છે;
તમે હો છો જો સાથે તો બધુયે મસ્ત લાગે છે.

ઘણાં દિવસો થયા મુજને મળ્યા ના એટલે લાગ્યું,
કદાચિત્ મારી યાદોમાં ઘણાં એ વ્યસ્ત લાગે છે.

નથી એ બોલતા કાંઈ, નથી કહેતો હું કાંઈ પણ;
અમારા બેયના આજે હ્યદય પણ સુસ્ત લાગે છે.

નથી પીવા મળ્યાં તારા નયનના જામ આજે તો;
છતાં જૂનો મળેલા કૈફથી મદમસ્ત લાગે છે.

નથી એ પ્રાણ એમાં કે હવે સાબિત થઈ જાશે,
તમે અડકો અહીં 'પ્રત્યક્ષ' ઠંડો હસ્ત લાગે છે.

રવિ દવે 'પ્રત્યક્ષ'